આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ – કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
ભારત એક અનોખો દેશ
ભારત એક અનોખો દેશ છે. આ રાષ્ટ્રે અનેક આક્રમણો સહ્યાં છે છતાં પણ તેણે પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે. સાથે ને સાથે તેનું ઐક્ય પણ જાળવી રાખ્યું છે. ઇતિહાસનાં પાંચ હજાર વર્ષોમાં આ રાષ્ટ્રે બીજા દેશ પર ક્યારેય આક્રમણ કર્યું નથી. વિશ્વની સંસ્કૃતિને તેણે કરેલું પ્રદાન ખરેખર અદ્ભુત છે. સ્વામી વિવેકાનંદ કહે છે :
‘દેશેદેશ સાથે સરખામણી કરી જોશો તો જણાશે કે દુનિયા જેટલી આ સહનશીલ હિંદુની, નરમ હિંદુની ઋણી છે તેટલી આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાની નથી. ‘નરમ હિંદુ’ એ શબ્દ ક્યારેક મહેણા તરીકે વપરાય છે ખરો… જ્યારે ગ્રીસનું અસ્તિત્વ પણ નહોતું, જ્યારે રોમ વિશે કોઈને વિચાર સરખોય નહોતો આવતો, જ્યારે અત્યારના યુરોપિયનોના બાપદાદાઓ જંગલમાં રહેતા અને શરીર પર રંગના લપેડા કરતા, ત્યારે ભારત પ્રવૃત્તિથી ધમધમી રહ્યું હતું. એથીયે પૂર્વે જ્યારે ઈતિહાસનો કશો ઉલ્લેખ મળતો નથી અને અતિ દૂરના ભૂતકાળના ગાઢ અંધકારમાં ડોકિયું કરવાની પુરાણોની પરંપરાની પણ હિંમત ચાલતી નથી, એ કાળથી તે અત્યાર સુધીમાં, આ ભૂમિમાંથી વિચારો પાછળ વિચારો આવતા જ ગયા છે. પરંતુ એકેએક શબ્દના ઉચ્ચારની પાછળ આશીર્વાદ અને આગળ શાંતિ રહેલાં છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૪ : ૪-૫)
ભારતે વિશ્વને સંદેશ આપવાનો છે, એ વાતથી સ્વામીજી પૂરે પૂરા જાગૃત હતા અને એ સંદેશ હતો સર્વની એકતાની દૃષ્ટિ, માનવની દિવ્યતા તેમજ વિવિધતા અને અનેકતા પ્રત્યેનો આદર. આ જ ભારતનું મિશન છે. જો કે ભારત સદીઓ સુધી વિદેશીઓના આક્રમણથી પોતાનું રક્ષણ કરવામાં પ્રવૃત્ત રહ્યું અને તે પોતાનું આ મિશન ભૂલી ગયું.
સ્વામી વિવેકાનંદે ભારતને પોતાના આ મિશનની યાદ દેવડાવી અને એનામાં આત્મશ્રદ્ધા રેડી તેમજ તેના નવજાગરણ માટે યોજના પણ ઘડી કાઢી. તેઓ ભારત અજ્ઞાન અને જડતામાંથી બહાર આવે એમ ઇચ્છતા હતા. સાથે ને સાથે ભારત પોતાની ગુમાવેલી ગૌરવગરિમાને પાછી મેળવીને સમગ્ર જગતના યોગક્ષેમ માટેનું વાહકયંત્ર બને એમ ઇચ્છતા હતા. આ ભગીરથ કાર્ય માટે તેઓ ભારતના યુવાનો સમયના સાદને કાને ધરે, આગળ આવે અને સાર્મથ્ય અને હિંમતથી આ પડકારને ઝીલી લે એમ ઇચ્છતા હતા. તેઓ કહે છે, ‘આ યુવાન પેઢીમાં, આધુનિક પેઢીમાં મને શ્રદ્ધા છે, એમાંથી જ મારા કાર્યકરો આવશે. તેઓ સિંહની જેમ સમગ્ર સમસ્યા ઉકેલી નાખશે.’
આજનું ભારત
પોતે આપેલા આહ્વાનનો પ્રતિસાદ ભારતના યુવાનો આપશે એવી સ્વામીજીને અપેક્ષા હતી. પણ આજના યુવાનોએ એમના આહ્વાનને સાંભળ્યું છે કે કેમ એ વિશે આપણને સંદેહ સાથે આશ્ચર્ય થાય છે. ભારતના મોટાભાગના યુવાનો બીજી સંસ્કૃતિઓની વાનરનકલ અને બીજાઓની રીતનું આંધળું અનુકરણ કરવામાં મશગૂલ છે.
પરંતુ સ્વામીજી આ વાનરનકલ જેવું અનુકરણ ઇચ્છતા ન હતા. તેઓ તો ઇચ્છતા હતા આપમેળે કરેલ નવસુધારણા. તેઓ તો ભારતના પ્રજાજનો પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિના સર્વમાન્ય સિદ્ધાંતોમાં ઊંડી ડૂબકી મારે અને પોતાની સામે પડેલા નવા પડકારોનો સામનો કરવા એમનું પોતાનાં જીવનમાં અનુસરણ કરે એવું ઇચ્છતા હતા.
પરંતુ આજનો ભણેલો ગણેલો યુવાન પોતાના રાષ્ટ્રની આવી પ્રાચીન પ્રણાલીઓ અને રીતભાતને જાણે કે અવગણવા બેઠો છે. પરંતુ આ એક પસાર થતો તત્કાલીન તબક્કો છે. જ્હોન ઓલીન ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ, હાર્વર્ડ યુનિવર્સિટીના નિયામક સેમ્યુઅલ હન્ટિન્ગ્ટને પશ્ચિમીકરણ અને પશ્ચિમીકરણમાંથી પાછા હઠવા વિશેની ચર્ચા પોતાના પુસ્તક ‘ક્લેશ ઓફ સિવિલાયઝેશન્સ – સંસ્કૃતિઓનો સંઘર્ષ’માં વિસ્તૃત ચર્ચા કરી છે. તેમણે દર્શાવ્યું છે કે આધુનિકીકરણના પ્રથમ તબક્કામાં પશ્ચિમ સિવાયમાં બીજા દેશોના સમાજે પશ્ચિમીકરણ કર્યું. પરંતુ આર્થિક રીતે વિકસિત દેશ તરીકે પોતાનો હક – દાવો નિશ્ચિતપણે એની મેળે રજૂ થયો. આધુનિકીકરણ દેશોને એકબીજાના સંપર્ક સંબંધમાં લાવે છે અને અત્યંત સુધરેલાં અને વિકસિત સંદેશવ્યવહારનાં માધ્યમો લોકોને સાથે લાવી મૂકે છે. જો કે એ કારણે તેમને સાંસ્કૃતિક રીતે જોડતાં નથી પણ તે બધાંને એકબીજાની સંસ્કૃતિની ભિન્નતાથી જ્ઞાત કરે છે. આ તબક્કે ‘તેઓ કોણ છે’ એ વિશે લોકો જાણવા માગે છે. તેઓ તેમનાં મૂળિયાંને જાણવા માગે છે. એટલે આવા લોકો પોતાની સભ્યતા કે સંસ્કૃતિમાંથી મળી શકે તેવા ઉત્તર શોધતા રહે છે. બીજા તબક્કામાં એક જાગૃતિ આવે છે અને દરેક દેશ પોતાની સાંસ્કૃતિક એકતાને વળગી રહે છે.
આધુનિકીકરણના આ બીજા તબક્કામાં ભારત પ્રવેશી રહ્યું છે. ઝડપથી તે પોતાના આર્થિક ક્ષેત્રને ઉન્નત કરી રહ્યું છે. એટલે સુધી કે કેટલાય કૌશલ્યયુક્ત કાર્યો માટે વિકસિત દેશો ભારતનો ઉપયોગ ‘આઉટ સોર્સ-બાહ્ય સ્રોત’રૂપે કરે છે. અમેરિકામાં હમણાં હમણાં એમની ભાષામાં ‘બેંગ્લોર્ડ’નામનો શબ્દ ઉમેરાયો છે.
કોઈ પણ વ્યક્તિ ‘બેંગ્લોર્ડ’ થઈ જાય તો એનો અર્થ આવો થાય છે – એમણે પોતાની કામગીરી ભારતના કોઈ શહેરમાં ગુમાવી છે. એટલે કે એનો કામધંધો ત્યાં ગયો છે. ભારતની ઉન્નત થતી પ્રૌદ્યોગિકી અને આર્થિક ઉન્નતિ માટે કેવી ગર્વ અનુભવી શકાય તેવી વાત.
Your Content Goes Here