સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા અને તેમણે રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે મઠ મિશનની જબરી સેવા અને તેનું ઘડતર કર્યું છે. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી સંપાદિત. – સં.

આ જ છે સાચો શિષ્ય !

ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી ટ્રેનમાં જવું પડતું. અને ત્યાર પછી ચાલીને કે ખચ્ચર પર બેસીને કે ડોળીમાં બેસીને ૬૫ માઈલ જવું પડતું. ૨૯મી ડિસેમ્બરે તેઓ કાઠગોદામથી બેસશે, એવો તાર સ્વામીજીએ માયાવતી આશ્રમને કરી દીધો હતો. એમની સાથે સ્વામી શિવાનંદજી અને સ્વામીજીના શિષ્ય સદાનંદ હતા. વિરજાનંદજી તરત જ આજુબાજુના ગામડામાં ફરી વળ્યા અને અથાક પ્રયત્ન પછી જરૂર પડતા મજૂરો લાવ્યા. આ મજૂરોની મદદથી તેઓ ૬૫ માઈલનું પર્વતીય પ્રદેશનું ખાડા-ટેકરાવાળું અંતર બે દિવસમાં કાપીને ૨૮ ડિસેમ્બરની મધ્યરાત્રીએ કાઠગોદામ પહોંચ્યા. બીજે દિવસે સવારે ૫ વાગ્યે સ્વામીજીની ટ્રેઈન આવી પહોંચી.

વિરજાનંદને જોઈને સ્વામીજી ખૂબ રાજી થયા. પછીથી જ્યારે વિરજાનંદજીના મજૂરો મેળવવા માટેના ઉપાયચાતુર્ય વિશે અને બે જ દિવસમાં આટલું લાંબુ અંતર ચાલીને કાપવા વિશે સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પ્રેમ અને ઉષ્માથી કહ્યું, ‘વાહ, વીર, વાહ ! આ જ છે સાચો શિષ્ય !’

વિરજાનંદ સ્વામીજીની તબિયતની ચિંતા કરતા હતા. રસ્તો ઘણો લાંબો, અતિ કઠિન અને જોખમકારક હતો. સાથે ને સાથે હજી પણ સ્વામીજીને તાવની અસર હતી. સ્વામીજીને ડોળીમાં બેસવા કહ્યું અને બીજા કાં તો પગપાળા કે ખચ્ચર પર બેસીને ગયા. હિમાલયના આધ્યાત્મિક, શાંત અને નિર્મળ વાતાવરણમાં ફરીથી આવીને સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા. પહેલે દિવસે તેમણે ૧૭ માઈલનું અંતર કાપ્યું અને એક અતિથિગૃહમાં રાતવાસો કર્યો. બીજે દિવસે વરસાદ અને હળવો હિમપાત શરૂ થયો, પરંતુ યાત્રીઓએ આવા હવામાન છતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. બીજું અતિથિગૃહ હજી થોડા વધારે અંતરે હતું. એ સમય દરમિયાન ડોળી ખેંચનારાઓએ ચા-પાણી અને ધૂમ્રપાન માટે થોડો વિરામ લેવાની વિનંતી કરી. સહાનુભૂતિ અને કરુણાથી સ્વામીજીએ આ વિનંતી માન્ય રાખી. તેઓ દુર્દાન્ત પર્વતીય ડોળી ઉપાડનાર મજૂરોની પ્રકૃતિને કેવી સારી રીતે ઓળખી ગયા ! એક વખત ડોળીવાળા ઊભા રહ્યા બાદ એમને જરાય આગળ ચાલવાની ઇચ્છા થતી ન હતી. એમનો ભય થોડી જ વારમાં સામે આવીને ઊભો રહ્યો. એ સમયે સંધ્યાના અંધારાનો સમય આજુબાજુની પર્વતમાળાને ઘેરતો જતો હતો. વળી પ્રયાસ કરવાની સામે વરસાદ અને હિમપાત પણ ચાલુ હતો. બીજો કોઈ વિકલ્પ જ ન જોતાં રસ્તાની બાજુએ આવેલી એક નાની દુકાનમાં રાત ગાળવાનું નક્કી કર્યું. હિમપાતને લીધે ઠંડી ભયંકર હતી અને નાની દુકાનની અંદરની જૂની પુરાણી આગની ભઠ્ઠી સતત ધુમાડાના ગોટેગોટા ઊડાડતી હતી. ૧૯૦૦ના ડિસેમ્બરની ૩૧મી તારીખ હતી – ૧૯મી સદીની છેલ્લી રાત.

એમની દુર્દશાનો પ્રતિભાવ પાડતાં સ્વામીજીએ એક કિશોરસહજ પુણ્યપ્રકોપ સાથે સ્વામી શિવાનંદજીને સંબોધીને કહ્યું, ‘કાલીકૃષ્ણ એક છોકરો કહેવાય. પણ ભાઈ તારક, તમે તો એક વરિષ્ઠ માણસ છો ! કયા શાણપણથી તમે મને આ પર્વતમાળામાં આવી દુર્દશામાં દોરી ગયા ?’ પછી વિરજાનંદ તરફ ફરીને તેમણે ફરીથી કહ્યું, ‘મને આલમોડા જવાની છૂટ આપ્યા વગર કાઠગોદામથી સીધે સીધા માયાવતી જવા માટે તેં શા માટે વિનંતી કરી ?’

પણ વિરજાનંદ તો દરેક રીતે અને શબ્દસહ વિવેકાનંદના શિષ્ય હતા. તેમણે આ ઉગ્રભાવના શબ્દો શાંતિથી સાંભળી લીધા ને પછી મક્કમતાથી જવાબ આપ્યો, ‘પણ સ્વામીજી, ભૂલ તો તમારી છે. આ પહેલાં પણ મેં આપને પર્વતીય ડોળીવાળા વિશે ચેતવણી આપી હતી. એમાં વળી આપે એમને થોડો વિરામ કરવાનું કહીને તમે તમારી મેળે જ આ બધી મૂંઝવણ ઊભી કરી છે ! જો તેમણે આટલી વાર લગાડી ન હોત તો આપણે રાત પડતાં જ ડાકબંગલે પહોંચી જાત.’

આવા દૃઢ અને હિમ્મતભર્યા શબ્દો સાંભળીને સ્વામીજી તરત જ એક બાળકની જેમ શાંત થઈ ગયા અને વિરજાનંદજીને ઉષ્માભર્યા શબ્દોમાં કહ્યું, ‘વારુ, જે બનવાનું હતું તે બની ગયું. મારા ઠપકાને કાને ન ધરતા. શું એક પિતા પુત્ર પર ગુસ્સે થાય નહીં ? ચાલો, અહીં આપણે હવે ગમે તેમ કરીને રાત કાઢી નાખીએ.’

Total Views: 97
By Published On: December 1, 2013Categories: Virajananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram