સ્વામી પરમાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.

(હાલના બાંગલાદેશના બાનારીપરા ગામમાં આનંદચંદ્ર ગુહથાકૂર્તના પુત્રરૂપે જન્મ્યા હતા. નાની ઉંમરમાં માતાના મૃત્યુથી નિરાસક્તિ, ત્યાગ અને વૈરાગ્ય વધ્યાં. સ્વામીજી પાસેથી મંત્ર દીક્ષા લઈને સ્વામી પરમાનંદ બન્યા. વતનમાંથી શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી પ્રસંગે બેલુર મઠ જવા ઇચ્છતા કેટલાક વડિલો સાથે પિતાની સંમતિથી સુરેશ પણ બેલુર મઠ આવ્યા. -સં.)

ઈ.સ.૧૯૦૧માં શ્રીરામકૃષ્ણના જન્મદિનના બે દિવસ અગાઉ યાત્રાળુઓ બેલુર મઠ પહોંચ્યા. મેદાનો લોકોથી ઊભરાઈ રહ્યાં હતાં. જન્મદિનની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી. વ્યાકુળ સુરેશ મઠના મુખ્ય મકાન તરફ આગળ વધ્યા અને મંદિરના પ્રાંગણમાં પ્રવેશ્યા. ત્યાં તેમણે આંબાના વૃક્ષની નીચે ખાટલા પર સ્વયં સ્વામી વિવેકનંદને જોયા. વરસો પછી સુરેશ તેનું વર્ણન કરતાં કહે છે, ‘મેં આ અગાઉ જોયેલી કે કલ્પના કરેલી કોઈ પણ વ્યક્તિ કરતાં તદ્દન અલગ વ્યક્તિની સમક્ષ હું ઊભો હતો. તેમણે તેમની મોટી અને તેજસ્વી આંખો દ્વારા મારા તરફ જોયું. મને લાગ્યું કે જાણે તેમણે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર મને ઘણું બધું કહી દીધું. જો કે ગુરુ સાથે મારો કોઈ ઔપચારિક પરિચય થયો ન હતો. પરંતુ જ્યારે મારી આંખો તેમની તેજસ્વી આધ્યાત્મિક અનિમેષ દ્રષ્ટિને મળી ત્યારે મને યાદ છે કે મારા માથાથી પગ સુધી કદી ન ભુંસાય તેવી લાગણી પ્રસરી ગઈ.’ કોઈ ચુંબકીય ખેંચાણ હોય તેમ સુરેશ તે પૂજ્ય સ્વામી પાસે ગયા અને તેમનો ચરણસ્પર્શ કર્યો. સ્વામીજીએ આ કિશોર તરફ નજર કરી. અત્યંત સંવેદનશીલ કોમળ સ્વરોમાં તેમણે તેમના વિષે ઘણા પ્રશ્નો પૂછયા.

સ્વામીજીનું આ મહાન વ્યક્તિત્વ સુરેશને સમુદ્રની ભરતીનાં મોજાંની જેમ ખેંચી ગયું. પછી તેમણે સ્વામીજીને ‘પ્રેમ અને જ્ઞાનના અવતાર સ્વરૂપ’ વર્ણવ્યા છે. તે આખો દિવસ અને ત્યાર પછીના દિવસોમાં પણ સ્વામીજીના શબ્દો અને રૂપમાં સુરેશ લીન થઈ જતા હતા. પછીનાં વર્ષોમાં તે પૂછતા ‘તમે કોઈ દિવસ કોઈ સર્વોત્કૃષ્ટ સૌમ્ય ચહેરો જોયો છે કે જેના પરથી તમે તમારી નજર ખસેડી ન શકો? જો તમે જોયો ન હોય તો હું તમારી સાથે દલીલ નહીં કરું કારણ કે મેં તેવા ચહેરાના ભાવ જોયા છે’.

સંન્યાસી થવાની આતુરતા

જ્યારે તે મઠમાં પહોંચ્યા ત્યારે અત્યંત આનંદ અને રાહત અનુભવવા લાગ્યા. જો કે તે સમયે સુરેશ માત્ર સત્તર વર્ષના જ હતા અને કાયદાની દ્રષ્ટિએ તે સગીર હતા. તેથી અમુક સ્વામીઓએ તે મઠમાં જોડાવા માટે નાનો છે તેમ જણાવી તેને ઘેર પાછો ફરવા અને અભ્યાસ ચાલુ રાખવા સલાહ આપી. બીજાઓ તેમની નિખાલસતાથી પ્રભાવિત થઈને તેમને મઠમાં રહેવા દેવાની તરફેણમાં હતા. આખરે આ બાબત સ્વામીજી પાસે ગઈ. બધી દલીલો સાંભળ્યા બાદ સ્વામીજી સુરેશ તરફ ફર્યા. તેમની વેધક નજર સુરેશની અભ્યર્થના કરતી આંખો સાથે મળી. તેમણે ખૂબ જ મૃદુ સ્વરમાં કહ્યું, ‘તને ગાતાં આવડે છે ?’ સુરેશે અત્યંત દબાતા સ્વરે દિવ્ય માનું એક ગીત ગાયું;

હું કંઈ ઓળખતો નથી, હું કંઈ જાણતો નથી, હું કંઈ સમજતો નથી,
હું માત્ર એટલું જાણું કે મને તારી આવશ્યકતા છે,
સભાનપણે કે અનભિજ્ઞપણે,
મારા હૃદયના આકર્ષણથી ખેંચાઈ,
હું તમારા તરફ દોડી રહ્યો છું,
અહીં મારી સમક્ષ અનંત, વિસ્તીર્ણ અમર્યાદ જગ્યા છે,
અને હું કંઈ પણ જોઈ શકતો ન હતો, મને માત્ર કોમળ મધુર અવાજ સંભળાયો,
હું માત્ર એટલું ચોક્કસપણે જાણું છું કે મારે મા છે,
બીજી મને કંઈ જ ખબર નથી
હું કંઈ ઓળખતો નથી, જાણતો નથી કે સમજતો નથી,
હું એટલું જાણું છું કે મને તમારી જરૂર છે.

સર્વત્ર શાંતિ પથરાઈ ગઈ. સ્વામીજીએ સુરેશ તરફ ઈરાદાપૂર્વક જોયું.પછી તેમના ગુરુભાઈઓ તરફ ફરી જાહેર કર્યું, ‘આ કિશોર અહીં જ રહેશે, હું સંપૂર્ણ જવાબદારી લઈશ’.

કિશોરની પ્રસન્ન મુખમુદ્રા જોઈને સ્વામી બ્રહ્માનંદ તેને વહાલથી ‘બસંત’ (વસંતઋતુ) એમ કહીને બોલાવતા અને શંકરાચાર્યનો નીચે મુજબનો શ્લોક ટાંકતા : ‘સાધુ વસંતઋતુ સમાન છે; જ્યાં જ્યાં તે જાય છે ત્યાં પક્ષીઓનાં ગાન અને ફૂલોની સુગંધ લઈ જાય છે.’

નવેમ્બર મહિનાની એક વહેલી સવારે સ્વામીજી મઠના ભોજનકક્ષની બહાર સ્વામી પ્રેમાનંદ સાથે બેઠા હતા. ગુરુએ બસંતને બોલાવ્યો અને કહ્યું, ‘તું મારા માટે ભિક્ષા માગી લાવશે?’ બસંતે ખૂબ જ ખુશીથી હા પાડી. આ પ્રકારના સૂચનથી કદાચ સ્વામીજી સન્યસ્ત જીવનની શિક્ષા આપી રહ્યા હતા. જ્યારે બસંત ભિક્ષુના લેબાશમાં સજ્જ થઈ સ્વામીજી પાસે આવ્યા ત્યારે સ્વામીજીએ ખૂબ જ આનંદપૂર્વક કહ્યું, ‘તને ખ્યાલ નથી કે તને આ વસ્ત્રોમાં જોઈને મને કેટલો આનંદ થાય છે ! તું કેટલો સરસ લાગે છે ?’ બસંત ભિક્ષા માટે જવા ફર્યા. ત્યાં સ્વામીજીએ કહ્યું, ‘ઊભો રહે ! હું તને તારી પહેલી ભિક્ષા આપું છું’. સ્વામીજી ઊઠીને કોઠારમાં ગયા અને થોડા ચોખા અને થોડાં કાચાં શાકભાજી લીધાં. ખૂબ જ આશીર્વાદ સાથે ભિક્ષા આપી રવાના કર્યા. બસંત બપોર બાદ મઠમાં પાછા ફર્યા અને તેની આતુરતાપૂર્વક રાહ જોતા સ્વામીજી પાસે ભિક્ષાની થેલી ખાલી કરી. સ્વામીજી ખૂબ જ ખુશ થયા. તેમણે સ્વામી પ્રેમાનંદને બોલાવ્યા અને કહ્યું, ‘ભિક્ષામાં મેળવેલું અન્ન ખૂબ જ પવિત્ર હોય છે. શ્રીરામકૃષ્ણ ભિક્ષામાં મેળવેલ અન્ન ખૂબ જ પસંદ કરતા. આજે તો હું બસંતે લાવેલ ભિક્ષા જ આરોગીશ.’ ત્યાર બાદ તેણે બસંતને રસોઈ આવડે છે કે નહીં તેમ પૂછ્યું. બસંતે જવાબમાં ‘હા’ કહી. સ્વામીજીએ બપોરે બે વાગ્યા સુધી રાહ જોઈ તે દરમ્યાન બસંતે તેમનું મધ્યાહ્ન ભોજન બનાવી નાખ્યું. સ્વામીજીએ ખૂબ જ રસપૂર્વક ભોજન કર્યું અને તેને બીજા સાધુઓને પણ પીરસવા કહ્યું. તે દિવસે તેઓ વારંવાર કહેતા, ‘પવિત્ર આત્મા દ્વારા લવાયેેલી ભિક્ષા ખૂબ જ પવિત્ર હોય છે.’

Total Views: 218
By Published On: November 1, 2013Categories: Paramananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram