આજે વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતા દેશોમાંનો એક દેશ છે. જો કે કેટલાક લોકો ભારતીયો પ્રત્યેની – ભારતીયો ગરીબ છે, અસહાય છે, ભિખારી જેવા છે – જેવી પોતે ઊભી કરેલી નકારાત્મક કે અભાવાત્મક છાપ લાદવાનો હંમેશાં પ્રયત્ન કરે છે અને એવું ઇચ્છે છે પણ ખરા. આમ છતાં પણ ભારત આજે દરેક ક્ષેત્રમાં આગળ ધપી રહ્યું છે એનો કોઈ ઈન્કાર કરી શકાય એમ નથી. આ પ્રગતિ પણ બલિદાનો વિના થઈ નથી. અનેક નેતાઓ અંત સુધી આ પ્રગતિ માટે ઝઝૂમતા રહ્યા છે. આ પવિત્ર દેશના યોગક્ષેમ માટે પુષ્કળ માત્રામાં લોહી રેડાયું છે. એટલે જ પોતાનાં અંતિમ બલિદાનોથી ભારતમાં આવું પરિવર્તન લાવનાર મહાન નરનારીઓને આપણે આજે આદર્શ સાથે યાદ કરવાં રહ્યાં. સેવકોથી માંડીને માલિકો સુધી આપણે ભવ્ય પરિવર્તનો આજે નિહાળી રહ્યા છીએ.સંપાદકીય

ભારતે આટઆટલું સહન કેમ કરવું પડ્યું ?

ભારતે પોતાનાં છેલ્લાં બે હજાર વર્ષથી પોતાના આધ્યાત્મિક જ્ઞાનને જગતથી છુપાવ્યું અને આ રીતે સમગ્ર વિશ્વથી એકલું અટૂલું બની ગયું તેથી ભારતને સહન કરવાનો વારો આવ્યો. અને વળી જ્યારે ભારતનું આ જ્ઞાન ગણ્યાગાંઠ્યા લોકોનો ઈજારો બની ગયું ત્યારે તેના સામાન્ય જનસમૂહે ઘણું ઘણું સહેવું પડ્યું હતું. આપણે એક બાજુએ અદ્વૈતની – અભેદભાવની વાતો કરીએ છીએ અને બીજી બાજુએ આપણું આચરણ તો ભેદભાવથી ભરપૂર ભર્યું છે. સ્વામી વિવેકાનંદના આગમન પછી આપણે વધુ ને વધુ વિશાળ અને ઉદાર બનતા ગયા, પરિણામે એક સદીમાં જ આપણે ઝડપથી વિકસી રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે આપણે આટલાં બધાં દુ :ખકષ્ટ સહન કરવાં પડ્યાં કે સહન કરીએ છીએ તેનું કારણ આપણે આપણા જ્ઞાનનાં બારણાં બંધ કરી દીધાં તે છે. ‘આપો અને મેળવો એ સમાજનો નિયમ છે,’ એમ તેમણે કહ્યું હતું. બીજાના ભલા માટે કાર્ય કરીને આપણે આપણી જાતને ઉન્નત કરી શકીએ. તેમણે કહ્યું છે, ‘આપણી સમક્ષ આ મહાન આદર્શ છે અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું નહીં. આપણે સૌએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને તેમનાં લશ્કરોથી દેશને ભરી દે, કુછ પરવા નહીં. ઓ ભારત ! તું ખડો થઈ જા અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વ પર વિજય મેળવ !’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૪.૧૮૪)

અને આજે ભારત એ વિજય મેળવવા સજ્જ છે. ભારત અને ભારતની બાબતો વિશે સમગ્ર વિશ્વ કેવો રસ દાખવી રહ્યું છે તેની કલ્પના પણ તમે ન કરી શકો. ભારતીય ધર્મ, યોગ, નૃત્ય, સંગીત અને રાંધણકળા જેવા વિષયો શીખવા માટે જબરી ઇચ્છા અને રસરુચિ જોવા મળે છે. પરંતુ ભારતમાં શું જોવા મળે છે ? આપણે તો આપણી જાતને ધિક્કારીએ છીએ. આપણે આપણા ધર્મને ઉતારી પાડીએ છીએ. આજે આપણે આપણા ધર્મને અવગણીને પોશાક, ખાણીપીણી, સ્વમિજાજમાં પણ પશ્ચિમનું આંધળું અનુકરણ કરવા ઇચ્છીએ છીએ.

