ભારતના સુખ્યાત અર્થશાસ્ત્રી અને ચિંતક ડૉ. વિ.કે.આર.વી.રાવના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદના નામે ઇતિહાસમાં નામાંકિત થનાર નરેન્દ્રનાથ દત્તનો જન્મ કોલકાતામાં સોમવાર, ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેઓ પોતાનો ૪૦મો જન્મદિન જોવા જીવંત ન રહ્યા અને તેમણે ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ પોતાનો ક્ષર દેહ છોડ્યો. સામાન્ય માનવીએ જેને માટે અનેકવાર જન્મવું પડે એવી અમીટ છાપ પોતાના દેશ પર અને વિશ્વના ઘણા બીજા દેશો પર સ્વામી વિવેકાનંદે પોતાના આ ૪૦ વર્ષ કરતાં ઓછા ટૂંકા જીવનકાળમાં પાડી છે. વર્ષોથી એમનો અવાજ અને એમની વાણી પડઘાતાં રહે છે. આ વાણી કે અવાજ ભૂતકાળમાંથી જન્યો છે, એ વર્તમાનથી ત્રાસ્યો છે અને એણે શુભભાવીની આતુરતાથી રાહ જોઈ છે. પોતે એક યુવાનરૂપે તેમણે યુવાનોને જ ઉપદેશવાનું શરૂ કર્યું અને એમણે કેટકેટલાય દશકાઓ પહેલાં જે કંઈ કહ્યું છે તે આજે પણ તત્કાલીન સમય કરતાં વધારે તરોતાજા મર્મભેદી, પ્રેરણાદાયી અને પ્રાસંગિક છે.

નરોમાં નરવીર, અને છતાં મોટા ભાગનાથી મહત્તર એ જ નામે વિવેકાનંદરૂપી માનવને આપણે કહી શકીએ. અંતે તો તેઓ એક માનવ જ હતા. પોતાની આત્મશોધનાના અતિપરિશ્રમે એમની તંદુરસ્તીને હતી ન હતી કરી દીધી, એમની જિંદગીનાં વર્ષો ટુંકાવી દીધાં અને પોતાના જીવનની પરાકાષ્ઠાના સમયે એનો અંત આવ્યો. વાસ્તવિક રીતે તેમણે પોતાની જાતને, નર વિવેકાનંદને સંન્યાસી વિવેકાનંદ બનાવવા સમર્પિત કરી દીધી. સાથે ને સાથે આ દુ :ખી પીડિત જગત માટે વ્યવહારુ વેદાંતનું રામબાણ ઔષધ પણ શોધી આપ્યું. મારી દૃષ્ટિએ આ આત્મબલિદાન એમણે ઈશ્વરપ્રાપ્તિ માટે કઠોર સાધના કરી તે કરતાં પણ મહાન છે.

દરેક માનવમાં એક જ દિવ્યતા વિવિધ માત્રામાં રહેલી છે એવી વેદાંતની સંકલ્પના મારી દૃષ્ટિએ સમગ્ર વર્ગ, વર્ણ, જ્ઞાતિ, જાતિ, ધર્મસંપ્રદાય, રાજ્યરાષ્ટ્ર કે ભાષાના કોઈ પણ જાતના ભેદભાવ વિના માનવજાતની માનવીય એકતાને એક એકમરૂપે ગણવા અને માનવા આપણને સૌથી વધારે પ્રબળ આધાર ભૂમિકા આપે છે અને હું ધારું છું તે પ્રમાણે આ બાબત પર વધારે ભાર દેવાની જરૂર છે.

….ભાષા, રંગ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વિચારશ્રેણી, આર્થિક, સામાજિક અને રાજકીય દરજ્જા પ્રમાણે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ આ બધા ભેદભાવોને ભૂલી જઈને માનવ એક જ અસ્તિત્વ છે, દેહધારી આત્મા છે અને દરેકે દરેક માનવમાં સમાન ગુણવત્તા છે એવી માનવજાતની નવી સંકલ્પના આપણે રચવી પડશે, શોધવી પડશે. આ જ છે રામકૃષ્ણ-વિવેકાનંદનો સંદેશ.

નિરક્ષર પૂજારી રામકૃષ્ણ અને મેધાવી, મહાન વક્તા, આધ્યાત્મિક વિચાર જગતના વિશ્વવિજેતા અને મહાન મિશનના સ્થાપક, સંવાહક સ્વામી વિવેકાનંદને આપણે હંમેશાં સાથે જોડીએ છીએ. એવો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે કે આપણે શા માટે ‘રામકૃષ્ણ-વિવેકાનંદ’નો ઉલ્લેખ કરીએ છીએ. આપણે ક્યારેય વિવેકાનંદને વિવેકાનંદરૂપે કે રામકૃષ્ણને રામકૃષ્ણરૂપે જ ઉલ્લેખતા નથી. એનું કારણ એ છે કે સ્વામી વિવેકાનંદે જે ઊર્જા-શક્તિ મેળવી હતી તે બધી શ્રીરામકૃષ્ણ દ્વારા જ આવી હતી. શ્રીરામકૃષ્ણ ‘સત્ય’ હતા તો સ્વામી વિવેકાનંદ તેના ઉદ્ગાતા અને વિવરણકાર હતા. એ ‘સત્ય’ શું હતું ? એ ‘સત્ય’ એટલે ધર્મને મંદિર, મસ્જિદ, ગીરજાઘરમાં જ રાખવાનો નથી. વળી એને મઠોમાં, હિમાલયની કે જંગલોની ભવ્ય કંદરાઓમાં પૂરી રાખવાનો પણ નથી; આવાં સ્થળો તો જે વ્યક્તિ પોતાની મુક્તિ માટે જ પ્રભુને પ્રાર્થે છે તેમને માટે છે પણ ધર્મને તો જાહેર ચોકમાં, વાસ્તવિક જીવનમાં લાવવાનો છે. આને જ સ્વામી વિવેકાનંદ ‘વ્યવહારુ વેદાંત’ કહે છે.

જો તમે વૈશ્વિકતા, દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, કેળવણી, આધ્યાત્મિકતાની નવી શોધ, વ્યવહારુ વેદાંત અને વિજ્ઞાન પ્રત્યેનો ભાવાત્મક અભિગમ કે વલણનો વિષય હાથમાં લો તો તમારે રૂઢિવાદ, ભૌતિકતા કે માનવીય ઉત્ક્રાંતિ તરફ જોવાની જરૂર નથી. આ બધું તમને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના ઉપદેશોમાંથી સાંપડી રહેશે. સ્વામી વિવેકાનંદ મારી દૃષ્ટિએ સૌથી વધારે સર્વવ્યાપક માનવ હતા અને આજે ભારત જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે બધી સમસ્યાઓનો ઉત્તર સ્વામી વિવેકાનંદમાંથી જ મળી રહેશે.

જીવનની સમસ્યાઓનો સામનો કરવા માટે સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શક્તિ અને નિર્ભયતા મહત્ત્વના છે. ધર્મની બાહ્ય સાધનાઓ કરતાં તેમણે ચારિત્ર્ય ઘડતર પર વધારે ભાર દીધો છે. તેમની દૃષ્ટિએ માનવની સેવા એ જ પ્રભુની પૂજા છે. સ્વામી વિવેકાનંદ અત્યંત ભાવુક હતા. એમણે જે જે કંઈ કાર્ય કર્યું તેની પાછળ એમની બુદ્ધિપ્રતિભા અને આધ્યાત્મિક આંતરસૂઝ તો હતાં જ પણ સાથે ને સાથે સર્વલોકો પ્રત્યેની હૃદયની લાગણીનું પૂર્ણ બળ પણ હતું.

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.