સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સીલ સ્કોલર અને લ્યાલપુર ખાલસા કોલેજ જલંદરના ભૂતપૂર્વ પ્રાચાર્ય અને હાલ ડી.એ.વી.યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. સતીશ કપૂરના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)

માહિતી-જ્ઞાનનો ફળદાયી રૂપે ઉપયોગ કરવા તેને પચાવવું, જાણવું જોઈએ અને એને સામાજીક કાર્યમાં મૂર્ત સ્વરૂપ આપવું જોઈએ. કોઈપણ વ્યક્તિનાં કે માનવ સમૂહનાં શાણપણ-જ્ઞાન, સમગ્ર સમાજનાં બનવાં જોઈએ. આવા સમાજે અને વિશાળ ભાવવાળા વ્યક્તિએ બીજા બધા સમાજને પોતાના મૂળભૂત-પ્રાકૃતિક ગુણધર્મોને વિકસાવામાં સહાય કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદના ‘જીવન ઘડતર’ અને ‘માનવ ઘડતર’ના વિચારો માનવના ચારિત્ર્ય ગઠનના સિદ્ધાંતો અને આચાર પર આધારિત છે. માનવ પ્રકૃતિની સૌથી વધારે ઉદાત્ત ગુણવત્તાઓને કેળવવી, મનનાં નિમ્નતમ વલણોને રોકવાં; આત્મસંયમ, ઉદારતા, નિ :સ્વાર્થ ભાવનાને વિકસાવવાં અને સમાજને ઉપયોગી થવું, એટલે ચારિત્ર્યનું ઘડતર કરવું. ચારિત્ર્ય ઘડતર માટે પોતાના પ્રત્યેનું સતત સચેત નિરીક્ષણ અને જીવનમાં ઉચ્ચતર ધ્યેયોની પાછળ લાગી જવાની ધગશ જરૂરી છે.

માનવ બનવું એટલે પ્રાણીની સહજવૃત્તિઓનું અનુસરણ જ નહીં, પરંતુ ‘સ્વતંત્ર રીતે વિચારવું અને કાર્ય કરવું’ એ છે. સાથે ને સાથે બીજાનું આંધળું અનુકરણ કરવું એ નથી ! સ્વામી વિવેકાનંદે અનુભવ્યું હતું કે પોતાના દેશબાંધવોમાં પુરુષાતનનો અભાવ છે; કોઈપણ પરિસ્થિતિ સાથે નમતું ન જોખવાનો કે તેને તાબે ન થવાની ભાવનાનો અભાવ છે; આખા રાષ્ટ્રનું ચારિત્ર્ય-વ્યક્તિત્વ ‘શિશુ સહજ અવલંબન’ જેવું છે, એમ એમને સમજાઈ ગયું હતું. ૧૨ જાન્યુઆરી, ૧૮૯૫ના રોજ આલાસિંગા પૅરુમલને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે :

‘એમના મોં પાસે કોઈ કોળિયો લાવે તો તેનો આનંદ માણવા તૈયાર છે અને કેટલાક તો એને અંદર ધકેલી દે, એ જોવા રાજી છે.’

સ્વામી વિવેકાનંદની પુરુષત્વની સંકલ્પના વેદાંતપ્રેરિત છે. વેદોમાં ‘શક્તિ, ભવ્યતા-ઉત્કૃષ્ટતા, આરોગ્ય અને … નિર્ભયતા અને અમરતાની’ પ્રાર્થનાઓ ભરપૂર ભરી છે, એને લીધે માનવ પોતાની જાતને પરિપૂર્ણ કરી શકે છે. ‘મેં તમારી આ પાવનકારી પ્રાર્થનાઓ ગાઈ છે, હે ઈંદ્ર ! માનવોને પુરુષત્વ આપો, સ્વર્ગમાં, મધ્ય-અવકાશમાં કે આ ધરતી પર હોય એવાં અમને બધાંને પુરુષત્વ અમને આપો.’ આ વૈદિક અભ્યર્થનાઓને સ્વામીજીની આ વાણી સાથે સરખાવી જુઓ :

‘હે ગૌરીપતે ! હે જગજ્જનની અંબે ! તું મને મનુષ્યત્વ આપ ! હે સામર્થ્યદાયિની માતા ! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ, અને મને મર્દ બનાવ !’

આ પુરુષત્વ દેહના માંસ – મગજ – સ્નાયુઓ માટે મહત્ત્વનું છે, એટલા જ પ્રમાણમાં મનની પવિત્રતા અને આત્મબળ માટે પણ આવશ્યક છે. આ પુરુષત્વ કોઈપણ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવામાં, સાહસ અને મનોબળ પ્રગટ કરવામાં, ધૈર્ય અને ખંતમાં દૃઢપણે ઊભું રહે છે. ૧૮૯૫ની ૧લી જુલાઈના રોજ અમેરિકાથી આલાસિંગા પૅરુમલને લખેલા એક પત્રમાં સ્વામીજીએ લખ્યું છે :

‘વત્સ ! હું જાણું છું કે મારે ત્યાં આવીને તમારામાંથી ‘મનુષ્યો’ ઉત્પન્ન કરવા પડશે. હું જાણું છું કે ભારતવર્ષમાં કેવળ સ્ત્રીઓ અને નામર્દાે જ વસે છે. આથી ગુસ્સે થશો નહિ… કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી શકે છે. નિર્માલ્ય મનુષ્યો નહિ… બહાદુર બનો, બહાદુર બનો ! માણસ મરે છે માત્ર એક જ વાર. મારા શિષ્યો નિર્માલ્ય ન હોવા જોઈએ.’ (સ્વા.વિ. ગ્રંથમાળા ૪.૪૬૬-૪૬૭)

એમની દૃષ્ટિએ નામર્દાઈ – કાયરતા એટલે શારીરિક રીતે હિંમત અને વીરતાનો અભાવ જ નહીં, પરંતુ ભયની ગ્રંથિને દૂર કરવા જરૂરી જુસ્સો બતાવવાની અશક્તિ પણ છે. એ માનવની અંતરની શક્તિને સાવ નિર્બળ કરી દે છે અને તેને ભીરુ કે નામર્દ બનાવી દે છે. હિંમત વિના કોઈપણ માનવ શારીરિક કે માનસિક રીતે વિકસી ન શકે, એવી સ્વામીજીને સ્પષ્ટ ખાતરી હતી. સ્વામી વિવેકાનંદનો યુવાનોને બળદાયી સંદેશ આ હતો.

‘શારીરિક કે માનસિક બધી નિર્બળતાઓ ખંખેરી નાખો અને ઇચ્છાશક્તિને પ્રબળ બનાવો.’ વિદ્વાન હ્યુગોએ (૧૮૦૨-૧૮૮૫) કહ્યું છે : ‘લોકોમાં સામર્થ્યનો અભાવ નથી, પણ એમનામાં ઇચ્છાશક્તિનો અભાવ છે.’ માનવની પૂર્ણતાના ધ્યેયવાળી કેળવણી જ આ ખામીને દૂર કરી શકે. નૈતિક હિંમત મહાન સદ્ગુણ છે. આ સદ્ગુણને વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના ઉપદેશોનું અનુસરણ કરીને કેળવી શકે. (ક્રમશ 🙂

Total Views: 52
By Published On: December 1, 2013Categories: Satish Kapoor, Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram