શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.) સ્વામીજી પોતાના હૃદયના ઊંડાણથી જાણતા હતા કે એ અદ્‌ભુત માનવ (શ્રીરામકૃષ્ણ)ના દિવ્યસ્પર્શને જ બધું આભારી છે. એમના શબ્દોમાં કહીએ તો, ‘જો સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ મેં સત્યની વાત કરી હોય, આધ્યાત્મિકતાની વાત કરી હોય તો એ બધું મારા ગુરુદેવને આભારી છે અને એમાં જો કંઈ ભૂલ થઈ હોય તો એ મારી છે.’ એમનો પોતાના ગુરુબંધુઓ પ્રત્યેનો પ્રેમભાવ અનન્ય હતો. એટલે જ હૃષીકેશ અને બીજાં સ્થળોના રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની તેઓએ પ્રશંસા કરી હતી. સાથે ને સાથે પોતાના એ ગુરુભાઈઓની રોગીનારાયણની પ્રેમપૂર્વકની સેવામાં એમને તે સંન્યાસીઓમાં પરમહંસની ક્ષમતા દેખાઈ હતી. સ્વામીજી તો બધા વિક્રમોને તોડવા જન્મ્યા હતા. એટલે જ શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘નરેન જેવી વ્યક્તિ ક્યારેય ન હતી અને હવે પછી પણ ક્યારેય જોવા નહીં મળે.’ ઝવેરી જ હીરાની કિંમતને ઓળખે છે. બીજો કોઈ અજાણ્યો તો એની કિંમત આંકવા જતાં અજ્ઞાનતાના કારણે એને હલકો પણ ગણી લે.

સ્વામીજીએ એક વખત કહ્યું હતું કે તેઓ ‘નીરાકાર વાણી’ બનવા માગે છે. એટલે કે પોતાના ગુરુદેવના સંદેશના નિરાસક્ત પ્રવક્તા બનવા ઇચ્છે છે. અને જ્યારે આપણે ભારત અને વિશ્વની હાલની સાહિત્યિક પ્રવૃત્તિઓ તેમજ પ્રેસ અને મંચસ્થાનેથી જે કંઈ પ્રસિદ્ધ થઈ રહ્યું છે, તેમાં આપણને શું જેને માટે સ્વામીજી જીવ્યા અને મથ્યા તેમજ જે સંદેશને તેમણે સમગ્ર જગત સમક્ષ ઉદ્ઘોષણાના રૂપે મૂક્યો, તે સર્વસમન્વય, મુક્તિ, ભ્રાતૃભાવના અને પ્રેમનો પડઘો સંભળાતો નથી ? કેટલાક આ ઋણને સ્વીકારે છે અને કેટલાક નહીં પણ સ્વીકારે, પરંતુ જાગૃત વાચક આ પવન ક્યાંથી ફુંકાયો તેને સમજવામાં નિષ્ફળ નહીં જાય. સ્વામીજીએ કદીએ પોતાના નામ, યશની ખેવના કરી ન હતી; પોતાના ગુરુદેવના ઉપદેશો આ રીતે દીર્ઘકાળ સુધી સંભળાય અને એની પ્રશંસા થાય એવા આધ્યાત્મિક વાતાવરણને જોઈને સ્વામીજી ખૂબ ખુશ થશે.

એમની વક્્તૃત્વ શક્તિની વાત બીજું કોણ વર્ણવી શકે ? એમના એક ગુરુભાઈએ આ વાત આ શબ્દોમાં કહી છે, ‘એમની વાણી મરેલાંને પણ ફરીથી જીવતાં કરી દે છે.’ એવી તો અગ્નિમંત્ર સમી અને ઉત્સાહ પ્રેરક હતી એમની વાણી ! એમણે પોતાનાં વક્તવ્યો અને વાર્તાલાપોમાં પોતાનો પ્રાણ રેડી દીધો હતો. તેઓ પોતાના શ્રોતાઓને અદ્વૈતના ઐક્યની અલૌકિક ઊંચાઈએ લઈ જતા, ત્યાં સર્વ કંઈ નેતિ નેતિ બની જતું અને ત્યાં દ્વૈતનો નહીંવત્ શ્વાસ રહેતો. એમના એક બીજા ગુરુબંધુએ એમની આ વક્તૃત્વ શક્તિને વાસ્તવિક રીતે આ શબ્દોમાં રજૂ કરી છે, ‘એમની વાણી માત્ર અક્ષરો ન હતા, પણ એમાં તો પ્રાણ પોતે જ ધબકતો હતો !’ દરેકે દરેક નિષ્ઠાવાન વાચક પોતાના અનુભવથી આ વિધાનની કસોટી કરી શકશે.

વિજ્ઞાન અને ધર્મ, તર્કબુદ્ધિ અને શ્રદ્ધા, પરમપવિત્ર અને વૈશ્વિક, આધુનિક અને પ્રાચીન, પૂર્વ અને પશ્ચિમ વિશેનો એમનો સંદેશ ઐક્ય સાધનારો બની ગયો. તેઓ પોતે પણ આવા ઐક્યના મૂર્તિમંતરૂપ હતા. એમનાં જીવન અને સંદેશે માનવ સભ્યતાના ઇતિહાસના એક નવા યુગમાં પ્રવેશવા માટે આવશ્યક પ્રેરણા અને બળ આપ્યાં છે.

આજની આપણી વિષમ પરિસ્થિતિમાં એમનો શક્તિ, શ્રદ્ધા, સામર્થ્ય અને ઐક્યની ભાવનાનો સંદેશ અત્યંત આવશ્યક છે.

સ્વામી વિવેકાનંદનો એ મહાપ્રાણ કે જેણે સમગ્ર ભારતને જાગૃત કર્યો તેમજ પૂર્વ અને પશ્ચિમને એક તાંતણે બાંધી દીધાં તે આપણને ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ ના મહાન કાર્યને આચરવા તેમજ સમર્પણની ભાવના માટે સદૈવ પ્રેરે એવી અભિલાષા.

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.