શ્રીરામકૃષ્ણ – વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ ખરી વસ્તુ, બાકીનું બધું અવસ્તુ; શક્તિ પણ સ્વપ્નવત્, અવસ્તુ. પણ તમે હજાર વિચાર કરો ને, છતાં સમાધિસ્થ થયા વિના શક્તિની હદ ઓળંગી શકો નહિ. હું ધ્યાન કરું છું, હું ચિંતન કરું છું એ બધુંય શક્તિની સીમાની અંદર, શક્તિના ઐશ્વર્યની અંદર, એટલે બ્રહ્મ અને શક્તિનો અભેદ. એકને માનીએ એટલે બીજાને પણ માનવું પડે. જેમ કે અગ્નિ અને તેની દાહક-શક્તિ. અગ્નિને માનો એટલે તેની દાહક-શક્તિને માનવી જ પડે. દાહક-શક્તિને છોડીને અગ્નિનો વિચાર થઈ શકે જ નહિ. વળી અગ્નિને છોડી દઈને તેની દાહક-શક્તિનો પણ વિચાર થઈ શકે નહિ. સૂર્યને છોડીને સૂર્યનાં કિરણોનો વિચાર કરી શકાય નહિ. સૂર્યનાં કિરણોને છોડીને સૂર્યનો ખ્યાલ ન આવી શકે.

‘દૂધ કેવું હોય ? ધોળું, ધોળું. દૂધને છોડીને દૂધની ધોળાશનો વિચાર ન આવી શકે, તેમજ દૂધની ધોળાશ છોડીને દૂધનો ખ્યાલ ન આવે.

‘એટલે બ્રહ્મને છોડીને શક્તિનો કે શક્તિને છોડીને બ્રહ્મનો વિચાર આવી શકે નહિ. નિત્યને (The Absolute) છોડીને લીલા કે લીલાને છોડીને નિત્યનો (The Relative Phenomenal World) ખ્યાલ સંભવે નહિ.’

‘આદ્ય-શક્તિ લીલામયી, સૃષ્ટિ – સ્થિતિ – પ્રલય કરી રહી છે. એનું જ નામ કાલી. કાલી એ જ બ્રહ્મ, બ્રહ્મ એ જ કાલી. એક જ વસ્તુ. જ્યારે એમ વિચાર કરું કે એ નિષ્ક્રિય; સૃષ્ટિ, સ્થિતિ કે પ્રલય એમાંનું કોઈ પણ કામ કરતી નથી, ત્યારે તેને બ્રહ્મ કહું. પરંતુ જ્યારે એ જગતની સૃષ્ટિ, સ્થિતિ, લય વગેરે કરે, ત્યારે તેને કાલી કહું, શક્તિ કહું. એક જ વ્યક્તિ, ભેદ માત્ર નામરૂપનો.

જેમ કે ‘જળ’, ‘વોટર’, ‘પાણી.’ એક તળાવને ત્રણ-ચાર ઘાટ. એક ઘાટે હિંદુઓ પાણી પીએ, તેઓ કહે ‘જળ.’ બીજે ઘાટે મુસલમાનો પાણી પીએ, તેઓ કહે ‘પાની’. ત્રીજે ઘાટે અંગ્રેજો પાણી પીએ, તેઓ કહે ‘વોટર’. એ ત્રણેય એક, માત્ર નામ જુદાં. તેવી રીતે તેને (પરમાત્માને) કોઈ કહે છે ‘અલ્લાહ’, કોઈ કહે ‘ગોડ’, કોઈ ‘બ્રહ્મ’, કોઈ ‘કાલી’, તો કોઈ ‘રામ’, ‘હરિ’, ‘ઈશુ’, દુર્ગા’ વગેરે વગેરે.

કેશવ (સહાસ્ય)- કાલી કેટલી કેટલી રીતે લીલા કરે છે તે વાત એક વાર કહો તો. (શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૯૯-૧૦૦)

Total Views: 128
By Published On: November 1, 2013Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram