ગતાંકથી આગળ…

એપ્રિલ માસમાં સુધીરાદીની બહેનો શિમલા જતાં રહ્યાં અને સુધીરાદી મને તેમના પૈત્રૃક નિવાસસ્થાન જેજુર ગામે લઈ ગયાં. અમારી સાથે નરેશદી, પ્રબોધદી તેમજ પ્રફુલ્લમુખીદેવી પણ હતાં. રસ્તો તારકેશ્વર થઈને જતો હતો, ત્યાં પહોંચતાં બપોરે દોઢ વાગી ગયો. તારકેશ્વર મંદિરમાં અમે પૂજા ન કરી શક્યાં, પરંતુ આરતીમાં સામેલ થઈ ગયાં. અમે મંદિર પાસે એક ઓરડો ભાડે રાખ્યો, નિંદ્રાવિહીન રાત પસાર કરી. બીજે દિવસે મંદિરમાં પૂજા કરી, રેલગાડી દ્વારા હરિપાલ ગયાં અને ત્યાંથી જેજુર પહોંચ્યાં. સુધીરાદીએ મને તેમની કાકી પાસે રાખી. ત્રણ ચાર દિવસ પછી તેમની સાથે આવેલ મહિલાઓ સાથે તેઓ કોલકાતા પાછાં ફર્યાં. તેમણે હું મારું ભોજન પોતે જ બનાવું તેવી અલગ વ્યવસ્થા કરેલી. ગામના તળાવમાં સ્નાન કરવાથી મને ખસ થઈ ગઈ. થોડા સમય બાદ એમનાં કાકીએ મને રાખવાની અનિચ્છા બતાવી. શરૂઆતમાં મને ખરાબ ન લાગ્યું, પણ એક દિવસ સુધીરાદીના ભાઈ (કાકાના દીકરા) જટિ દાદા આવીને મોટેથી બોલ્યા, ‘ખુદી (સુધીરાદી) અમારી પાસે કોને મૂકી ગઈ છે? કાં તો ખુદી એનો પરિચય આપે નહિતર હું પોલીસને બોલાવીને તેને પકડાવી દઈશ.’ હું તો અત્યંત દુ :ખી થઈ ગઈ. મેં તરત જ સુધીરાદીને પત્ર લખ્યો, ‘આવી શકો તો આવી જાઓ, નહિ તો મને અહીં નહિ જુઓ, હું આ ઘરેથી ચાલી જઈશ. હવે હું અહીં વધારે નહિ રહી શકું.’

મારો પત્ર મળતાં જ સુધીરાદીએ વિના વિલંબે રેલગાડી પકડી અને જેજુર આવી પહોંચ્યાં. તેમણે દરવાજો ખખડાવ્યો પણ હું ખોલવાનું સાહસ ન કરી શકી. જ્યારે તેઓ બોલ્યાં, ‘હું સુધીરાદી છું, દરવાજો ખોલો.’ ત્યારે મેં ખોલ્યો. બીજે દિવસે જ અમે કોલકાતા તરફ પ્રયાણ કર્યું. તે દિવસ બંગાળી નવા વર્ષનો દિવસ હતો. રેલગાડીમાં એવી ભીડ હતી કે અમે ચઢી ન શક્યાં. જ્યારે સ્ટેશન માસ્તરને ખબર પડી કે જેજુરના જમીનદારનાં પરિવારની મહિલા (સુધીરાદી) રેલગાડીમાં ચઢી નથી શકતાં, તો તેમણે ખુદ અમારા માટે પ્રથમ વર્ગની ટિકિટ લાવી અમને ગાડીમાં ચઢાવ્યાં. મોડી રાતે હાવડા સ્ટેશને પહોંચવાથી કોઈ વાહન ઉપલબ્ધ નહોતું, હાવડા પુલ પગપાળા પાર કરી અમે જગન્નાથ ઘાટ પહોંચ્યાં. સુધીરાદી કહેવા લાગ્યાં, ‘કકડીને ખૂબ ભૂખ લાગી છે.’ અમારી પાસે મમરા અને પતાસાં હતાં, અર્ધી રાતે તે ખાઈને પાછા અમે ચાલવાનું શરૂ કરી દીધું. જ્યારે અમે સ્ટાર લેન પર અનસૂયાદીના ઘરે પહોંચ્યાં, ત્યારે ત્રણ વાગેલા. સુધીરાદીએ નોકરાણી પડશીને બોલાવીને કહ્યું કે આ લોકોને બહુ જ ભૂખ લાગી છે. ત્યારે જ સ્ટાર થિયેટર બંધ થયેલું, કોઈ કોઈ ખાવાની દુકાન એ સમયે ખુલ્લી હતી. ત્યાંથી પડશી પૂરી, બટાકાનું શાક તેમજ મીઠાઈ લઈ આવી. તે ખાઈને અમે સવારે સાત વાગ્યા સુધી સૂઈ ગયાં.

