અનુવાદક : મેધા કોટસ્થાને

સ્વામી પ્રેમાનંદનો દૈનિક કાર્યક્રમ સીધો સાદો અને સરળ હતો. એમની ખાવાપીવાની ટેવ પણ સાદી હતી. ખાવાપીવાની બાબતમાં તેમને કોઈ પસંદગી કે નાપસંદગી હતાં નહીં. જે મળે તે આનંદથી ખાઈ લેતા. ૧૯૧૬માં એમને કોલેરા થયો, ત્યાર પછી ડોક્ટરની સૂચનાઓનો અમલ એમને કરવો પડ્યો. એમના ગુરુબંધુ શરત મહારાજે એમની દેખરેખ માટેની વ્યવસ્થા પણ નિભાવી લેવી પડતી.

બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ) પાસે બે વસ્ત્રો, બે શાલ, બે અડધી બાંયવાળાં શર્ટ અને એક ટુવાલ હતાં. તેઓ સાદાં સ્લિપર, છત્રી અને એક લાંબી લાકડી રાખતા. પ્રવાસે કે બહારગામ જાય ત્યારે ભગવત્ ગીતા અને જરૂર પૂરતી થોડીક ચીજવસ્તુઓ એક કેનવાસની થેલીમાં લઈ જતા. સાથે ધાબળો પણ ન રાખતા. આવી વસ્તુઓ મઠમાં વાપરવાની હોય છે એમ માનતા.

૧૯૧૬માં તેઓ સ્વામી બ્રહ્માનંદજી સાથે પૂર્વ બંગાળ ગયા ત્યારે એક ભક્તે એમને થોડાં વસ્ત્રો અને શાલ આપ્યાં. જ્યારે પાછા ફર્યા ત્યારે તેમણે બધા સંન્યાસીઓને કહ્યંુ, ‘છોકરાઓ અહીં આવો.’ અડધા કલાકમાં એમણે એ કપડાં અને શાલ એ સંન્યાસીઓમાં વહેંચી દીધાં. એ વહેંચીને એમને જંપ વળ્યો. તેમણે કહ્યું, ‘આવી બધી ચીજવસ્તુઓ મારી પાસે રાખવી એવો વિચાર પણ મારાથી સહન થતો નથી. શ્રીઠાકુરે ક્યારેય કશાયનો સંગ્રહ કર્યો ન હતો.’ આવી અનેક ઘટનાઓ બની હતી.

સ્વામી પ્રેમાનંદનાં માતા એમના જન્મદિવસે પૈસા મોકલતાં. એ વિશે તેઓ ક્યારેય કોઈને કશું કહેતા નહીં. એ પૈસા સીધા મંદિરના ખાતામાં જમા કરાવી દેતા. જ્યારે આ વાત જાહેર થઈ ત્યારે એમનાં માતા સાવધ થઈ ગયાં. પોતાના દીકરાને નામે પૈસા મોકલવાનું એમણે બંધ કરી દીધું.

સ્વામી પ્રેમાનંદનું વર્તન ઘણું અજબ હતું. સ્વામીજીનો સંદેશ, શ્રીરામકૃષ્ણદેવની શિખામણ એમના શ્વાછોચ્છ્વાસમાં વણાયેલ હતાં. એમનાં વર્તણૂક અને વ્યવહારમાં એ જોવા મળતું. એમનું વ્યક્તિત્વ સ્વચ્છ, સ્પષ્ટ અને પારદર્શક હતું. અપરિગ્રહ એમની જીવનઘટનાઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે. (સ્વામી પ્રેમાનંદ – લવ ઇન્કારનેટ – બ્ર.અક્ષરચૈતન્ય-૯૩.)

મઠમાં રહેનારા બ્રહ્મચારીઓનાં વર્તનવ્યવહાર પર સ્વામી પ્રેમાનંદનું સતત અને સાવધાનીપૂર્વકનું ધ્યાન રહેતું. સાથે ને સાથે એમનાં શિક્ષણ અને અભ્યાસ તેમજ આધ્યાત્મિક પ્રગતિ પ્રત્યે પણ તેઓ ધ્યાન રાખતા. બ્રહ્મચારીઓને એક શિક્ષક આપી દીધા છે એટલે આપણું કામ થઈ ગયું – એવો દૃષ્ટિકોણ તેઓ ધરાવતા ન હતા. એટલે તેઓ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે કે નહીં એનું ધ્યાન રાખતા. બ્રહ્મચારીઓ પણ એમને સાંભળતા અને એમનું કહ્યંુ માનતા. આમ સતત કાળજીભર્યા, કડક છતાં પ્રેમભર્યા વાતવરણમાં બ્રહ્મચારીઓનાં ત્રણ વર્ષ વીતી ગયાં પછી પરીક્ષા આવી. વિષય હતો સંસ્કૃત વ્યાકરણ. સ્વામી પ્રજ્ઞાનંદ અને સ્વામી જગદાનંદ એ બન્ને હતા પરીક્ષક.

પરીક્ષાના દિવસે બપોરે જમતી વખતે દરેક બ્રહ્મચારીને બબ્બે ચમચા ઘી પીરસવામાં આવ્યું. એ વખતે બાબુરામ મહારાજે કહ્યું, ‘તમને જે આ ઘી પીરસ્યું છે એ કોઈ કારણ વગર નથી પીરસ્યું. જો તમે પરીક્ષામાં નાપાસ થશો તો તમને ઘરે પાછા મોકલવામાં આવશે.’

પછીના થોડા દિવસ પરીક્ષા વિશે કોઈ કાંઈ બોલ્યું નહીં. એક દિવસ બાબુરામ મહારાજે પરીક્ષકોને વિદ્યાર્થીઓની સફળતા વિશે પૂછ્યું. ‘બધા પાસ થઈ ગયા છે.’ એમ બન્ને પરીક્ષકોએ કહ્યું.

મઠના જીવનમાં અભ્યાસ અને શિક્ષણ તેમજ જ્ઞાન ગ્રહણ કરવું કેટલું મહત્ત્વનું છે, એ આ ઘટના પરથી આપણે જાણી શકીએ છીએ. (સ્વામી પ્રેમાનંદ – લવ ઇન્કારનેટ – બ્ર.અક્ષરચૈતન્ય-૧૦૦.)

સ્વામી પ્રેમાનંદ પોતાના પ્રેમ અને વાત્સલ્યભર્યા સ્વભાવને કારણે કેટકેટલાય લોકોને રામકૃષ્ણ મઠ સાથે જોડી દેતા. એમના સ્વાભાવિક પ્રેમથી લોકો સહજભાવે આકર્ષાતા.

દેવેન્દ્ર ભટ્ટાચાર્ય નામના ઢાકા કોલેજના સંસ્કૃતના પ્રાધ્યાપકે પોતાના ઘરે એકવાર બાબુરામ મહારાજને ભિક્ષા લેવા માટે બોલાવ્યા. કૃષ્ણલાલ મહારાજ, રાસબિહારી મહારાજ અને બીજા થોડાકને સાથે લઈને તેઓ દેવેન્દ્રના ઘરે ગયા. અધ્યાપકની ખુશીનો પાર ન રહ્યો અને ઓચિંતાના આટલા બધાને જોઈને શું કરવું અને શું ન કરવું, એની મૂંઝવણમાં પડી ગયા. બધાને આવકારો આપ્યો પછી પોતાનાં પત્ની અને નાની દીકરીને બોલાવીને સ્વામી પ્રેમાનંદજીને પ્રણામ કરવાનું કહ્યું. ભટ્ટાચાર્યે પાણિનિ વ્યાકરણના ભાષ્ય સહિત બે ખંડનું સંપાદન કર્યું હતું. એ બે ખંડ લાવ્યા અને બાબુરામ મહારાજને અર્પણ કર્યા. અધ્યાપકે કહ્યું, ‘તમારું સ્વાગત કરવા મારી પાસે બીજું કશું નથી. પણ આ બે નજીવાં પુસ્તકો છે તે અર્પણ કરું છું. એને સ્વીકારવાની કૃપા કરો.’ બાબુરામ મહારાજે બન્ને પુસ્તકો હાથમાં લઈને પોતાને માથે ટેકવ્યાં અને કહ્યું, ‘આને નજીવાં શા માટે કહો છો ? તમે તો વેદવેદાંતનો સાર જ મને આપ્યો છે.’ દેવેન્દ્રબાબુએ ધન્યતા અનુભવી. દેવેન્દ્રબાબુને ‘પાણિનિ’ પર ઘણો પ્રેમ હતો. એમણે પોતાની પુત્રીનું નામ પણ ‘પાણિનિ’ રાખ્યું હતું. પોતાની ગાયના વાછરડાનું નામ પણ તે જ રાખ્યું હતું. (સ્વામી પ્રેમાનંદ – લવ ઇન્કારનેટ – બ્ર.અક્ષરચૈતન્ય-૧૬૦-૬૧.)

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.