ગુજરાતી સાહિત્યના મહારથી અને સુખ્યાત ચિંતક, કેળવણીકાર અને રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુનશીના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

૨૦મી સદીના પ્રથમ દસકામાં સ્વામી વિવેકાનંદે જે મહાન પ્રભાવ અમારા પર પાડ્યો હતો તેને માત્ર અમારી સમવયના થોડા યુવાનો જ સમજી શકે. અમે એ વખતે કોલેજમાં ભણતા હતા. અમારે એ વખતે રાજકીય નહીં પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક અવમાનના સહન કરવી પડતી. એ દિવસોમાં મફતના ભાવે નાની નાની પુસ્તિકાઓ ખ્રિસ્તી ધર્મના પાદરીઓ દ્વારા અપાતી. આ પત્રિકાઓમાં આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મને હાંસી, અવગણના અને ધિક્કારને પાત્ર વર્ણવવામાં આવતાં… એ સમયે અમે જલદી અસર થાય એવી ઉંમરના હતા અને આવી પુસ્તિકાઓમાં અપાયેલા દોષારોપણનો જવાબ આપવા અમે પૂરતા પ્રમાણમાં બુદ્ધિમાન ન હતા. અમે અમારી જાતને અવમાનિત માનતા.

બરાબર આ જ સમયે સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્યસમાજ એકમાત્ર ચળવળ હતી કે જેણે મિશનરીઓના આ પડકારને ઝીલી લીધો. પરંતુ અમે જ્યારે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યાં ત્યારે અમારી આંખો ખુલી ગઈ. આ પુસ્તકો વાંચીને અમે સૌ યુવાનોએ ભારતની પ્રાચીન હિંદુ સંસ્કૃતિ અને ધર્મને વિશે સારા પ્રમાણમાં જ્ઞાનમાહિતી મેળવી અને તે પણ આધુનિક દૃષ્ટિકોણ સાથે.

સ્વામી વિવેકાનંદે અમને નવભારતનો સંદેશ આપ્યો. તેમણે અમને અમારી જાત માટે ગૌરવગરિમા અનુભવતાં શીખવ્યું. અમને પૂરેપૂરું સમજાયું કે મિશનરીઓ આપણને બનાવવા માગે છે તેવા અભદ્ર જંગલી માનવીઓ નથી. આપણે તો એવા લોકો છીએ કે જેમની પાસે મહાન સાંસ્કૃતિક વારસો છે. આ બાબતે અમને અમારું સ્વમાન પાછું આપ્યું.

યુરોપના નવજાગરણની જેમ ભારતનું નવજાગરણ માત્ર કલા કે સાહિત્યના ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન હતું. વળી તે ધર્મસુધારણાનું આંદોલન પણ ન હતું. આ આંદોલન હતું સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાનું ભાવઆંદોલન. જો કે રાજા રામ મોહન રોય, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી દયાનંદ સરસ્વતીએ આ કાર્ય શરૂ કયું હતું. પરંતુ તે વિરલ વિભૂતિ સ્વામી વિવેકાનંદ હતા કે જેમણે અમારી યુવા પેઢીને (ભારતના) નવજાગરણ માટે સંદેશ આપ્યો હતો અને યુવાનોમાં બહોળો પ્રચાર કર્યો હતો.

અમે આપણાં મહાકાવ્યો રામાયણ અને મહાભારત વિશે જાણતા હતા પણ સ્વામીજીનાં લખાણોમાં આ ગ્રંથોના સારસંક્ષેપ જ્યારે અમે વાંચ્યા ત્યારે અમને એમાંથી એક તાજી અને નવી પ્રેરણા મળી. યોગ શબ્દ કોઈ રહસ્યવાદી શાસ્ત્રનો હતો. પણ જ્યારે અમે સ્વામી વિવેકાનંદનાં ‘રાજયોગ’ અને ‘કર્મયોગ’ પુસ્તકો વાંચ્યાં ત્યારે તે વાસ્તવિક રીતે શું છે, એનો અમને ખ્યાલ આવ્યો.

આપણા ભારતના નવજાગરણના મહાન શિલ્પીઓમાંના એક સ્વામી વિવેકાનંદે આપણને ભારત-માતૃભૂમિ પ્રત્યે સભાન – સચેત બનાવ્યા.

સ્વામી વિવેકાનંદે આપણી સંસ્કૃતિમાં ભળી ગયેલા કુસંસ્કારોને અવગણવાનું અને ઉપનિષદ, ભગવદ્ગીતા તરફ વળવાનું શીખવ્યું હતું. સાથે ને સાથે ઉપનિષદો અને ભગવદ્ ગીતામાંથી આપણી સંસ્કૃતિના પાયાના સત્યનું જ્ઞાન મેળવવાનો ઉપદેશ આપ્યો હતો. વળી અહીં અમને પ્રો. અરવિંદ ઘોષે (બરોડા કોલેજના અધ્યાપક અને મહાન સાધક) યોગસૂત્રો અને સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચવા સૂચન કર્યું.

સ્વામી વિવેકાનંદ અમને આપણી સંસ્કૃતિનાં પાયાનાં મૂલ્યો તરફ ફરીથી લઈ ગયા અને અમારા જીવનમાં પ્રભુને લાવી મૂક્યા. અમે તો એને કંઈક વિચિત્ર રીતે મૂકતા હતા. અમે હંમેશાં ‘એમની પાસે પહોંચવાનો’ કે ‘એમનામાં જીવવાનો’ વિચાર કરતા. પરંતુ સ્વામી વિવેકાનંદે અમને અમારા દૈનંદિન જીવનમાં પ્રભુને લાવવાનો સંદેશ આપ્યો.

તેમણે અમને ધર્મને આપણા જીવનમાં લાવવો જોઈએ એ શીખવ્યું. આપણું જીવન એક સમર્પિત જીવન છે અને આપણાં બધાં કર્મો ઈશ્વરને અર્પેલું સમર્પણ કે નૈવેદ્ય છે એમ માનવાનું શીખવ્યું.

જો આપણે જગતના બધા માનવોને ઈશ્વરના અંશરૂપે જોવા માંડીએ તો આપણે આપણા ધર્મના દૃષ્ટિકોણને વિસ્તારી શકીએ, નહીં તો એ દૃષ્ટિકોણ સંકુચિત બની જવાનો. બીજાને માટે જીવવાની, આપણા અહમ્ને જીતવાની અને આપણા સ્વાર્થને પરમાર્થમાં ડૂબાડી દેવાની આપણને જરૂર છે. આ બધું તો આપણા પ્રેમ અને લાગણીમાં જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલા વધુ ને વધુ માનવોને સમાવીને આપણા દૃષ્ટિકોણને વધુ વિસ્તારીએ તો શક્ય બને.

આ રીતે સ્વામી વિવેકાનંદે આપણા વલણની આધારભૂમિકા રચી છે, કે સેવા એ આધ્યાત્મિક જીવનનું મહત્ત્વનું અંગ છે. જો આપણે પૂર્ણ સ્વાર્થભાવના સાથે બીજા માટે કાર્ય કરીએ તો આપણે આધ્યાત્મિક જીવનના પથે આગળ વધી શકીએ; બીજા માટે કાર્ય કરવામાં ભક્તિભાવ અને આપણે ઈશ્વરને માટે આ કાર્ય કરીએ છીએ એવી સમર્પણની ભાવના રાખવી જોઈએ.

સ્વામી વિવેકાનંદ આપણા ભારતના આધુનિક નવજાગરણના અગ્રદૂત હતા… એમણે જે કર્યું એ માટે આપણે એમને સાચી ભાવાંજલિ તો આપવી જ જોઈએ પરંતુ સાથે ને સાથે એમનાં કાર્યો, જીવન અને વિચારો અને આદર્શાે પર રહીને આપણી પોતાની આધ્યાત્મિક આકાંક્ષાઓને ગતિશીલ બનાવવાની જે તક આપણને એમણે પૂરી પાડી છે, એનું અનુસરણ કરીને એમને સાચી ભાવાંજલિ આપી શકીએ. સ્વામી વિવેકાનંદ એક ઝળહળતી જ્યોત હતા, તેમાંથી આપણે આ રીતે આપણો નાનો જીવનદીપ પ્રકટાવીશું.

Total Views: 50
By Published On: November 1, 2013Categories: Kanaiyalal Munshi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram