સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી સેંટ લુઈસ, અમેરિકાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ચેતનાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
જ્યારે ભગવાન બુદ્ધનું જીવનકાર્ય પૂર્ણ થયું અને તેમણે પોતાનો નશ્વરદેહ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના શિષ્યો વિલાપ કરવા લાગ્યા. તેમના મુખ્યશિષ્ય આનંદે ભગવાન બુદ્ધને એક પ્રશ્ન પૂછ્યો, ‘બુદ્ધના નિર્વાણ પછી અમે સૂત્રો રચવા માગીએ છીએ. આ સૂત્રો બુદ્ધના જ છે એમ દર્શાવવા અમે કયા શબ્દોથી એનો પ્રારંભ કરીએ ?’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘આવું અમે સાંભળ્યું છે, આ ચાર શબ્દોનો ઉપયોગ કરજો.’
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે જે કંઈ મેં સાંભળ્યું છે અને સંગ્રહિત કર્યું છે તેમાં મારા વાચકોને ભાગીદાર બનાવવાનું મને ગમશે. જ્યારે હું યુવાન સંન્યાસી હતો ત્યારે સ્વામી સદાશિવાનંદજી (ભક્તરાજ મહારાજ) અને બ્રહ્મચારી જ્ઞાન મહારાજ (જે સ્વામીજીના સંન્યાસી શિષ્યો બન્યા હતા)ને મળ્યો હતો. આ ઉપરાંત જેમણે સ્વામીજીને જોયા જાણ્યા હતા એવા કેટલાક સંન્યાસીઓ જેવા કે સ્વામી શંકરાનંદ, સ્વામી અતૂલાનંદ અને સ્વામી યોગીશ્વરાનંદને પણ મળ્યો હતો.
સ્વામી સત્પ્રકાશાનંદજીએ મને કહ્યું કે જ્યારે તેઓ પોતે ૧૨ વર્ષના હતા ત્યારે સ્વામીજીને ૧૯૦૧માં ઢાકામાં ત્રણ વખત જોયા હતા. પોતાનાં સંસ્મરણોને તાજાં કરીને તેઓ કહે છે, ‘બે ઘોડા જોડેલી ચાર પૈડાંવાળી ખુલ્લી ઘોડાગાડીમાં સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. મોહિનીમોહનદાસના ઘરના દરવાજે ઘોડાગાડી ઊભી રહી, હું ઘોડાગાડીના દરવાજાની નજીક ઊભો હતો અને સ્વામીજીને નીરખતો હતો. રેલરોડ સ્ટેશનથી તેમની સાથે રહેલ બે સુખ્યાત એટર્નીઓના સંરક્ષણ સાથે તેઓ ઘોડાગાડીમાંથી ઊતર્યા. મેં સ્વામીજીને નજીકથી જોયા, તેમની નજર પણ મારા પર પડી. એ વખતે તો હું નાનો છોકરો હતો. ગલગોટાના પુષ્પોની માળા તેમના ગળામાં હતી.
સ્વામીજીને જોવાની અપેક્ષાથી હું બીજે દિવસે શાળા સમયબાદ તે ઘર તરફ ગયો. માણસોથી અને કોલેજના વિદ્યાર્થીઓથી વીંટળાઈને તેઓ પહેલા માળેથી ઊતર્યા. પોતાના ઘૂંટણ સુધી લંબાતો ભગવો જભ્ભો તેમણે પહેર્યો હતો. તેમના માથા પર એક સંન્યાસીના જેવી ટોપી પણ હતી. હાથમાં ચાલવાની લાકડી પણ ખરી. જ્યારે તેઓ બુડી ગંગાના કિનારે આવેલ બાંધેલા પથ પર ટહેલવા જતા ત્યારે લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું.’
