સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી સેંટ લુઈસ, અમેરિકાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ચેતનાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)

સ્વામી વિરજાનંદજી કહે છે : ‘જ્યારે અમે સાંભળ્યું કે સ્વામીજી માયાવતી આવે છે ત્યારે સ્વામી સ્વરૂપાનંદે મને કહ્યું, ‘‘સ્વામીજી આવે છે, પણ આપણે એમને શું ખવડાવીશું ? ગામમાં જાઓ અને જે કંઈ ચીજવસ્તુ મળે તે લઈ આવો.’’ શિયાળો હતો અને કડકડતી ઠંડી. હું દૂર ટેકરી પરના એક ગામમાં ગયો અને ત્યાંથી એક જંગલી થોર જેવા ઝાડનાં કાચાં ફળ લઈ આવ્યો. એનો ગર અને થોડાં શાકભાજી પણ લાવ્યો. મેં એને સમાર્યા અને એમને રાંધવામાં મદદ કરી.’

સ્વામીજી આવ્યા અને વિરજાનંદે એમની આગતા સ્વાગતા કરી. પ્રથમ બે રાત્રિ સુધી સ્વામીજી ઉપરના માળે સૂતા પણ ઠંડી ખૂબ હતી, ત્રીજે દિવસે ભોંયતળિયે લાકડાની ભઠ્ઠીના તાપ પાસે સૂતા.

વિરજાનંદજી આગળ કહે છે : ‘એ વખતે હું મારી ફરજોમાં રત હતો. આશ્રમના મકાનની પાછળ માયાવતીનું છાપખાનું હતું અને મારે ‘પ્રબુદ્ધ ભારત’ના બધા લેખો બીબામાં ગોઠવવાના હતા. મને સ્વામીજીની સાથે વાતચીત કરવાની તક ન મળી. તેઓ વિશિષ્ઠ સજ્જનોથી હંમેશાં ઘેરાયેલા રહેતા. એક દિવસે મેં એમને પુસ્તકાલય ખંડમાં ધીમેથી ચાલતા અને વક્તવ્ય આપતાં જોયા. માતા સેવિયર અને બીજા શાંતિથી સાંભળતા હતા.

સ્વામીજીએ માયાવતીમાં ‘આર્યન્સ એન્ડ તામિલિયન્સ’ અને ‘સ્ટ્રે રિમાર્કસ ઓન થિયોસોફી’ નામના બે લેખો લખ્યા. મેં એ લેખોને છાપકામ માટે ગોઠવ્યા અને તેનું પ્રૂફ તેમની પાસે લઈ ગયો. તેઓ એ બધું વાંચવા માંડ્યા.’ (બહુરૂપે વિવેકાનંદ : લે. સ્વામી ચેતનાનંદ પૃ. ૨૪૧-૪૨)

૧૯૭૬માં મેં (લેખકે) રીજલીની મુલાકાત લીધી અને ફ્રાન્સિસ લેગેટનાં પુત્રી ફ્રેન્સેસ લેગેટને મળ્યો. તેમને મારા પ્રત્યે ભાવ હતો અને એમણે મને સ્વામીજીના મિત્રોએ લખેલા ઘણા પત્રો આપ્યા. એમની યોજના સ્વામીજીના પત્રોનું એક પુસ્તક સંપાદિત કરવાની હતી પણ એ કાર્ય સાકાર ન થયું. આમ છતાં પણ એમણે ‘લેઇટ એન્ડ સૂન’ નામનું પોતાના કુટુંબના ઇતિહાસનું અને તેમાં સ્વામી વિવેકાનંદનું એક મુખ્ય પાત્ર રહે એવું પુસ્તક લખ્યું. જ્યારે શ્રીમતી લેગેટ ૧૯૭૭માં મૃત્યુ પામ્યાં ત્યારે મેં તેના પુત્ર ફ્રેંક માર્ગેશનને એક આશ્વાસનનો પત્ર લખ્યો અને એ પણ વર્ણવ્યું કે સ્વામીજીએ એક વખત તેની માતાના માથે પોતાનો હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. મેં એ પણ જણાવ્યું કે એક વખત સ્વામીજીએ તેમના શિષ્ય સ્વામી સ્વરૂપાનંદજીને કહ્યું હતું, ‘સ્વરૂપ, તું અહીં જો, હું જ્યારે કોઈના માથા ઉપર હાથ મૂકું છું ત્યારે એ વ્યક્તિએ કોઈપણ બાબતની ચિંતા કરવાની રહેતી નથી.’

