શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) – બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ ‘ભવબંધનની બંધન-હારિણી તારિણી.’ એમ કહીને ગંધર્વને શરમાવે એવા મીઠા સ્વરે રામપ્રસાદનું ગીત ઉપાડ્યું :

ગીત

‘શ્યામા મા ઉડાવે પતંગ, (ભવસંસાર-બજારમાંહી)
આશા-વાયુને જોરે ઊડે, બાંધી તેને માયાદોરી …

અસ્થિના બન્યા ઢઢ્ઢાકમાન, ત્વચા કાગળ, ઘણી નાડી,
ત્રણ ગુણોથી નિર્માણ કરીને, કરી બહુ તેં કારીગરી …

વિષયરસનો પાઈ માંજો, કર્કશ તેં બનાવી દોરી;
લાખોમાંથી એક-બે કાપી, હસીને દો મા હાથતાલી …

‘પ્રસાદ’ કહે કૃપા-વાયે, પતંગ જાશે ઊડી;
ભવસાગરને પેલે પાર, તરત જાશે તરી …

‘તે લીલામયી; આ સંસાર તેમની લીલા. એ ઇચ્છામયી, આનંદમયી, લાખોમાંથી એકાદને મુક્તિ આપે.’

બ્રાહ્મભક્ત : ‘મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે, તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે ?’

શ્રીરામકૃષ્ણ : ‘તેની ઇચ્છા. તેની એવી ઇચ્છા છે કે તે આ બધું લઈને રમત કરે. સંતાકૂકડીની રમતમાં ડોશીને પહેલેથી જ અડી જઈએ તો દોડાદોડ કરવી ન પડે એ ખરું, પણ જો બધાં જ પહેલેથી અડી જાય તો રમત ચાલે કેવી રીતે ? જો બધાય અડી જાય તો ડોશીને તે ગમે નહિ. રમત ચાલે તો તેને મજા આવે. એટલા માટે ‘લાખોમાંથી એક-બે કાપી, હસીને દો મા હાથતાળી.’ (સૌનો આનંદ).

તેણે જીવને આંખનો ઈશારો કરીને કહી દીધું છે કે જા, હમણાં સંસાર કરવા જા. તેમાં જીવનો શો વાંક ? મા જો વળી દયા લાવીને મનને વાળી લે તો એ વિષય-બુદ્ધિના સંકજામાંથી છૂટું થાય. એટલે વળી એનું માનાં ચરણકમળમાં મન લાગે.

(શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૧૦૧-૧૦૨)

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.