સ્વામી વિવેકાનંદ ભારતના અનેક નેતાઓમાંના આઝાદી પહેલાંના એક એવા નેતા હતા કે જેમને ભારત પ્રત્યે હકારાત્મક અભિગમ હતો. જ્યારે ભારત ગુલામીની ધૂંસરીમાંથી મુક્ત થવાં મથતું હતું ત્યારે ‘ભારતનું ભાવિ ઉજ્જવળ છે’ એવું કહેનાર તેઓ એકલા જ હતા. જ્યારે ભારત સમૃદ્ધ, અમીર અને મહાન બને એવી કોઈને આશા પણ ન હતી, ત્યારે એકલા સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભારત ફરીથી પોતાના રાજસિંહાસન પર બિરાજશે. તેઓ ઠંડી, ભૂખ, ગરીબાઈ અને કઠણાઈની સામે ઝઝૂમતા રહ્યા કે જેથી ભારત ફરીથી પોતાના પગ પર ઊભું થાય, સમગ્ર જનસમૂહ જાગે અને આ દેશના વેદાંતનો ભવ્યસંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચી શકે. જ્યારે મોટાભાગના સમાજ સુધારકો અને નેતાઓ રાષ્ટ્રિય સમસ્યાઓને ઉકેલવા ઉપરછલ્લાં સાધનો અને ઉપાયો યોજી રહ્યા હતા ત્યારે સ્વામીજીએ ‘મૂળિયાં અને શાખા’ની સુધારણા-આમૂલ સુધારણા પર ભાર મૂક્યો અને એને જ સાચી સુધારણા કહી. આપણા રાષ્ટ્રિય નેતા જેવા કે ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરેએ કહ્યું છે કે તેમના પ્રેરણાસ્રોત સ્વામીજી હતા.

પાયાની-આમૂલ સુધારણા

સ્વામીજીની આમૂલ સુધારણામાં સમગ્ર રાષ્ટ્રનો સમાવેશ થતો હતો. વિવેકાનંદનો જીવન પ્રત્યેનો અભિગમ ખંડશ : ન હતો. તેમની દ્રષ્ટિએ આ ત્રણ મહત્ત્વનાં છે – દેહ, મન અને પ્રાણ. અને એટલે જ એમણે આત્મા કે પ્રાણને વધારે મહત્ત્વ આપ્યું છે, કારણ કે તેઓ જાણતા હતા કે એક વખત આ આત્મા કે પ્રાણ જાગે તો બધી શક્તિ, બધાં ગૌરવ-ગરિમા અને સાર્વત્રિક સફળતા ચોક્કસ આવવાનાં જ. વળી આ આત્મા જ એકતા કે અભેદભાવની ગુરુચાવી છે. માનવીય એકતા કે માનવ માનવ વચ્ચેનો અભેદભાવ શારીરિક કે માનસિક કક્ષાએથી ક્યારેય ન મેળવી શકાય. આ એકતા તો આપણે આત્માની જાગૃતિ દ્વારા જ મેળવી શકીએ.

સ્વામીજી આ સમસ્યાને કેવી રીતે સમજી શક્યા હશે ? સ્વામીજી એક પયગંબર હતા એટલે તે આ બધું રહસ્ય જાણતા હતા. તેઓ કોઈપણ બાબતમાં તેનાં મૂળિયાં સુધી જતા, અને આ રીતે તેઓ ભારતના એક અનન્ય અને સૌથી મહાન સુધારક બની શક્યા. એમનો ઉપદેશ સરળ છે. તેમના મહત્ત્વના ઉપદેશોમાં વેદાંતનો પડઘો સંભળાય છે અને એ સંદેશ છે :

‘… પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો – અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે. (સ્વા.વિ.ગ્રંથમાળા : ૧.૧૩૪)