મારો પત્ર તેમને કેવો લાગ્યો એ વિશે જણાવવા ફ્રેંક અને તેની બહેન ગેય્ ચાર્ટરીસે લખ્યું હતું. ગેય્ે એ પણ વર્ણવ્યું હતું કે જ્યારે તેમનાં માતા હોસ્પિટલમાં મૃત્યુ પામ્યાં ત્યારે તેનાં ઓશીકા નીચે ‘મેડિટેશન એન્ડ ઇટ્સ મેથડસ્ એકોર્ડિંગ ટુ સ્વામી વિવેકાનંદ’ નામના પુસ્તકની એક નકલ હતી. આ નકલ મેં એમને ભેટ આપી હતી.

ફ્રાંસેસ લેગેટે એ આશીર્વાદ માટે પછીથી લખ્યું હતું : ‘આ ઉનાળામાં (૧૮૯૯) મારા સંતાન ‘ફ્રેન્સેસ’ને આશીર્વાદ મળ્યા.’ આલ્બર્ટાએ એનું વર્ણન કર્યું. એક સવારે તેઓ અને સ્વામીજી મુખ્યખંડમાં બેઠા હતા અને ફ્રેન્સેસ-બાળકી હાથમાં થોડાં ફૂલો લઈને આવી અને સ્વામીજીને અર્પણ કર્યાં. તેમણે ગંભીરતાથી કહ્યું, ‘અમારા ભારતમાં અમે પુષ્પો અમારા શિક્ષકોને આપીએ છીએ…’ અને પછી એમણે કેટલાક સંસ્કૃત શબ્દો ઉચ્ચાર્યા. (લેઈટ એન્ડ સૂન : લે. ફ્રેન્સેસ લેગેટ પૃ. ૧૧૫)

૧૮૯૯ની પાનખરમાં સ્વામી વિવેકાનંદ રીજલીમાં વિશ્રામ કરતા હતા. તેઓ ક્યારેક બાળકો સાથે રમતા પણ ખરા. હોલિસ્ટર સ્ટર્જિસ (બેટી લેગેટનો પુત્ર) ત્યારે તરુણ હતો અને સ્વામીજી સાથે મુક્તપણે વર્તતો. તે સ્વામીજી સાથે ગોલ્ફ પણ રમતો. ફ્રેન્સેસ લખે છે : ‘ત્યાં યુવાનો પોતાની મરજી પ્રમાણે આવતા જતા અને સ્વામીજીએ પ્રબોધેલ દિવ્યસત્યની મહાન વાતો પોતાની ભીતર ઝીલતા. હોલિસ્ટર ક્યારેક અભાનપણે મજાક મશ્કરીમાં કહેતો : ‘હું સંન્યાસી બનવા ઇચ્છતો નથી, હું તો લગ્ન કરવા ઇચ્છું છું અને ઘણ્ાં સંતાનો થાય એવી મારી ઇચ્છા છે.’ સ્વામીજીએ એનો જવાબ આપતાં કહ્યું, ‘સારું દીકરા, પણ આટલું યાદ રાખજે કે તેં જે પથ પસંદ કર્યો છે એ કઠિનતર છે.’

૧૯ નવેમ્બર, ૧૯૭૨ના રોજ હોલિસ્ટરના પુત્ર પોલ સ્ટર્જિસે મને લખ્યું, ‘મારા પિતાજીએ મને કહ્યું હતું કે એક દિવસ જ્યારે રીજલી મેનરમાં સ્વામીજી ધ્યાન કરતા હતા ત્યારે તેમને સ્વામીજીના ખંડમાંથી હાસ્યના ફુવારા સંભળાયા. જ્યારે સ્વામીજી બાહ્યભાનમાં આવ્યા ત્યારે મારા પિતાએ તેમને પૂછ્યું, ‘સ્વામીજી, તમે ઓરડામાં કોની સાથે વાતો કરતા હતા.’ સ્વામીજીએ કહ્યું, ‘હું તો એકલો ધ્યાનમાં બેઠો હતો.’ આ સાંભળીને મારા પિતાએ ફરીથી પૂછ્યું, ‘તો પછી ત્યાં હાસ્ય કેમ સંભળાતું હતું ?’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘અરે, ઈશ્વર ઘણ્ા મજાકિયા વ્યક્તિ છે !’

હું જ્યારે નાનો હતો ત્યારે બ્રહ્માંડ અને ઈશ્વરના અસ્તિત્વ વિશે મારા પિતાને ઘણું પૂછતો. મારા પિતા મને કહેતા, ‘દીકરા, મેં એ વિશે ક્યારેય વિચાર્યું નથી, પણ હું માનું છું કે ઈશ્વર છે, કારણ કે સ્વામીજીએ મને એવું કહ્યું છે.’ (ક્રમશ 🙂

Total Views: 198
By Published On: December 1, 2013Categories: Chetanananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram