ગઈકાલે સ્ત્રીઓ માટેની જેલનાં લેડી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી જહોનસન અહીં આવ્યાં હતાં. અહીં જેલને કારાગૃહ નહિ પણ સુધારાગૃહ કહેવાય છે. અમેરિકામાં મેં જોયેલી વસ્તુઓમાં આ સૌથી વધુ ભવ્ય છે. એના નિવાસીઓ પ્રત્યે કેવો ઉદારતાભર્યો વર્તાવ કરવામાં આવે છે, તેઓને કેવી રીતે સુધારીને સમાજના ઉપયોગી સભ્યો તરીકે પાછા મોકલવામાં આવે છે, એ બધું કેવું ભવ્ય અને સુંદર છે; એ તો જાતે જોવાથી જ ખબર પડે. ઓહ ! ભારતમાં આપણે ગરીબો અને નીચલા સ્તરના લોકો વિશે કેવો ખ્યાલ રાખીએ છીએ તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી ! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક, છૂટવાનો આરો કે ઉપર આવવાનો રસ્તો મળતો નથી. ભારતમાં ગરીબો, નીચલા થરના લોકો તેમજ પતિતોને મિત્રો કે મદદ મળતાં નથી; ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેઓ ઊંચે ચડી શક્તાં નથી. તેઓ દિનપ્રતિદિન નીચે ને નીચે ઊતરતા જાય છે; ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમને લાગે છે, પણ એ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્યો છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે ! આ બધાંનું પરિણામ છે ગુલામી. છેલ્લાં થોડાં વર્ષોમાં વિચારશીલ લોકોએ આ વસ્તુસ્થિતિ જોઈ છે, પણ દુર્ભાગ્યે તેમણે આ માટેની જવાબદારી હિંદુ ધર્મ ઉપર નાખી; અને તેમની દૃષ્ટિએ તો પરિસ્થિતિ સુધારવાનો એક જ માર્ગ છે કે જગતના આ ભવ્યમાં ભવ્ય ધર્મનો નાશ કરવાનો ! મારા મિત્ર ! સાંભળ. પ્રભુની કૃપાથી એ રહસ્ય મેં શોધી કાઢ્યું છે. આમાં દોષ ધર્મનો નથી. ઊલટું, તમારો ધર્મ તો તમને એમ શીખવે છે કે પ્રાણી માત્ર અનેકરૂપે રહેલું તમારું જ આત્મસ્વરૂપ છે; પરંતુ દોષ છે ધર્મને આચરણમાં ઉતારવાની અશક્તિનો, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો. ઈશ્વર ફરી એકવાર તમારી પાસે બુદ્ધરૂપે આવ્યા અને દયાનો અનુભવ કરતા તથા દીન, દુ :ખી તેમજ પતિતો પ્રત્યે સહાનુભૂતિ રાખતા એણે તમને શીખવ્યું; પણ તમે એને દાદ દીધી નહિ. તમારા પુરોહિતોએ ભયંકર વાત ઉપજાવી કાઢી ખોટા મતોનું પ્રતિપાદન કરીને રાક્ષસોને ભ્રમમાં નાખવા માટે પ્રભુએ એ અવતાર ધારણ કર્યો   હતો ! વાત સાચી છે; પણ એ રાક્ષસો આપણે છીએ, જેમણે એ મત માન્યો તેઓ નહિ અને જેમ યહૂદીઓએ ઈશુ ભગવાનનો ઈન્કાર કર્યો અને ત્યારથી દરેકના જુલમનો ભોગ બનીને ઘરબાર વગરના ભિખારીઓ તરીકે તેઓ જગતમાં રખડી રહ્યા છે; તેમ તમે લોકો, જે કોઈ રાષ્ટ્ર તમારા ઉપર પ્રભુત્વ ભોગવવાનું મુનાસિબ ધારે તેના ગુલામ બની રહો છો. ઓ અત્યાચારીઓ ! તમને ખબર નથી કે સિક્કાની એક બાજુએ જુલમ છે ને બીજી બાજુએ ગુલામી. અત્યાચારી અને ગુલામ, બન્ને શબ્દનો એક જ અર્થ થાય છે. (સ્વા.વિ.ગ્રંથમાળા : ભાગ ૬ : ૯૦-૯૧ પત્રોમાંથી)

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.