ગતાંકથી આગળ…

‘ધ સાયન્સ ઓફ લાઈફ’ પુસ્તકના અંત ભાગમાં, અર્વાચીન જીવશાસ્ત્રના દાર્શનિક અસરોની ચર્ચા કરતો વિભાગ છે. અહંની અસત્યતાની ચર્ચા કરતી વખતે મેં એ વિભાગમાંથી અવતરણ આપ્યું હતું. પેલા શબ્દોનું સ્મરણ કરો : માનવીનો આ અહં પ્રકૃતિની જ એક રચના હોઈ શકે – ઉત્ક્રાંતિ દ્વારા રચિત એક સગવડિયો ભ્રમ હોઈ શકે. અખિલ બ્રહ્માંડમાં તમને ક્યાંય અહંકાર જોવા મળતો નથી. સમગ્ર પ્રાણીજગતમાં તમને ક્યાંય અહંકાર જોવા મળતો નથી. માત્ર માનવીમાં જ તમને એ દેખાય છે. આપણે બધા અજ્ઞાનવશ આ કામચલાઉ ભ્રમને આધારિત કાર્ય કરીએ છીએ. જાગ્રત અવસ્થામાં ‘હું’ રૂપી અહંકાર કેટલો શક્તિશાળી હોય છે, પરંતુ નિદ્રિત અવસ્થામાં અહં હોતો નથી – ત્યારે મૃત્યુ પામે છે – અને પછી પોતાનાં અસ્તિત્વ વિશે સભાન બને છે. એક સુંદર કથનમાં શ્રીરામકૃષ્ણ કહે છે કે કોઈ મહાસમર્થ માણસ નિદ્રાધીન થાય ત્યારે એના મોઢા પર કોઈ બાળક થૂંકી જાય તો પણ તેનો વિરોધ નહીં કરે !

ત્યાર બાદ ‘ધ સાયન્સ ઓફ લાઈફ’ના લેખકો કહે છે કે વિજ્ઞાન જેને અનાસક્તિ કે પરલક્ષિતા (objectivity) કહે છે તેના જેવું આ છે. ધારો કે તમારે કશાકનું સત્ય જાણવું છે તો અન્વેષણા કરતી વેળાએ અહંને તમારે આઘો રાખવો રહ્યો. અહંકાર હંમેશાં ખોટો નિર્ણય કરાવે છે. અહંને પોતાનાથી અળગો કરવો જ રહ્યો. તો જ વૈજ્ઞાનિક, અર્થાત્ પરલક્ષી નિર્ણય શકય છે. ન્યાયાસને બેઠેલા ન્યાયાધીશે પોતાના અહંને તત્કાલ પૂરતો દેશનિકાલ કરવો જોઈએ જેથી પોતે નિષ્પક્ષ ન્યાય તોળી શકે. આ અહંકાર સત્ય નથી, એ આપણું સાચું સ્વરૂપ નથી. માટે જીવનના અનેક પ્રસંગોએ એને દૂર-બાજુએ રાખવાનું આપણને કહેવામાં આવે છે. પરંતુ આ અહંની પાર તમે જઈ શકો છો અને એમાં ઊંડા ઊતરી એના મૂળ સુધી પહોંચી શકો છો. આ મૂળ અનંત આત્મા છે. એ આત્મા જ સર્વસ્વ છે. આપણી ભીતરનો સાચો આત્મા સૌ સાથે એકરૂપ છે. તમે ને હું એક છીએ. શાસ્ત્રાજ્ઞાનો બોધ શું છે એમ ઈસુને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એમણે બે બાબતો કહી હતી : ‘તારા પૂર્ણ હૃદયથી, પૂર્ણ આત્માથી અને પૂર્ણ ચિત્તથી તારે પ્રભુને પ્રેમ કરવો’, આ પ્રથમ અને સર્વોચ્ચ શાસ્ત્રાજ્ઞા છે. બીજી પણ પહેલાના જેવી જ છે ને એ શી છે ? ‘તારી જાત ઉપર રાખે છે એટલી જ પ્રીતિ તારા પડોશી પર રાખજે.’ આ બે પર જ બધી શાસ્ત્રાજ્ઞાઓ અને પયગંબરો આધારિત છે. મનુષ્ય જીવનનાં આધ્યાત્મિક અને નૈતિક પરિમાણોનો આ અદ્‌ભુત સાર છે.

પોતાની ભારતયાત્રા પછી ૧૮૯૨માં મુંબઈમાં બોલતાં, જર્મન ફિલસૂફ પોલ ડોયસને કહ્યું હતું કે ‘આ એક મહાવાકય છે : તારી જાત ઉપર રાખે છે એટલી જ પ્રીતિ તારા પડોશી ઉપર રાખજે. પણ તમે સવાલ કરો કે આમ શા માટે કરવું જોઈએ, તેનો ઉત્તર બાઈબલે નથી આપ્યો, ઉત્તર ઉપનિષદોમાં છે. તમે જ તમારા પડોશી છો. તમે એકરૂપ છો. મારામાં, તમારામાં

અને સમગ્ર જગતમાં એક જ અનંત આત્મા શ્વસી રહ્યો છે.’

તો આ પોતાને સૂર્ય માની સમગ્ર જગતને પોતાની આસપાસ ઘૂમતા ગ્રહ માનનાર, આનુવંશિકશાસ્ત્ર (genetics) અંકુશિત અહંથી આપણે આગળ જવું જોઈશે અને આપણા સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો પડશે. તમે એમ કરવા ચાહતા હો તો અનાસક્તિ પૂરી આવશ્યક છે. અહંથી અલગ થઈ જાઓ; એથી તો આ સમગ્ર ગ્રંથ અનાસક્તિનો બોધ આપે છે. અનાસક્તિ નકારાત્મક વિચાર છે પણ એની અસર હકારાત્મક છે. કોઈ હીન વસ્તુથી અળગા થઈને આપણે કશાક ઊર્ધ્વતરનો આવિષ્કાર કરીએ છીએ. મહાત્મા ગાંધીનું ગીતા વિશેનું પુસ્તક ‘અનાસક્તિયોગ’ નામે પ્રસિદ્ધ છે – આ જૈવિક તંત્રમાં કેન્દ્રિત નાના અહં પ્રત્યે અનાસક્તિ. જીવનમાં ખરેખર આમ હોતું નથી. કુટુંબમાં પુરુષ કે સ્ત્રી કામ કરે છે તે કોને માટે ? પત્ની, પતિ કે બાળકો માટે, તેમના અભ્યુદય માટે, માત્ર પોતાને માટે નહીં. જીવનના દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે જે સમાજમાં એ લોકો રહેતા હોય છે તે આખા સમાજનું હિત તેમને હૈયે હોય છે. આપણે સમાજનાં ઋણી છીએ. બધી વસ્તુઓ આપણી જ નથી. મનુષ્ય વર્તનને સામાજિક સંદર્ભ હોય છે. માટે તો આપણે કર ભરીએ છીએ. શાસન છે માટે તો આપણે વ્યવસ્થિત સમાજમાં રહીએ છીએ; આપણી પાસેથી એ હક્કપૂર્વક કર ઉઘરાવે છે અને આપણે તે આપીએ છીએ. એ રીતે બીજી ફરજો પણ છે. આપણે આ સત્ય સમજીએ છીએ ત્યારે અહં વિશેના આપણા ખ્યાલને આપણે વિકસાવીએ છીએ. પહેલું કામ આપણે એ જ કરવાનું છે.

જૈવિક તંત્રમાં વસતો અહં ‘સગવડભર્યો, કામચલાઉ ભ્રમ’ માત્ર છે એને તમે બાજુએ મૂકી દો તે પછી જ અહં વિશેની તમારી વિભાવનાને તમે વિકસાવી શકો છો. પછી સૌની સાથે તમે આધ્યાત્મિક એકતા અનુભવવા લાગો છો. એટલે હું ગમે તે કર્મ કરું, તેના ફળ પર મારો એકલાનો અધિકાર નથી; એનો લાભ સૌને મળશે. પછી ‘હું’ જરાયે રહેશે જ નહીં તેવી દશા આવશે. બધું ‘આપણે’ જ બની જઈશું. વૈશ્વિકતામાં આપણે પોતાને મેળવી દઈશું. લેખકો કહે છે કે આધ્યાત્મિક ચિંતને આપણને સદાકાળ આ જ બોધ આપ્યો છે. નાના અહંની પાર જવું જ રહ્યું – અહં માત્ર સાધન છે, સાધ્ય નથી. એ જ રીતે અર્વાચીન જીવશાસ્ત્ર આપણને શીખવે છે કે તમે એક સામાન્ય માણસ છો તે ભૂલી જાઓ અને એક સાચા મનુષ્ય તરીકે પોતાનો સાક્ષાત્કાર કરો. એ તમારી સાચી પિછાન છે – બધાં માનવીઓ સાથે આધ્યાત્મિક દૃષ્ટિએ એકરૂપતા. (ક્રમશ 🙂

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.