સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)

માનવતાવાદ એ નવો આધુનિક મહાઅભિગમ છે. આ અભિગમમાં મૂળભૂત અધિકારોથી વંચિત, અપંગ, નિરાધાર, અને દૂરસુદૂર, વનપ્રદેશમાં રહેતા આદિવાસીઓને પણ એક સરખા અધિકારો છે અને તેમને એક સમાન ગણીને સામાન્ય લોકોને મળતા બધા અધિકારો અને ફાયદાઓમાં પણ તેઓનો સમાન હિસ્સો છે. આવા લોકો કોઈ કરુણા કે દયાની ભીખ માગતા નથી. પરંતુ તેમનાં દરજ્જા, માન, સન્માન સૌએ જાળવવાં જોઈએ. ‘શિવજ્ઞાને જીવસેવા’નો સ્વામીજીએ આપેલો આદર્શ આધુનિક યુગના લોકોને છેવાડે રહેલા કે કોરાણે મૂકી દીધેલા લોકો પ્રત્યે વ્યવહાર કરવામાં સાચું વલણ આપશે.

બીજાં વૈશ્વિક પરિબળોમાં અર્થકારણનું વૈશ્વિકીકરણ, પર્યાવરણની જાગૃતિ, સર્જનાત્મકતા અને નવું નવું કરવાની, શોધવાની દૃષ્ટિનો સમાવેશ થાય છે. આ મહાવલણો અને માહિતી અને જ્ઞાનની ઉત્ક્રાંતિએ આધુનિક યુવાનો માટે સંપત્તિ, સમૃદ્ધિ એકઠી કરવા અને જીવનનો આનંદ માણવા અસંખ્ય તકો ઊભી કરી છે. પરંતુ શાણપણ અને આધ્યાત્મિકતા વિહોણી સમૃદ્ધિમાં થતી વૃદ્ધિ કોઈ પણ વ્યક્તિને અનૈતિકતા અને વિનાશને પથે દોરી જાય છે, એવું આજે બધે જોવા મળે છે. આ કથન રાષ્ટ્ર કે પ્રજા બંને માટે એટલું જ સાચું છેે. સ્વામીજીએ વર્ષો પહેલાં આ વાતનો નિર્દેશ કરતાં કહ્યું હતું, ‘જે કેળવણી વધારે ને વધારે મોજમજા અને આનંદ, વધારે ને વધારે ભોગ્ય પદાર્થાે મેળવી આપે તે કેળવણી પ્રારંભમાં ભવ્ય લાગે પણ પછીથી તે અધોગતિ અને અવનતિ લાવે છે. આવી સમૃદ્ધિ સાથે બળીને ખાખ જેવો લાગતો ઇર્ષ્યા અને ઘૃણાનો ભીતરથી જન્મેલો માનવજાતિનો મહાઅગ્નિ ઊભો થાય છે અને તે સમયે ગળાકાપ સ્પર્ધા અને નિર્દયતાભરી ક્રૂરતા એનો આદર્શ બનશે.’

વર્તમાન યુગના લોકોને અને એમાંય ખાસ કરીને યુવાનોને આધ્યાત્મિક પ્રશિક્ષણની જરૂર છે. વૈશ્વિક શિક્ષણ અને તાલીમની સાથે યુવાનોને આધ્યાત્મિકતાનું જ્ઞાન અને તેની તાલીમ આપવાં જોઈએ. સદ્ભાગ્યે આ સમજણ હવે વિસ્તરતી જાય છે. વાસ્તવિકતા તો એ છે કે મોટાભાગનાં આધુનિક સંદેશવ્યવહારનાં સંસાધનો અને આજના મુક્ત વિશ્વનાં આધુનિક વલણોમાં, આધ્યાત્મિકતા પ્રત્યેનો ભાવ, આધ્યાત્મિકતા પ્રત્યેની રુચિ વધતાં જાય છે. વળી આ આધુનિક વલણ પ્રણાલીગત ધર્મને આધ્યાત્મિકતાથી અલગ કરનારું છે. જીવનને સાર્થક બનાવવા, કૌટુંબિક જીવનને સ્થિર બનાવવા અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા આ આધ્યાત્મિક સંકલ્પના આવશ્યક છે, હવે લોકોમાં જાગૃતિ વિકસી રહી છે. પશ્ચિમમાં લાખો લોકો હવે યોગ, ધ્યાન, ઝેન, વિપશ્યના જેવી આધ્યાત્મિક સાધનાઓનો અભ્યાસ કરે છે. આવી પદ્ધતિઓ સારી તંદુરસ્તી જાળવવામાં, માનસિક તણાવને દૂર કરવામાં અને માણસના મનને સાચા નિર્ણયો લેવા માટે શાંત-ધીર રાખવામાં ઘણી મદદ કરે છે. દીપક ચોપરા, વાયનેર ડાયર, એકહાર્ટ ટોલે અને બીજા આ નવા આધ્યાત્મિક ભાવ આંદોલનના નેતાઓ એને ‘વૈશ્વિક આધ્યાત્મિકતા’ કે ‘ધર્મનિરપેક્ષ આધ્યાત્મિકતા’ એવાં નામ આપે છે. આ આધુનિક આધ્યાત્મિક વલણનું મૂળ સ્રોત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ છે. એ બન્ને આધુનિક યુગમાં સમગ્ર માનવજાતને નવજીવન બક્ષતા આધ્યાત્મિકતાના નિર્મળ-પવિત્ર જળનાં સનાતન વહેતાં ઝરણાં છે.

સુપ્રસિદ્ધ બ્રિટિશ પૌર્વાત્યવિદ્ એ.એલ.બશામે સ્વામી વિવેકાનંદને ‘આધુનિક યુગના મુખ્ય ઘડવૈયાઓ પૈકીના એક ઘડવૈયા’ કહ્યા છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે તેમ ‘સંપૂર્ણ માનુશેર ઉદ્‌બોધન-મનુષ્યના સંપૂર્ણ વિકાસ’ માટે સ્વામી વિવેકાનંદ જીવ્યા. માનવ આત્માની ભીતર રહેલી અસીમ શક્યતાઓનું પ્રગટીકરણ કે જેનો હેતુ છે સંપૂર્ણ મુક્તિ – શારીરિક, સાંવેગિક, માનસિક અને આધ્યાત્મિક મુક્તિ. સ્વામીજી માનતા હતા કે સમગ્ર માનવજાત આધ્યાત્મિક ચેતનાના ‘સુવર્ણયુગ’ના ઉંબરે ઊભી છે અને શ્રીરામકૃષ્ણ એ ચેતનાને જગાડનાર અને નવા યુગના પથશોધક – દર્શક અને પયગંબર છે.

વિચાર, સંસ્કૃતિ અને સભ્યતાનાં કેટલાંય એક બીજાને કાપતાં વિરોધી વલણોની આ આધુનિક દુનિયામાં વિવેકાનંદ સ્વતંત્રતાની મૂર્તિરૂપે પૂર્વ અને પશ્ચિમની ધરતી પર પોતાના પગ સ્થિર કરીને જ્ઞાન, શક્તિ અને પ્રેમની દીવાદાંડી માથે ધરીને ઊભા છે અને આવતા કેટલાય દસકાઓ અને સદીઓના દ્વારે એમના આ શબ્દો ‘ઊઠો ! જાગો ! અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો !’ પડઘાયા કરશે.

Total Views: 355

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.