ત્યારપછી સ્વામીજી પોતાનાં માતા અને બીજાઓ સાથે લાંગલબંધની યાત્રાએ ગયા. જ્યારે તેઓ ઢાકા પાછા ફર્યા ત્યારે તેઓ હોડીમાં રોકાયા. સ્વામી સત્પ્રકાશાનંદજીએ સ્વામીજી સાથેની પોતાની બીજી મુલાકાતનું વર્ણન કરતાં કહ્યું છે : ‘હું હોડીઘરની નજીક ગયો અને બહારની બારીમાંથી સ્વામીજી તરફ નજર કરી. જ્યારે સ્વામીજીએ મને જોયો ત્યારે તેઓ નદી કિનારાની નજીકની બાજુએ આવેલ બારીઓની નીચે આવેલા લાંબા બાંકડા પર બેઠા હતા. બારીની નીચેના પાટીયા પર પોતાનો હાથ ટેકવીને તેમણે બારીમાંથી મારા તરફ જોયું. … ઢાકામાં પોતાના રોકાણ દરમિયાન તેઓ મુલાકાતીઓને ઓછામાં ઓછું બે વખત મળતા અને તેમની સાથે વાતચીત કરતા. તેમણે બે જાહેર વ્યાખ્યાનો પણ આપ્યાં હતાં જેમાં શ્રોતાઓની હાજરી સારી રહી. સ્વામી વિવેકાનંદે મારા પર જે છાપ પાડી હતી તે મારા સમગ્ર જીવન દરમિયાન પ્રેરણાનું એક સ્રોત બની ગઈ. મેં તેમને જેવા જોયા હતા તેવા આજે પણ હું તેમને જોઈ શકું છું. પછીથી એમના વિશેનું જે કંઈ સાહિત્ય અંગ્રેજી કે બંગાળીમાં મળ્યું તે મેં વાંચી નાખ્યું હતું.’ (શ્રીરામકૃષ્ણસ લાઈફ એન્ડ મેસેજ ઇન ધ પ્રેઝન્ટેઈસ પૃ. ૧૦૦-૦૩)
ઓક્ટોબર ૧૯૭૦ના રોજ જ્યારે હું માયાવતી હતો ત્યારે હું મોહનલાલ શાહને લાહાઘાટમાં મળ્યો. તેમણે સ્વામીજી વિશેનાં પોતાનાં સંસ્મરણો આ શબ્દોમાં કહ્યા હતા :
‘‘હું સ્વામીજીને ચાર વખત મળ્યો હતો. પ્રથમ વખત ૧૮૯૦માં સ્વામી અખંડાનંદ સાથે મેં એમને જોયા. અમે એમનું સ્વાગત કરતાં શોભાયાત્રામાં બે માઈલ ચાલ્યા અને તેમને આલમોડા લાવ્યા. આ સ્વાગત ભવ્ય હતું અને ઘણા લોકો જોડાયા હતા. બદ્રિશાહના ઘરની સામે જ જાહેર ચૌટામાં એક સભા યોજાઈ. સ્વામીજીએ ઊંચે સ્થાને બેસીને ભાષણ આપ્યું. હું હાજર હતો પણ એમણે જે કંઈ કહ્યું તે મને યાદ નથી.
ફરીથી ૧૮૯૮માં સ્વામીજી આવ્યા અને થોમસન હાઉસમાં રોકાયા. ભગિની નિવેદિતા અને બીજા અનુયાયીઓ આલમોડામાં ઓકલે હાઉસમાં રહ્યા. એક દિવસ સ્વામી સ્વરૂપાનંદે મને પૂછ્યુ, ‘‘તમે અમારી સાથે માયાવતી આવશો ?’’
મેં કહ્યું, ‘‘હું તમને આવતી કાલે કહીશ.’’ બીજે દિવસે હું જવા રાજી થયો અને શ્રી અને શ્રીમતી સેવિયર તેમજ સ્વામી સ્વરૂપાનંદ સાથે માયાવતી જવા નીકળ્યો.
એ વખતે માયાવતીમાં ચાનો બગીચો હતો. તેઓ ચાના પાનને પોતાના મુખ્ય ઓરડામાં કેવી રીતે સૂકવતા તે મેં જોયું. આ ઘરને પાડીને રહેવાનાં મકાનો બનાવ્યાં હતાં. સ્વામી વીરજાનંદજીએ ઉપલે માળે શ્રીઠાકુરનું મંદિર ઊભું કર્યું અને તેને પુષ્પોથી શણઘારવામાં આવતું. પછી ૧૯૦૧માં ત્યારે સ્વામીજી માયાવતી આવ્યા ત્યારે (અદ્વૈતનું ઉપાસના કેન્દ્ર હોવાને લીધે) શ્રીઠાકુરની પૂજા બંધ થઈ.
Your Content Goes Here