સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે એમણે મઠ મિશનની જબરી સેવા અને તેનું ઘડતર કર્યું છે. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.

(૧૮૯૭ના ફેબ્રુઆરીમાં સ્વામી પ્રેમાનંદજી અને કાલીકૃષ્ણ સ્વામીજી કોલકાતા આવવાના છે એ આનંદભર્યા સમાચાર સાંભળીને કોલકાતા આવ્યા. કાલીકૃષ્ણને સ્વામીજી પ્રત્યે અપ્રતિમ આકર્ષણ હતું. તેઓ સ્વામીજીને મળવા તલસતા હતા.- સં.)

અંતે કાલીકૃષ્ણ એવી મહાવ્યક્તિને મળ્યા કે જેમનું તેઓ સતત ચિંતન કરતા હતા અને આતુરતાપૂર્વક તેમને જોવા મળવાની રાહ જોતા હતા. સ્વામીજીએ પણ કાલીકૃષ્ણ વિશે પોતાના સંન્યાસી બંધુઓ પાસેથી જાણ્યું હતું. જ્યારે કાલીકૃષ્ણ આવ્યા અને સ્વામીજીનાં શ્રીચરણકમળનો સ્પર્શ કર્યો ત્યારે તેમણે તેમના તરફ પ્રેમ અને ઉષ્માથી જોયું પછી પોતાના સંન્યાસી બંધુઓ તરફ ફરીને કહ્યું, ‘આ એ જ છોકરો છે ને ?’ પોતાની સ્વામીજી વિશેની પ્રથમ છાપ વિશે કાલીકૃષ્ણે પોતાનાં સંસ્મરણોમાં આમ લખ્યું હતું :

અમેરિકાના સમાચાર પત્રોમાં આવ્યું હતું તેમ એમની આંખો ચિત્ત હરી લે તેવી હતી. એમના સમગ્ર દેહમાંથી પ્રકાશકુંજ નીકળતો હતો. સૌંદર્ય અને શક્તિના સંયોજનવાળી, અનાસક્ત ભાવનાયુક્ત આંજી દેતી વ્યક્તિમત્તાવાળી કેવી આકર્ષક દેહાકૃતિ! મારા પ્રથમ પ્રતિભાવ પ્રેમ, ભક્તિ અને આશ્ચર્યચકિતતાના હતા.

એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને કારણે જોવું દુષ્કર હતું અને જો મારી આંખો એમની સાથે મળી હોત તો તેમની નજરે મારી આંખોને ખરેખર દઝાડી દીધી હોત ! જ્યારે તેઓ પોતાના વિચારોમાં ડૂબેલા રહેતા ત્યારે તેઓ ઘરની પરસાળમાં સિંહની માફક આમતેમ ડગ માંડતા. જો કે એમણે ભગવું ધોતિયું પહેર્યું હતું છતાં પણ તેઓ આધ્યાત્મિક વિશ્વના નેપોલિયન સમા લાગતા હતા. જાણે કે ભવ્ય ઊર્જા સઘન રીતે ઝંકૃત થઈ રહી હતી અને એમનાં ચરણો નીચેની ધરતી પગલે ને પગલે કંપતી અને તૂટતી જતી હતી.

થોડા દિવસોમાં સ્વામીજીએ કાલીકૃષ્ણ અને બીજા ત્રણ બ્રહ્મચારીઓને (સુશીલ-સ્વામી પ્રકાશાનંદ ; કાનાઈ – સ્વામી નિર્ભયાનંદ અને યોગેન – સ્વામી નિત્યાનંદ) સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું. વિરજા હોમ કરીને સંન્યાસ લેતા ત્રણેયને માર્ગદર્શન આપવા સ્વામીજીએ પોતાના ગૃહસ્થભક્ત શરતચંદ્ર ચક્રવર્તીને કહ્યું. સ્વામી રામકૃષ્ણાનંદજીએ પ્રારંભિક પૂજા કરી અને એ માટે યોગ્ય મંત્રોચ્ચાર સાથે સર્વત્યાગનો અગ્નિ પ્રકટાવ્યો. આ મંત્ર દીક્ષા પછી સ્વામીજીએ કાલીકૃષ્ણને ‘વિરજાનંદ’ નામ આપ્યું.

જે દિવસે એમણે સંન્યાસ ગ્રહણ કર્યો હતો એ દિવસ સ્વામી વિરજાનંદના મનમાં હંમેશાંને માટે અંકિત થઈ ગયો હતો. તે દિવસે એમણે સ્વામીજીનું જે દેદીપ્યમાન સ્વરૂપ નિહાળ્યું તે હમેશાં તેમના હૃદયને પ્રકાશિત બનાવતું રહ્યું. એમના પોતાના શબ્દોમાં કહીએ તો, ‘વિરજાહોમના અગ્નિથી વધુ તેજસ્વી બનેલ, આભાથી ચળકતા, એમના સહજ રીતે ચમકતા ચહેરા સાથે જાણે કે અગ્નિદેવ પોતે માનવરૂપે ત્યાં વિરાજેલા હતા ! … અને અમને સંન્યાસ આપીને તેઓ કેટલા બધા આનંદમય બની ગયા ! કદાચ પ્રથમ સંતાનના જન્મ વખતે માતપિતા પણ આટલાં બધાં આનંદપ્રસન્ન નહીં બન્યાં હોય !’

સ્વામીજીએ ચાર નવા સંન્યાસીઓને પોતાના હૃદયપૂર્વકના આશીર્વાદ આપતાં કહ્યું, ‘તમારામાં માનવજીવનનાં ભવ્યોન્નત પ્રતિજ્ઞા કે ધ્યેયને વરવાની અજબની ખંત છે. તમારો જન્મ, તમારું કુટુંબ અને તમને ગર્ભમાં માનવરૂપે ધારણ કરનાર માતા ખરેખર ધન્ય અને ઈશ્વરની અમીકૃપાવાળાં બન્યાં છે !’ સ્વામીજી કે જેઓ ત્યાગનું મૂર્ત સ્વરૂપ હતા તેમણે કોઈકને આ સંન્યાસીઓ વિશે કહ્યું, ‘બ્રહ્મતેજથી ચળકતા તેઓ ઝળહળતા અગ્નિસમું જીવન જીવશે !’

સ્વામીજીની સેવામાં

બાંગ્લાદેશમાંથી પાછા ફરીને વિરજાનંદે પોતાનાં મનપ્રાણ સ્વામીજીની સેવામાં લગાડી દીધાં. અતિપરિશ્રમને કારણે સ્વામીજીની તબિયત લથડી થઈ હતી, એટલે આરોગ્ય સારવાર માટે તેમને બલરામ બસુના મકાનમાં રાખવામાં આવ્યા હતા. સ્વામી તુરીયાનંદજી પણ ત્યાં જ રહેતા. વિરજાનંદની ભક્તિભાવપૂર્ણ એ અતિ ચોકસાઈભરી સેવાથી સ્વામીજી તેમના પર ખૂબ ખુશ થયા. દિવસ દરમિયાન વિરજાનંદને ભાગ્યે જ એકાદ પળ આરામ કે નિરાંત મળતી કારણ કે તેઓ રાંધવામાં અને બીજાં કાર્યો કરવામાં વ્યસ્ત રહેતા. રાતને સમયે પણ કદાચ સ્વામીજીને કઈંક જરૂર પડે એ અપેક્ષા અને ભયથી તેઓ મોટેભાગે જાગતા રહેતા. આ બધું કરવા છતાં પણ તેમને જરાય થાકનો અનુભવ થતો ન હતો. એનાથી ઊલટું તેઓ હંમેશાં આનંદમાં રહેતા કારણ કે તેઓ પોતાના ગુરુદેવની સેવાચાકરી કરતા હતા. સ્વામી તુરીયાનંદજીએ આ બધું જોઇને એક દિવસે પૂછ્યું, ‘બેટા, તું ક્યારેય સૂઇ જતો નથી ?’ વિરજાનંદે કહ્યું, ‘ના.’ સ્વામી તુરીયાનંદજીને આશ્ચર્ય થયું અને એમણે ફરીથી પૂછ્યું, ‘તને થાક લાગતો નથી ?’ વિરજાનંદજીએ આનંદથી જવાબ આપ્યો, ‘થાક કેમ લાગે, જરાય લાગતો નથી !’ આવી રીતે એકીસાથે ઘણા દિવસો સુધી વિરજાનંદ ઊંઘ્યા નહીં.

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.