સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવસંમેલનમાં રામકૃષ્ણ મિશન, ઇંદોરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી મહારાજે આપેલ મૂળ હિન્દી પ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)

નરેન ગરીબો માટે આક્રંદ કેમ કરતા હતા ?… જ્યારે અલમોડામાં તેઓ ધ્યાનમાં બેસવા ગયા ત્યારે તેમની બહેને આત્મહત્યા કર્યાના સમાચાર તેમને મળ્યા હતા. તેથી તેમનું હૈયું સ્ત્રીઓની અવદશા પ્રત્યે કકળી ઊઠ્યું. સ્ત્રીઓની સ્થિતિ વાસ્તવમાં તેવી જ હતી.

સ્વામીજી એટલે જ ભારતને પ્રેમ કરતા હતા. જે કંઈ આદર્શ છે, વારસામાં આપણને જે કંઈ મળ્યું છે તે બધું ભારતમાં જ સંભવિત છે. આપણે તેના વારસદારો છીએ. જો આપણે તે આદર્શ ગ્રહણ નહીં કરીએ તો બધું નાશ પામશે. પૃથ્વી પર બીજું કોઈ તેને ગ્રહણ કરવાવાળું નથી. એટલે સ્વામીજી કહેતા કે જો આપણે તે વારસાને ગ્રહણ કરીશું તો હિંદુ ધર્મ બચશે. જો ધર્મ બચશે તો માનવતા બચવાની છે. જો હિંદુ ધર્મ નાશ પામશે તો માનવતા મરી પરવારશે. પરંતુ આવું કેમ નહીં બને ? કારણ કે અહીં એક એકથી ચઢિયાતાં જીવનવૃત્તાંત છે.

…સ્વામીજી આપણને કેવા બનવાનું ઇચ્છતા હતા ? આપણી પાસે શી અપેક્ષા રાખતા હતા ? એક વાર્તા છે :

જૂના સમયમાં જ્યારે શિકાર કરવા જાય ત્યારે રાજા જળાશય નજીક વૃક્ષ પર ચઢીને બેસે અને જો કોઈ જાનવર પાણી પીવા માટે આવે તો તેનો શિકાર કરે. જાનવરના પાણી પીવાનો અવાજ સંભળાતાં અવાજની દિશામાં તીર ચલાવાતું. આવી રીતે એક વખત સાંજનો સમય હતો. અંધારું થયું હતું. એક રાજા જળાશય તટે વૃક્ષ ઉપર માંચડો બનાવીને તેના પર હાથમાં ધનુષ-બાણ લઈને બેઠો હતો. તેટલામાં પાણીમાંથી બૂડ… બૂડ… એવો અવાજ આવ્યો. રાજાએ વિચાર્યું કે અવશ્ય કોઈ જંગલી પશુ પાણી પીવા આવ્યું છે અને તેણે બાણ છોડ્યું. બાણ છોડતાં જ અવાજ સંભળાયો ‘આહ.. આહ..’ ‘અરે આ તો મનુષ્યનો અવાજ ! શું મેં માનવહત્યા કરી? મનુષ્ય પર બાણ છોડ્યું ?’ રાજા ત્વરાથી વૃક્ષ હેઠે ઊતર્યો અને જલદીથી દોડતો જળાશય પર પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો એક ઋષિકુમાર કે જેણે મૃગચર્મ પહેર્યું હતું તેની છાતીમાં બાણ ઘૂસી ગયું છે અને બોલી રહ્યો છે, ‘પિતા.. પિતા..’ એ ધરાશાયી થયો છે અને રક્ત વહી રહ્યું છે. રાજાના તો હોશકોશ ઊડી ગયા. તેનાથી ઋષિહત્યા થઈ, માનવહત્યા થઈ. આ મેં શું કર્યું ? રાજા એટલો ભયભીત થયો કે ડરનો માર્યો ધ્રૂજતો ધ્રૂજતો પોતાના રાજ્યમાં પાછો ફર્યો. મહેલમાં ગયો. મંત્રીને બોલાવ્યો. મંત્રીને કહ્યું કે આવી ઘટના બની છે. હવે હું શું કરું ? મંત્રીએ પૂછ્યું કે આપે જોયું નહીં કે આસપાસ આશ્રમ છે… આપે ભૂલ કરી નાખી છે. કોઈ વાંધો નહીં. સવાર થતાં આપણે જઈશું. સવાર પડતાં અજવાળું થયું અને રાજા તથા મંત્રી બન્ને ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો ઋષિકુમાર ન હતો, કોઈ મૃતદેહ પણ ન હતો. રાજા વધુ ભયભીત બન્યો. મંત્રીએ કહ્યું કે વાંધો નહીં, ચાલો જોઈએ. આસપાસ જોયું, ક્યાંય કુટિર દેખાય છે કે નહીં ? તેવામાં ઘાસની કુટિર દેખાઈ. ત્યાં જઈને જોયું તો એક આશ્રમ હતો અને કેટલીક કુટિરો પણ હતી. ત્યાં પ્રાંગણમાં દસ, બાર ઋષિકુમારો રમતા હતા. રાજાએ કહ્યું કે આમાંનો તે એક હતો… રાજા હાથ જોડીને ચાલી રહ્યો છે. એક ઋષિકુમારે સામે આવીને કહ્યું, ‘પધારો. આપનું સ્વાગત છે. આપને શું જોઈએ ?’ રાજાએ પૂછ્યું કે આ કોનો આશ્રમ છે ? ઋષિકુમારે જણાવ્યું કે આશ્રમ ઋષિનો છે અને બધા કુમારો ત્યાં ભણે છે. રાજાએ કહ્યું કે અમારે તે ઋષિને મળવું છે. આવું કહેતાં જ રાજાને અંદર લઈ જઈને બેસાડ્યા. ઋષિ આવ્યા. જેવા ઋષિ આવ્યા કે રાજાએ દંડવત્ પ્રણામ કર્યા અને કહ્યું, ‘મને ક્ષમા કરો અને અભયદાન બક્ષો.’ ઋષિએ પૂછ્યું કે શું વાત છે ? રાજાએ કહ્યું, ‘મારાથી મોટો અપરાધ થઈ ગયો છે અને હું આપની પાસે ક્ષમાયાચના કરવા આવ્યો છું. આપ મને અભયદાન આપો.’ ઋષિએ કહ્યું, ‘અહીં તો સદૈવ અભય જ છે. પરંતુ વાત શું છે?’ રાજાએ કહ્યું, ‘અજ્ઞાનવશ મેં એક ઋષિકુમારની હત્યા કરી દીધી છે. હું શિકાર માટે એક ઝાડ પર બેઠો હતો, સાંજનો સમય હતો. મેં શબ્દવેધી બાણ માર્યું અને એક ઋષિકુમારની હત્યા થઈ.’ ઋષિએ સ્મિત કરીને કહ્યું, ‘બેસો’. ઋષિએ એક કુમાર દ્વારા કોઈકને બોલાવવા કહ્યું. થોડીવારમાં એક કુમાર આવ્યો જેની છાતીમાં નાનકડો ઘા હતો. ઋષિએ પૂછ્યું, ‘શું આ તે જ બાળક છે?’ રાજાએ પણ તેને જોઈને કહ્યું, ‘હા, આ તે જ બાળક છે. આના પર મેં બાણ ચલાવ્યું હતું. પણ હું સમજ્યો કે તે મૃત્યુ પામ્યો છે. તેટલા માટે જ હું અભયદાન માગતો હતો. પરંતુ ઈશ્વરકૃપા છે કે તે મૃત્યુ નથી પામ્યો.’ ત્યારે ઋષિએ કહ્યું, ‘મહારાજ ! આ ઋષિપુત્રો આમ પશુઓની જેમ મરણને શરણ થવા જન્મતા નથી. કોઈએ ભૂલથી માર્યું અને અમે મરી ગયા એવું નથી… આપણને વારસામાં જે જ્ઞાન મળ્યું છે, જે જીવનદર્શન મળ્યું છે તેવી રીતે જીવન જીવતાં માણસ પોતાની ઇચ્છા મુજબ મરે છે…’

ભીષ્મનું નામ સાંભળ્યું છે ? ઇચ્છામૃત્યુથી તેઓએ દેહત્યાગ કર્યો હતો. પૂર્વકાળમાં આવા મનુષ્યો હતા. આપણે જે દુર્યોધન, દુર્યોધન એમ રટીએ છીએ તે તો માત્ર નામ જ રટીએ છીએ. ‘જાનામિ ધર્મમ્’ એ દુર્યોધનનો ઉચ્ચારાયેલો શ્લોક છે. તેવો દુર્યોધન પણ પાંચ કલાક સુધી જળમાં પ્રાણાયામ કરીને બેસતો. એવો દુષ્ટ માણસ પણ આવો પ્રાણાયામ જાણતો હતો. તે પણ એક યોગી હતો. આવા દુષ્ટ લોકો પણ એવી રીતે મહાન હતા. રાવણ કંઈ સામાન્ય માણસ ન હતો અવશ્ય તે દુષ્ટ હતો, સીતામાતાનું અપહરણ કર્યું હતું. પરંતુ તે ઘણો શક્તિમાન હતો, બળવાન હતો. સ્વામીજી તો મેઘનાદને પ્રેમ કરતા હતા, ઇન્દ્રજીતને પ્રેમ કરતા હતા…

સ્વામીજી બળના ઉપાસક હતા. તેઓ વારસામાં આપણી પાસે તેવું જ ઇચ્છતા હતા… આપણા ઋષિઓમાં એવું સામર્થ્ય હતું કે તેઓ પોતાની ઇચ્છાથી પોતાનો દેહત્યાગ કરતા હતા… જો સ્વામીજીની વાત માનીને તેવું જીવન જીવીએ તો તે આપણી સંસ્કૃતિ અનુસારનું જીવનદર્શન બનઈંે.

જીવનમાં કંઈક આત્મસાત્ કરો, કંઈક આચરણ કરો. આપણે થોડું કંઈક આચરણ કરવું પડશે. જો થોડુંક પણ આચરણમાં નહીં મુકાય તો આ ઉચ્ચતર વાતો જીવનમાં પ્રાપ્ત નહીં થાય. થોડુંકેય આચરણમાં મૂકવું પડશે, થોડોક ત્યાગ કરવો પડશે. જો થોડોક પણ ત્યાગ જીવનમાં આવ્યો તો ઉચ્ચતર બાબતો આપણા જીવનમાં આવી જશે, સ્વયં જ આવી જશે.

એક મહાન પંડિત હતા, જ્યારે તેઓ રાજદરબારમાં પ્રવેશતા ત્યારે રાજા અને બધા દરબારી તેમના સન્માનમાં ઊભા થઈ જતા. એક વખત તેમના મનમાં સંશય થયો કે મારું જે આટલું જ્ઞાન છે, આટલી જે વિદ્વત્તા છે, હું બધાં શાસ્ત્રોનો જેવો જ્ઞાતા છું – શું લોકો આના માટે મને સન્માન આપે છે ? અથવા શું હું સાદગીથી જીવું છું તેના માટે મારું સન્માન થાય છે ? શું શ્રેષ્ઠ છે ? જ્ઞાન કે આચરણ? પંડિતના મનમાં સંદેહ થયો. તેઓ જ્ઞાની તો હતા જ, વળી જીવન પણ સાદગીપૂર્ણ હતું. જુઓ, જ્યારે પણ મનમાં સંશય ઊભો થાય છે ત્યારે સંશય ટળે નહીં ત્યાં સુધી શાંતિથી સૂઈ શકાતું નથી. ચાર, પાંચ દિવસથી તેઓ સંશયગ્રસ્ત હતા. તેઓએ વિચાર્યું કે હું જ્ઞાની તો છું જ, હવે આચરણ કરી જોઉં તો આનો ઉકેલ મળે.