આપણા રાષ્ટ્રની ભીતર અનેક ભવ્ય શક્તિઓ અને શક્યતાઓ રહેલી છે. પ્રજાની જેમ રાષ્ટ્રને પણ દેહ, મન અને પ્રાણ હોય છે. ભારતનું મન એ ધર્મમય મન છે. ભારતનો પ્રાણ ધર્મપ્રાણ છે. એટલે જ ભારતમાં ભવ્ય શક્યતાઓ અને શક્તિઓ રહેલી છે. એના અંગરૂપે આપણા લોકોમાં પણ આવી ભવ્યશક્તિ રહેલી છે. એ શક્તિઓને કોઈ બહાર લાવે તેમ ઇચ્છે છે. હજારો વર્ષ સુધી ‘આપણે કંઈ નથી – નકામા નિર્માલ્ય છીએ’ એમ આપણને સૌ કોઈ કહેતા રહ્યા. પરિણામે આપણા પર જુલમો થયા અને આપણને ધિક્કારવામાં પણ આવ્યા. એટલે જ આપણી ભીતર આવી શક્તિઓ છે એ બધું આપણે ભૂલી ગયા. સ્વામી વિવેકાનંદે આપણી આ ભીતરની શક્તિઓની ફરીથી આપણને યાદ અપાવી. એક વખત આપણને આઝાદી મળી અને આ શક્તિઓને આપણે પ્રગટ કરવા લાગ્યા. અને આજે ભારત વિશ્વમાં સૌથી ઊંચ્ા શિખરે બેસવાની તૈયારી કરી રહ્યું છે. એક સદી પહેલાં સ્વામી વિવેકાનંદે આ ભવિષ્યવાણી ભાખી હતી, ‘ભારત ફરીથી જાગશે, સત્તાના જોરે નહીં, પરંતુ આધ્યાત્મિકતાના, આત્માના જોરે.’… અને આજે આ બધું બનતું જોવા મળે છે. જ્યારે હરકોઈ ધર્મોને વખોડતું ત્યારે સ્વામી વિવેકાનંદે સ્પષ્ટવાણીમાં કહ્યું હતું, ‘અહીં ભારતમાં ધર્મ પ્રજાના હૃદયનું મર્મસ્થાન છે, કરોડરજ્જુ છે, પાયો છે. રાષ્ટ્રની આખી ઇમારત તેના ઉપર ચણવામાં આવી છે. રાજકારણ, સત્તા અને બુદ્ધિ સુદ્ધાં અહીં ગૌણ સ્થાને ગણાય છે. એટલા માટે ભારતમાં ધર્મ એક જ ધ્યેય હોય છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૪.૧૦૬)

ભલે મૂરખાઓ ધર્મને વખોડે પણ દુ :ખની વાત તો એ છે કે તેઓ એના એક શબ્દને પણ જાણતા નથી. અને તેઓ રાજકારણ માટે ધર્મને ગૂંચવી નાખે છે. પરંતુ ધર્મ તો આપણને ફરીથી ઊભા થવામાં મદદ કરે છે. ધર્મનો આદર્શ છે પ્રાણશક્તિ. સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ ભારત પુન : જાગૃત થયું છે. આજે ભારત પોતાના વૈજ્ઞાનિકો, ઈજનેરો, કૃષિકારો અને બીજા અનેક નિષ્ણાતોથી સમૃદ્ધ બનતું જાય છે. સાથે ને સાથે આ બધા પોતાના દેશની ગૌરવગરિમાને વધારવામાં પુષ્કળ મદદ કરે છે. આજે ભારત ‘આઈ.ટી.’ ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યું છે. સાથે ને સાથે વિજ્ઞાન, કળા, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર અને બીજાં ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી રહ્યું છે. ૧૯૬૦ના દાયકામાં આપણે ‘ભિખારી’ હતા અને આપણને અન્ન માટે હાથ લાંબો કરવો પડતો. આજે ૨૦૦ મિલિયન મેટ્રિક ટન ચોખા ઉત્પન્ન કરતો દેશ બની ગયો છે. આપણી બુદ્ધિપ્રતિભાએ કેટલાયે રાષ્ટ્રોમાં જબરી સફળતા મેળવી છે. ભારતીયરૂપે સમગ્ર વિશ્વમાં ઘણ્ા લોકો આજે અગ્રેેસર બનીને દોરવણી આપી રહ્યા છે.

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.