બરેનની ફઈ (દાના કાલીની બહેન)ને સુધીરાદી ઓળખતાં હતાં. બીજે દિવસે સાંજે તેમણે મને ત્યાં લઈ જઈ તેમના ઘરે રાખી. હું જૂન મહિનાના અંત સુધી એ ઘરમાં રહી.

અનસૂયાદી બ્રાહ્મકન્યા વિદ્યાલયમાં શિક્ષિકા હતાં. સુધીરાદી મને ત્યાં ભણાવવા ઇચ્છતાં હતાં. તેમને પોતાના છાત્રાલય માટે એક મેટ્રનની જરૂર હતી. અનસૂયાદીએ વિદ્યાલયના અધિકારીઓ સાથે વાત કરી મને મેટ્રનનું કામ અપાવી દીધું. તેમણે મને બરેનના ઘરેથી લાવવા માટે ઘોડાગાડી મોકલી. તે વખતે મારી પાસે બે સાડી – શેમીઝ અને એક ટુવાલ હતાં. જ્યાં પણ જતી ત્યાં આ કપડાંની પોટલી સાથે લઈ જતી. બરેનની ફઈએ મને પોતાની પુત્રીની જેમ એક સૂટકેસ, એક બિસ્તરો-તકિયો તેમજ હેન્ડલૂમની સાડીઓ વગેરે આપીને પ્રેમપૂર્વક વિદાય કરી.

છાત્રાલયના મોટા ઓરડામાં સાઠ વિદ્યાર્થિનીઓ રહેતી હતી. હું પણ તે લોકોની સાથે રહેતી. મારી દિનચર્યા આ પ્રમાણે હતી : સવારે પાંચ વાગે ઊઠવા માટેનો ઘંટ વગાડવો, તે લોકોને સ્નાન પછી સાત વાગે પ્રાર્થના ખંડમાં મોકલવાં, ત્યાંથી આવીને તેમને ભણવા બેસાડવાં તથા શાળાએ જવાના સમયે એ જોવાનું કે તેમણે શાળાનાં કપડાં બરાબર પહેર્યાં છે કે કેમ? તેમના શાળાએ જવાથી માંડી પાછા આવવા સુધીના વચ્ચેના સમયમાં હું પોતાની ઇચ્છાનુસાર કાર્ય કરવા માટે સ્વતંત્ર હતી. સવારે સાધના માટે સમય ન મળતો તેથી જ્યારે અગાસી પર કપડાં સૂકવવા જતી ત્યારે ઊભા ઊભા જપ કરતી. આ નવી જીવનશૈલીથી પણ હું મુશ્કેલી ન અનુભવતી. હું દુર્ગાપૂજાની રજાઓ સુધી ત્યાં રહી. અધિકારીગણ મારા કાર્યથી સંતુષ્ટ હતો, તેથી મને રજા આપવા માગતો નહોતો. પરંતુ સુધીરાદી મને તીર્થયાત્રા માટે લઈ જવા ઇચ્છતાં હતાં. વળી તેઓ એમ પણ ઇચ્છતાં હતાં કે હું ત્યાં રહીને ભણું, પરંતુ મને એવો સમય જ નહોતો મળતો. તેથી તેમણે મને છાત્રાલય છોડવા કહ્યું.

આ દરમ્યાન, સુધીરાદી ઘર છોડી નિવેદિતા સ્કૂલમાં રહેવા માંડ્યાં. દુર્ગાપૂજાની રજાઓમાં ગયા, વારાણસી, ઈલાહાબાદ તથા બીજાં તીર્થસ્થાનોએ અમારું જવાનું નક્કી થયું. જવાવાળા સંઘમાં પ્રબોધદી, નરેશદી, મીરા, પ્રફુલ્લમુખીદેવી, સુધીરાદી અને હું હતાં. સ્કૂલના ચોકીદાર રામલાલ પણ અમારી સાથે હતા. તેને ગયા સુધી જવું હતું. ટ્રેનમાં સુધીરાદીની એક પરિણિત બહેન સાથે સારી ઓળખાણ થઈ ગઈ. તે ગયામાં પોતાના પિયર જઈ રહી હતી. તેણે અમને બધાંને પોતાની સાથે રહેવા આગ્રહ કર્યો, સુધીરાદી સંમત થઈ ગયાં. તે મહિલાએ પોતાના ઘરના લોકોને અમારો પરિચય પોતાના સાસરાવાળાના લોકો તરીકે આપ્યો, તેથી અમારું સ્વાગત સૌહાર્દપૂર્ણ તથા ઉદારતાથી થયું. તેણે અમારા માટે બુદ્ધગયા, રામશિલા, પ્રેતશિલા તથા બ્રહ્મયોનિ પર્વતનાં દર્શનની પણ વ્યવસ્થા કરી આપી.

રાત્રે દસ વાગ્યાની ગાડીમાં અમે વારાણસી તરફ પ્રયાણ કર્યું. વારાણસીમાં અમે પહેલાં જ્યાં ઊતરેલાં ત્યાં જ ઊતર્યાં. પૂજાની રજાઓ ત્યાં જ વિતાવી અમે ઈલાહાબાદ ગયાં. ત્યાં પ્રબોધદીના ઘરે રહ્યાં. ત્યાર બાદ વૃંદાવન ગયાં, જ્યાં ગોપીદીના ઘરે ઊતર્યાં. સાત દિવસ બાદ સુધીરાદીને તાર દ્વારા તરત જ ઘરે પાછા ફરવાની સૂચના મળી. તેમના ભત્રીજાને ડિપ્થિરિયા થઈ ગયેલો. અમારી તીર્થયાત્રા ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. બાકી બધાં પોતપોતાના ઘરે પાછાં ફર્યાં. સુધીરાદીને મારી ચિંતા હતી. પરંતુ સ્વામી પ્રજ્ઞાનંદ સાથે તેમને થયેલી વાત અનુસાર તેમણે સુધીરાદીને મને તેમની સાથે લઈ જવા સલાહ આપતાં કહ્યું કે તેની ત્યાં જરૂર પડી શકે છે. હું તેમની સાથે ગઈ પણ તાત્કાલિક ઉપચારથી તેમનો ભત્રીજો સારો થઈ ગયો. તેથી ભાડાની ઘોડાગાડી દ્વારા મને બરેનની ફોઈના ઘરે મોકલી દીધી. હું પહેલી વાર ઘોડાગાડીમાં એકલી ગયેલી. તે દિવસે કાલી પૂજાનો ઉત્સવ હતો, તેમના ઘરે કાલી પૂજા થવાની હતી, મને ત્યાં અચાનક જોઈને તેઓ આનંદિત થયાં. બરેનની ફોઈને મેં કહ્યું કે હું આખો દિવસ ઉપવાસ રાખીશ, તેઓ માની ગયાં. મેં રાતે મા કાલીની પૂજા જોઈ, પુષ્પાંજલિ આપી અને આનંદવિભોર થઈ ગઈ.

બરેનની ફોઈને ત્યાં હું પોતાના ઘરની જેમ જ રહેતી. શ્રીશ્રી મા કોલકાતા આવતાં ત્યારે તે મને ઘોડાગાડીમાં તેમનાં દર્શને લઈ જતાં. ક્યારેક ક્યારેક, મોડી સાંજે હું શ્રીશ્રી મા પાસે એકલી જતી અથવા ક્યારેક ક્યારેક બરેનની ફોઈની પુત્રવધૂઓ સાથે જતી. એક દિવસ આ જ રીતે હું શ્રીશ્રી માનાં દર્શન કરવા સવારમાં ગયેલી. ત્યાં ત્યારે આરામબાગની ‘કાલો’ નામની એક સ્ત્રી, જે શ્રીશ્રી માની સેવા કરતી હતી, તે પોતાના ઘરે ગયેલી. શ્રીશ્રી માએ મને કહ્યું, ‘બેટા, તું ક્યાં છો? તે સ્ત્રી ચાલી ગઈ છે, તું આવીને મારી પાસે રહે. આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાં સુધી ઘૂમતી રહીશ? આવીને મારી પાસે રહી જા.’ પછી તેમણે યોગીનમાને બોલાવીને કહ્યું, ‘મેં આને અહીં આવીને રહેવા કહ્યું છે.’ આ સાંભળી યોગીનમા સહર્ષ બોલ્યાં, ‘અતિ ઉત્તમ. અહીં-તહીં ઘૂમવા કરતાં અહીં તમારી પાસે જ રહેને.’ ત્યાર બાદ મેં શ્રીશ્રી માને કહ્યું, ‘મારું આવું ભાગ્ય કે આપની પાસે આવીને રહું!’ ફરી શ્રીશ્રી મા બોલ્યાં, ‘હા! હું તને અહીં આવીને રહેવા માટે કહી રહી છું.’ ત્યારે મેં કહ્યું, ‘મા, જેની સાથે રહું છું, તેને જઈને કહી આવું. તે લોકો કહેશે તો હું ત્રીજા પ્રહરમાં આવી જઈશ.’

બરેનની ફોઈને જ્યારે મેં આ વાત કહી તો તેઓ અત્યંત આનંદિત થયાં. બીજે દિવસે તેઓ સ્વયં આવીને મને શ્રીશ્રી મા પાસે મૂકી ગયાં. આ ઘટના નવેમ્બર, ૧૯૧૩ની છે. સુધીરાદીને આ વ્યવસ્થા વિશે ખબર નહોતી. જ્યારે તેમને ખબર પડી તો પહેલાં તો તેઓને ન ગમ્યું, એવું વિચારીને કે ક્યાંક કોઈ માથાકૂટ ઊભી ન થાય. પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે શ્રીશ્રી માએ પોતે ભાર ઉપાડ્યો છે, તો તેમને સંતોષ થયો, વધુ કંઈ ન બોલ્યાં. (ક્રમશ 🙂

Total Views: 322

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.