એક દિવસે દરબાર બરખાસ્ત થયા બાદ તેઓ કોષાગાર તરફ ગયા. ત્યાં પહોંચતાં જ કોષાગારના મુખ્ય અધિકારીએ તેમને પ્રણામ કર્યા. ત્યાં જોયું તો સુવર્ણમુદ્રઓ પડી છે, સોના વગેરેના સિક્કા પડ્યા છે. તેથી તેમણે એક મુઠ્ઠી ભરીને સિક્કા ઉઠાવી લીધા અને ખિસ્સામાં મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા. કોષાધિકારીને આશ્ચર્ય થયું કે પંડિતે આ શું કર્યું. બીજા દિવસે પણ પંડિત ત્યાં આવ્યા, બે મુઠ્ઠી સુવર્ણના સિક્કા ઉઠાવ્યા, ખિસ્સામાં મૂક્યા અને ચાલવા માડ્યા. કોષાધિકારી આંખો ફાડીને જોઈ રહ્યો કે આ પંડિત કેવા છે. પરંતુ કંઈ કહ્યું નહીં. ત્રીજે દિવસે પણ પંડિતજી ત્યાં આવ્યા અને સોનાના સિક્કા ઉઠાવ્યા. જેવા તેમણે સિક્કા ઉઠાવ્યા કે કોષાધિકારીએ વિચાર્યું કે આજે પણ જો હું છોડી દઉં તો તે યોગ્ય ન ગણાય. જરૂર ક્યાંક ગડબડ છે ! તેણે પંડિતના હાથ પકડ્યા અને દરબારમાં ગયા અને રાજાને કહ્યું, ‘મહારાજ, આજે ત્રીજો દિવસ છે. સમજમાં આવતું નથી કે પંડિતે પહેલા દિવસે એક મુઠ્ઠી સોનાના સિક્કા ઉઠાવ્યા, બીજે દિવસે બે મુઠ્ઠી સોનાના સિક્કા ઉઠાવ્યા અને આજે પણ તેવી રીતે બન્ને હાથની મુઠ્ઠી ભરીને સિક્કા લઈ જઈ રહ્યા હતા. મારું કર્તવ્ય છે એટલા માટે મેં તે બે દિવસના સિક્કા પંડિતે ઉઠાવ્યા હતા તે, મારી બચતને રાજકોષમાં ઉમેરીને ખાધ સરભર કરી. પરંતુ આજે મારી પાસે તેટલી બચત ન હતી કે તેને નાખીને હું પંડિતને બચાવી લઉં.’ જુઓ, આ પણ એક માર્ગ છે. કોઈને ફસાવવા પૂર્વે આપણે પહેલાં તેને કેવી રીતે બચાવવો છે તે વિચારવું જોઈએ. કોઈને ફસાવવું સહેલું છે, પરંતુ બચાવવું કઠિન છે. બચાવવા માટે ત્યાગ કરવો પડે. આવું જોઈને રાજા આશ્ચર્ય ચકિત થયા. આવડા મોટા પંડિત અને આવું આચરણ ! રાજા બોલ્યા કે આજે પંડિતને ઘેર જવા દો, સોનાના સિક્કા લઈ લો. કાલે તેનું નિરાકરણ કરીશું. પંડિતજી બીજા દિવસે આવ્યા. ઘટના બધે જ ફેલાઈ ગઈ હતી. બધા દરબારીઓ આવ્યા. રાજાએ પંડિતને કહ્યું કે જુઓ તમે અમારા આદરણીય છો, શ્રેષ્ઠ છો પણ વગર રજાએ રાજકોષમાંથી ધન ઉઠાવ્યું તે તમારો નૈતિક અપરાધ છે. તે માટે તમને દંડ કરવો અને શિક્ષા કરવી તે અમારું અનિવાર્ય કર્તવ્ય છે. પરંતુ શું કરી શકાય ? કેવો દંડ કરવો તે સમજમાં આવતું નથી. દરબારીઓને પૂછ્યું કે આ અંગે તમે શું કહો છો ? એક વ્યક્તિએ કહ્યું કે પંડિત અહીં બધા સમક્ષ અપમાનિત થયા છે તે પૂરતું છે. બીજાએ કહ્યું કે તેઓ અપમાનિત થયા છે તે પૂરતું નથી. બીજાઓ સમક્ષ દાખલો બેસાડવા શિક્ષા કરવી આવશ્યક છે. તો જ શાસન યોગ્ય રીતે ચાલશે. તેઓનો એક હાથ કાપી નાખો જેથી પંડિતજી કાયમ માટે યાદ રાખશે અને બધા લોકોને શિખામણ મળશે. રાજાએ કહ્યું કે બધા લોકો જો આવું ઇચ્છતા હો તો હું આદેશ કરું છું કે પંડિતનો જમણો હાથ કાપી નાખવામાં આવે. આવો આદેશ સાંભળીને પંડિત ખિલખિલાટ હસવા લાગ્યા અને બોલ્યા કે સમજી ગયો, સમજી ગયો ! રાજા સહિત બધો દરબાર હસવા લાગ્યો. બધા આશ્ચર્યમાં પડી ગયા. રાજાએ પૂછ્યું, ‘અરે પંડિતજી તમે અત્યાર સુધી કંઈ બોલતા ન હતા અને ચૂપ બેઠા હતા. આવો અપરાધ કર્યો તે શું છે ? પંડિતે કહ્યું, ‘મહારાજા, મને પ્રશ્ન થયો હતો કે મારું જ્ઞાન શ્રેષ્ઠ છે કે મારું આચરણ ? હવે હું સમજી ગયો છું કે જ્ઞાન કરતાં આચરણ શ્રેષ્ઠ છે, કેમ કે મને પ્રણામ કરવાવાળા અને માન આપવાવાળા હતા તેમણે અપરાધ બદલ હાથ કાપવાની સજા કરી. તેનો મતલબ કે જીવનમાં જ્ઞાન તો છે પણ તેની સીમા છે. જ્ઞાનની તુલનામાં આચરણ શ્રેષ્ઠ છે.’ જો આપણે આચરણમાં નાની શી બાબત લાવીએ તો તે આપણને ઘણા મહાન બનાવી દે છે, જો આપણે આચરણમાં એક ભૂલ કરીએ તો તે આપણને નષ્ટ-ભ્રષ્ટ કરી દે છે.

…રામલીલા વાસ્તવિકપણે આપણા હૃદયમાં છે. સ્વામીજી પણ કહેતા કે જ્યાં સુધી પૃથ્વી પર પાંચ વ્યક્તિ રહેશે ત્યાં સુધી મા જાનકીનું નામ રહેશે. સીતામાતાનું ચરિત્ર્ય એવું છે કે જેને ભૂલી ન શકાય. રામચરિતમાનસમાં એક પ્રસંગ છે…

હનુમાનજી સીતાની શોધમાં લંકા પહોંચે છે, સીતાને મળે છે અને તેમને સાંત્વના આપ્યા બાદ પાછા ફરતા લંકા બાળે છે. લંકા બાળ્યા પછી તેઓ શ્રીસીતા પાસે જ્યારે જાય છે ત્યારે કહે છે કે હે માતા હવે હું શ્રીરામ પાસે જાઉં છું. શ્રીરામ માટે આપ કંઈક આપો કે જે જોઈને શ્રીરામ જાણે કે હું આપને મળીને આવ્યો છું. ત્યારે શ્રીસીતાએ તેમને પોતાનો ચૂડામણિ આપ્યો અને કહ્યું કે બેટા, રામને આવા પ્રણામ કહેજો. એવું કહીને સીતાજીએ તેમનું મસ્તક ભૂમિને અડકાડીને પ્રણામ કર્યા. આ છે આપણી સંસ્કૃતિ !… હનુમાનજીએ કહ્યું, ‘હે માતા, આપ ધીરજ ધરો, અમે શીઘ્ર આવી શું.’ સ્વામીજી કહે છે કે આવા હનુમાનજી આપણો આદર્શ છે.

હનુમાન ચરિત આપણો આદર્શ છે. હનુમાનની નિરાભિમાનિતા તો જુઓ ! હનુમાનને કંઈ જ અભિમાન નથી. જ્યારે ચૂડામણિ લઈને હનુમાનજી શ્રીરામ પાસે જાય છે અને શ્રીરામને ચૂડામણિ આપે છે ત્યારે શ્રીરામ ગદ્ગદ થઈ જાય છે. ત્યાં લક્ષ્મણ, સુગ્રીવ ઈત્યાદિ બેઠા છે. ત્યારે શ્રીરામ હનુમાનને પૂછે છે કે હનુમાન, તમે લંકા કેવી રીતે બાળી ? આવડી મોટી લંકા ! આવો બળવાન રાવણ ! તમે લંકા કેવી રીતે બાળી ? હનુમાને પ્રત્યુત્તર આપ્યો કે મેં ક્યાં બાળી છે ? તે તો રાવણના પાપે બળી છે, વિભીષણના જપે બળી છે, વિભીષણ આપનો ભક્ત છે. તેના જપબળથી લંકા બળી. વળી, સીતામૈયાના સંતાપે લંકા બળી. ખરું તો આપના પ્રતાપે લંકા બળી. હવે કંઈ ? હા મારા બાપે બળી. હનુમાનના પિતા કોણ? વાયુદેવ. જે અગ્નિ પ્રજવલ્લિત હતો તેને વાયુદેવે ચોતરફ ફેલાવ્યો. આમ લંકા રાવણના પાપે, વિભીષણના જપે, સીતાના સંતાપે, મારા બાપે અને હે રામ ! આપના પ્રતાપે બળી. આમ હનુમાને એમ ન કહ્યું કે લંકા મેં બાળી. બધું જ શ્રેય બીજા બધાને આપ્યું. આવા છે હનુમાનજી ! એટલા માટે તેમનો આદર્શ સ્વામીજી લે છે. આજે આપણો કોઈ આદર્શ હોય તો તે હનુમાનજી છે. બ્રહ્મચર્ય, પવિત્રતા, સેવા અને નિરાભિમાનીતા – ચારિત્ર્ય માટે આટલું પૂરતું છે…

આજે પણ સ્વામીજી જીવિત છે અને હજુ ૧૫૦૦ વર્ષ સુધી જીવિત રહેશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે હું જે સંદેશ આપીને જાઉં છું તે ૧૫૦૦ વર્ષ સુધી ચાલશે. તો હજુ સમય વીતી ગયો નથી, ઘણુંય કરવાનું બાકી છે. શીઘ્રતયા કરો અને પરિણામ જુઓ.

સ્વામીજી આપણને એવી શક્તિ બક્ષે કે જેથી તેઓ જેવું ઇચ્છતા હતા તેવું સૃજન થાય.

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.