સંસ્કૃત સાહિત્યના મહાન વિદ્વાન, સુખ્યાત ચિંતક, વ્યાખ્યાતા અને કેળવણીકાર ડૉ. શ્રીવસંત પરીખનો લેખ અહીં પ્રસ્તુત છે. – સં.

કંઈક કેટલાય હજાર વર્ષો પૂર્વે આપણા ક્રાંતદૃષ્ટા ઋષિઓએ એક યુવાન ખરેખર કેવો હોવો જોઈએ તેનું એક સુરેખ અને સંપૂર્ણ માનચિત્ર આવા અમર મંત્રમાં આપ્યું છે :

युवा स्यात्साधुयुवाऽघ्यायकः
आशिष्ठो दृढिष्ठो बलिष्ठः
तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् ।

तैत्तिरीय उप. 2.8

અર્થાત્ યુવાન તો તે જ છે કે જેનું ચરિત્ર સદ્ગુણોથી પરિપૂર્ણ હોય. જે નિરંતર અધ્યયનમાં રત હોય, જે પ્રબળ આશાવાદી હોય, જેનો નિશ્ચય સુદૃઢ હોય. આવા શ્રેષ્ઠ યુવાનની સમક્ષ આ સકલ પૃથ્વી પોતાનું તમામ ઐશ્ચર્ય પ્રગટ કરી ધન્ય બને છે.

અને કંઈ કેટલાય હજાર વર્ષો પછી આ સર્વ લક્ષણોનો મૂર્તિમંત અવતાર હોય તેવા સ્વામી વિવેકાનંદને પામી આ જગત કૃતાર્થ બન્યું.

પ્રોજ્વલ ચરિત્ર, પારદર્શી જ્ઞાન, આ જગત એક દિવસ પરમ સત્યને પામવાનું જ છે, એવો ભરપૂર આશાવાદ, અકલ્પ્ય દૃઢ સંકલ્પબળ અને ચેતનાના અખૂટ ભંડાર જેવું શરીર સૌષ્ઠવ – આ બધાનો સમુચિત સંગમ સ્વામીજીમાં ચરિતાર્થ થયો હતો. એટલું જ નહીં તેના કારણે એમનું વ્યક્તિત્વ ચુંબકીય શક્તિથી આપ્લાવિત હતું. તેમનું માત્ર દર્શન જ હતાશ યુવાનોમાં અદ્ભુત ઊર્જા પ્રગટાવી તેમનું પ્રેરણા સ્રોત બની જતું હતું. એમના દર્શનની જેમ એમની સત્યપૂત અને તપ :પૂત વાણી પણ શ્રોતાઓને ઝણઝણાવી મૂકતી હતી. અરે આજે પણ ગ્રંથોમાં સચવાયેલા એમના શબ્દો જીવનને સાર્થક બનાવવા માટે ઉત્સાહ પ્રેરી રહ્યા છે.

આવા આપણા સ્વામીજી તનથી કે મનથી યુવાન હોય તે સહુને એમના વ્યક્તિત્વ, ચરિત્ર, કાર્ય અને વચનથી આજે પણ અનેક રીતે માર્ગદર્શક બની શકે તેમ છે. તેમાંથી કેવળ આચમનરૂપે કેટલાક સ્ફુલ્લિંગો અનુભવીએ.

૧. ચુંબકીય વ્યક્તિત્વ

સ્વામીજીનાં જેમણે પ્રત્યક્ષ દર્શન કર્યાં છે તેવા દેશ અને વિદેશનાં અસંખ્ય નરનારીઓ એમના તેજોમય વ્યક્તિત્વનો પ્રભાવ આશ્ચર્ય સાથે વર્ણવે છે, જેમ કે લાહોરના ટ્રિબ્યુન અખબારના તંત્રીશ્રી ગુપ્ત સ્વામીજી વિશે કહે છે કે ‘સ્વામીજીમાં શબ્દોથી પર એવી ભવ્યતા, એમનાં સિંહ સમાન વક્ષ :સ્થળ અને વિરાટ સપ્રમાણ અંગો, એમની જળ પર તરતા કમળસમી વિશાળ માર્દવ ઝરતી આંખો અને એમનું ચપળ, ચુંબકીય, શક્તિમાન, ઉત્સાહી, વશીકરણ કરે તેવું આકર્ષક વ્યક્તિત્વ, આ બધું જ જકડી રાખતું હતું.’ તો બીજો એક યુવાન તેમનું પ્રવચન સાંભળી આશ્ચર્યમુગ્ધ થઈ બોલી ઊઠે છે. ‘અહા, કેવા વિરાટ, કેવી શક્તિ, કેવું પૌરુષ, કેવું વ્યક્તિત્વ !’ વળી એક બીજા શ્રોતા કહે છે, ‘એ ખરે જ આધ્યાત્મિક શક્તિ રેલાવતા હતા. એમના વર્ગાેમાં જનાર દરેકને મંગળ વાતાવરણની, શાંતિની, શક્તિની અને અખૂટ પ્રકાશની અનુભૂતિ થતી હતી.’ રોમાં રોલાંથી માંડીને સામાન્ય જન દ્વારા સ્વામીજીના આવા અનુપમ વ્યક્તિત્વની ઝાંખી કરાવવામાં આવી છે. તેનું સ્મરણ કરી હવે આ વ્યક્તિત્વ આજના યુવાનોને કઈ પ્રેરણા આપી શકે તે જોઈએ.

સ્વામીજીએ વારંવાર યુવાનોને ભારપૂર્વક શરીરને સ્વસ્થ, સુદૃઢ, સહનશીલ અને ભારેમાં ભારે પરિશ્રમથી પણ ન થાકે એવું બનાવવાની હાકલ કરી છે. સ્વસ્થ શરીર એ જ મહાન ધ્યેયને સિદ્ધ કરવા માટેના પુરુષાર્થનું પરમ સાધન છે એમ તેઓ પ્રબોધતા હતા. પુસ્તકોમાં જ ખોવાઈ જવાના બદલે રમતના મેદાનમાં ભગવાનને પામવામાં વધારે કલ્યાણ છે એવું પણ તેમણે કહ્યું જ છે. આજે આહાર-વિહારની કેટલીક કુટેવોને લીધે, પૈસા પાછળ પાગલ થઈ, શરીર પ્રત્યે ઘોર બેદરકારી દાખવી અકાળે વૃદ્ધત્વ પામતા, નિરુત્સાહી યુવાનોને સ્વામીજી ઘોર તમસ્માંથી વહેલી તકે મુક્ત થવાનું જાણે કે આહ્વાન કરી રહ્યા છે અને એ માત્ર બોધ નથી પણ સ્વયં સ્વામીજીએ પોતાના જીવનમાં આચરી બતાવેલ સિદ્ધિ છે અને તેથી જ યુવાનોને તે પ્રભાવિત કરે છે.

૨. માતૃદેવો ભવ

સ્વામી વિવેકાનંદનું હૃદય સમગ્ર માનવજીવન પ્રત્યે અપાર કરુણા અને પ્રેમથી છલકાઈ જતું હતું. એના મૂળમાં એમનો એમની માતા પ્રત્યેનો નિર્વ્યાજ પ્રેમ પડેલો હતો. વિશ્વબંધુત્વ અને વિશ્વકલ્યાણના મહાન આદર્શાે વિશે મોટી મોટી વાતો કરનારાઓને સ્વામીજી સ્પષ્ટ સંદેશ આપવા માગતા હતા કે જે વ્યક્તિ પોતાનાં માતા-પિતાને ચાહી શકતો નથી તે દુનિયાને શી રીતે સાચા હૃદયથી પ્રેમ કરી શકવાનો હતો ? સ્વામીજીએ એમના પિતાને અચાનક ગુમાવી દીધા હતા. તેથી હવે તેમનો લાગણીથી આર્દ્ર બનેલો પ્રેમ શતધારે માતા પ્રત્યે વહેતો હતો અને માતા પણ કેવાં હતાં ? સાક્ષાત્ જગદંબાનો જ અવતાર ! ઘોર આર્થિક સંકટ વચ્ચે પણ પુત્રના હૃદયમાં ઈશ્વરને પામવાની આગ અને પછી સર્વના હૃદયમાં બેઠેલા તે પરમેશ્વરની સેવા કરવાની ઝંખનાને માતા બરાબર સમજતી હતી. તો પુત્ર માતાનું જરા જેટલું કષ્ટ જોઈ શકતો નહીં. ઘણા દિવસો ‘મેં બહાર જમી લીધું છે’ એમ કહીને ઉપવાસી રહી, તે માતાને ભોજન કરાવીને જ જંપતો. એક બાજુ સમર્થ ગુરુની પ્રેરણાથી આરંભવાનું જીવનકાર્ય, તો બીજી બાજુ માતા અને પરિવારની ઘોર ગરીબી ફેડવા માટેનો કર્તવ્ય બોધ-આમ બન્ને તરફથી તેમનું હૃદય ચિરાઈ જતું હતું. વિદેશમાં સન ૧૯૦૦માં આપેલા વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે ‘…ત્યાર બાદ એક ભયંકર સમય આવી ગયો. અંગત રીતે મારા માટે… મારા માથે તો દુર્ભાગ્ય જ તૂટી પડ્યું. એ અરસામાં મારા પિતાનો સ્વર્ગવાસ થયો એટલે મારા ઘરમાં અમે સહુ નિરાધાર બન્યાં. એટલા બધાં ગરીબ થઈ ગયાં કે ભૂખે મરવાનો વખત આવી ગયો. એક બાજુ મારી દુ :ખી માતા તથા મારા નાના ભાઈઓ હતા. કુટુંબની આશારૂપ હું એકલો જ તેમને મદદ કરી શકું તેમ હતો. બીજી બાજુ મારા ગુરુના વિચારો ભારતના અને વિશ્વના કલ્યાણ માટેના હતા એટલે તેમનો પ્રચાર કરવો જોઈએ. તેથી દિવસોના દિવસો સુધી, મહિનાના મહિના સુધી મારા મનમાં આ સંગ્રામ ચાલ્યા જ કર્યો. એ દિવસની વેદનાની શી વાત કરવી ?’ અંતે ગુરુએ તેમના પરિવારના યોગક્ષેમની વ્યવસ્થા કરી આપી તો પણ માતાને સુખ-શાંતિ આપવાની ચિંતા તેમને જીવનભર રહી હતી. શ્રીશંકરે લખેલા ‘વિવેકાનંદ વિષેની કેટલીક અજ્ઞાત વાતો’ અંગેના પુસ્તકમાં છેવટ સુધી સ્વામીજી માતાની સુખાકારી કાજે શું શું કરતા રહ્યા તેની વિગતો આપી છે. તે વાંચતાં જ લાગે છે કે સ્વામીજીએ જગદંબાને અને જગતને જે કરુણાસભર પ્રેમ કર્યો તે એમની નિર્મળ માતૃભક્તિનો જ વિસ્તાર હતો.

આજના ફેશન પરસ્ત – નૂતન વિજ્ઞાનના અધકચરા જ્ઞાનથી પોતાને વડીલોથી વિશેષ બુદ્ધિમાન માની તેમની ઉપેક્ષા કરનારા યુવાનોએ વિવેકાનંદના જીવનને સુપેરે પચાવી એમનાં માતા-પિતાને યોગ્ય પ્રેમાદર આપવો-એ એમની ઊર્ધ્વયાત્રાનું પ્રથમ સોપાન છે, તેમ સમજી લેવું જોઈએ અને માતૃદેવો ભવ એ વેદ-આજ્ઞાને જીવનમાં પાળી બતાવવી જોઈએ. એવી જ સ્વામીજીની યુવાનો પાસે અપેક્ષા હતી.

૩. પડકારનો સામનો કરો.

પ્રથમ અંગત જીવનમાં અને પછી સંન્યસ્ત જીવનમાં સ્વામીજીએ અસંખ્ય પડકારોનો સામનો કર્યો છે. દેશ અને વિદેશોમાં હિન્દુધર્મ વિશેની સંકુચિત અને ગેરસમજણથી ભરેલી માન્યતાઓને દૂર કરવા એમણે ભારે સંઘર્ષ કર્યો હતો. શિકાગોની વિશ્વધર્મસભામાં પ્રવેશતાં પૂર્વે એમણે જે પારાવાર યાતના અને અવહેલના વેઠી છે તે તો કોઈ અકલ્પ્ય દંતકથા જ લાગે. પછીથી પણ મતાંધ ખ્રિસ્તીઓના કુપ્રચારને નિરસ્ત કરી હિન્દુધર્મની વિશાળ બંધુત્વભાવનાથી અનુસ્યૂત વેદાંતના મર્મને સ્થાપિત કરવામાં પણ એમણે ભારે સંઘર્ષ કરવો પડ્યો. પરંતુ પ્રચંડ આત્મબળ, ગુરુના આશીર્વાદ અને અતૂટ આત્મશ્રદ્ધા તથા ઈશ્વરશ્રદ્ધાથી તેઓ અંતે વિજયી જ નિવડ્યા. આ સંદર્ભે એમણે યુવાનોને વારંવાર આત્મશ્રદ્ધા રાખી, સાત્ત્વિક બળ મેળવી, સમ્યક્ જ્ઞાનથી સજ્જ થઈ દેશ અને સમાજને અંધકારમાંથી પ્રકાશમાં લાવવા માટે કટિબદ્ધ થવાનું આહ્વાન આપ્યું છેે કારણ કે તેમને નવયુવાનો પર અપાર શ્રદ્ધા હતી. એમનાં પ્રવચનોમાં એમણે પ્રસંગે પ્રસંગે ઘોષણા કરી છે ‘નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે. તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આપણા પ્રશ્નને હલ કરશે… પણ (આ યુવાનો ?) તેમના ચહેરા પર નિસ્તેજતા દેખાય છે. તેમનાં હૃદય શક્તિહીન છે. તેમનાં શરીર માયકાંગલાં છે. આવા લોકોથી શું કામ થવાનું હતું ? નચિકેતાની શ્રદ્ધાવાળા જો દસબાર યુવકો મને મળી જાય તો આ દેશના વિચારો અને પ્રવૃત્તિઓને હું નવું જ વલણ આપી શકું.’

સદ્ભાગ્યે એમને આવાં કેટલાંક યુવાન સ્ત્રી-પુરુષો મળ્યાં અને સ્વામીજીની પ્રેરણાથી, અંગત સ્વાર્થ અને સર્વસ્વનો ત્યાગ કરી તેઓ દરિદ્રનારાયણની સેવામાં-સ્ત્રીશિક્ષણમાં અને દેશના સ્વાતંત્ર્ય સંગાથમાં જવલંત યોગદાન આપી ગયાં. પણ સ્વામીજીનું સપનું હજી અધૂરું છે. હજીએ આવા અનેક શાહીફકીરીવાળા યુવાનોની જરૂર છે. સ્વામીજીના કાર્ય-જીવન અને વચનોના આકંઠ અધ્યયનથી-તેના પ્રસારથી જ આવા યુવકો આપણને આજે પણ પ્રાપ્ત થઈ શકે; થશે જ.

૪. દેશભક્તિ

સ્વામીજી ભારતમાતાને પ્રાણથી પણ વિશેષ ચાહતા હતા. દેશને ગુલામ બનાવનાર અંગ્રેજોના કેટલાક ગુણો અને તેમણે ભારતમાં કરેલાં કેટલાંક સુધારાવાદી કાર્યો પ્રત્યે આદર દર્શાવીને પણ તેઓ તેમણે ભારતની પ્રજામાં ઉત્પન્ન કરેલી ગરીબીનો તથા તેમની હિન્દુધર્મની વિકૃત રજૂઆત કરી ખ્રિસ્તીધર્મનો લાલચ અને ભયથી પ્રચાર કરવાની દુષ્પ્રવૃત્તિનો તેઓ વિરોધ કરતા હતા. તેમનાં પ્રવચનોએ દેશભરમાં આઝાદી માટેની પ્રબળ આગ પ્રજ્વલિત કરી જ હતી. પછીથી સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓને તેમનાં વચનોએ પ્રેરણા પૂરી પાડી હતી. શ્રીઅરવિંદ, જવાહરલાલ અને સ્વયં ગાંધીજી પણ સ્વામીજીના દેશપ્રેમની પ્રશંસા કરતા હતા. સ્વામીજીએ યુવાનોને દેશ માટે ફના થઈ, કેવળ અંગ્રેજ સામે નહીં પણ પોતાના દેશમાં વ્યાપક ગરીબી, અંધશ્રદ્ધા, શિક્ષણનો અભાવ, સાંપ્રદાયિક સંકુચિતતા, જ્ઞાતિવાદ – છૂત-અછૂતના ભેદ અને સ્ત્રીઓની દુર્દશાના નિવારણ માટે – લાગણી – ઇચ્છા અને સંકલ્પથી ઝંપલાવવા અનેકવાર હાકલ કરી હતી.

ઉપસંહાર

આ ઉપરાંત પશ્ચિમ પાસેથી વિજ્ઞાન અને યંત્રવિદ્યા દેશને અનુકૂળ હોય તે રીતે સ્વીકારી ભૌતિક રીતે પણ દેશને સક્ષમ કરવા તથા પૂર્વના મહાન ઔપનિષદિક આદર્શાે દ્વારા પશ્ચિમને પણ સર્વધર્મ સમભાવ, સર્વમાં એક જ પરમતત્ત્વનો અનુભવ કરી હિંસા-યુદ્ધ -શોષણ વગેરેથી મુક્ત થવા અને પૂર્વ અને પશ્ચિમના ઉત્તમ અંશોના સમન્વય દ્વારા એક મંગલમય વિશ્વની રચના કરવાનું કાર્ય તેમણે આરંભ્યું હતું અને તેમાં યુવાનોનો સાથ માગ્યો હતો. સ્વામીજીનું એ કાર્ય હજુ અધૂરું છે – અને એમનો દિવ્ય આત્મા આપણા યુવાનોને એ માટે આગળ આવવા પોકારી રહ્યો છે. પ્રત્યેક આત્મા દિવ્ય છે અને એ દિવ્યતાનું આપણામાં આચાર દ્વારા પ્રક્ટીકરણ કરવાનું છે – અને તે યુવાનો જ કરી શકશેે, એવી પરમ શ્રદ્ધા સ્વામીજીને હતી. શું આપણા યુવાનો એ શ્રદ્ધાને નવસર્જનના કાર્યમાં રૂપાંતરિત નહીં કરે ?

સંદર્ભ ગ્રંથ : – ભારતમાં આપેલાં ભાષણો. – સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન. – યુગાવર્તક પયગંબર સ્વામી વિવેકાનંદ.

Total Views: 55
By Published On: November 1, 2013Categories: Vasant Parikh, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram