અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર – બધા પથ છે – શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર – કુટીચક – તીર્થયાત્રાનો ઉદ્દેશ)
શ્રીરામકૃષ્ણ – જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હું પૂર્ણ બ્રહ્મ છું કે નહિ તે જોવા ચાલ. એમ કહીને એક જગાએ લઈ જઈને કહ્યું, ‘સામે તું શું જુએ છે ?’ અર્જુને કહ્યું, ‘હું એક વિરાટ વૃક્ષ જોઉં છું, તેમાં કાળાં જાંબુડાં જેવાં ફળનાં લૂમખાં ઝૂલી રહ્યાં છે.’ કૃષ્ણે કહ્યું, ‘હજીયે વધુ નજીક આવીને જો તો; એ લૂમખાં કાળાં ફળ નથી, પણ અસંખ્ય કૃષ્ણ ઝૂલી રહ્યા છે મારા જેવા. એટલે કે એ પૂર્ણબ્રહ્મ રૂપી વૃક્ષમાંથી અસંખ્ય અવતાર આવે ને જાય છે.’
કબીરનું નિરાકાર તરફ ખૂબ વલણ હતું. શ્રીકૃષ્ણની વાતમાં કબીર કહેતા કે એને શું ભજવા ? ગોપીઓ હાથથી તાલી વગાડતી અને એ વાંદરાની પેઠે નાચતા ! (હસીને) હું સાકારવાદી પાસે સાકાર, અને નિરાકારવાદી પાસે નિરાકાર.
મણિ (હસીને) – જેની વાત થાય છે તે (ઈશ્વર) જેમ અનંત, તેમ આપ પણ અનંત. આપનો અંત પામી શકાય નહિ.
શ્રીરામકૃષ્ણ (હસીને) – જા, તમે સમજી ગયા છો ! વળી એવું છે કે બધા ધર્મોની સાધના એક એક વાર કરી લેવી જોઈએ, બધે રસ્તેથી ફરીને આવવું જોઈએ. ચોપાટની સોગઠી બધાંય ખાનાં ફરીને પાર ન થઈ આવે ત્યાં સુધી કેમ કરીને ઘરમાં જાય ? સોગઠી જ્યારે ઘરમાં હોય ત્યારે તેને કોઈ મારી શકે નહિ.
મણિ – જી હા.
શ્રીરામકૃષ્ણ – યોગી બે પ્રકારના : બહૂદક અને કુટીચક. જે સાધુ અનેક તીર્થાેમાં ભ્રમણ કરતો ફર્યા કરે છે, જેના મનમાં હજીયે શાંતિ થઈ નથી, તેને બહૂદક કહે. જે યોગીએ બધે ફરી લઈને મન સ્થિર કર્યું છે, જેને શાંતિ થઈ ગઈ છે તે એક જગાએ આસન કરીને બેસે, પછી ભટકે નહિ; તે કુટીચક. એ એક સ્થાને બેસીને જ તેને આનંદ મળે. તેને તીર્થાેમાં જવાનું કોઈ પ્રયોજન જણાય નહિ. જો એ તીર્થાેમાં જાય તો માત્ર (ઈશ્વરીય-ભાવના) ઉદ્દીપન સારુ. (શ્રીરામકૃષ્ણ કથામૃત-૧ : પૃ. ૮૯-૯૧)
Your Content Goes Here