ગુજરાતનાં સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

૫ોતાની અમેરિકન મુલાકાત દરમિયાન એક દિવસ સ્વામીજી સિમ્ફની કોન્સર્ટ સાંભળવા લાયન પરિવાર સાથે ગયા હતા. આ સંગીત તેમણે પહેલી જ વખત સાંભળ્યું. ‘સ્વામીજી, આ સંગીત આપને કેવું લાગ્યું ?’ ‘બહુ મજાનું.’ પણ આ શબ્દોમાં કંઈક એવો સૂર હતો કે સ્વામીજી જાણે ગંભીર બનીને કહી રહ્યા હતા. આથી ફરી પૂછ્યું કે સ્વામીજી આપ શું વિચારી રહ્યા છો ? ત્યારે તેમણે ખુલ્લા દિલે કહ્યું : ‘મને એ જ નથી સમજાતું કે કાર્યક્રમની સૂચનામાં એમ કહેવાયું કે શનિવારે સાંજે પણ આ જ પ્રોગ્રામ આપવામાં આવશે. ભારતમાં તો સવારનો રાગ જુદો હોય, બપોરનો જુદો, સાંજનો રાગ વળી એથી ય જુદો હોય, તેથી હું વિચારતો હતો કે બપોરે જે રાગ સારો લાગતો હોય તે રાત્રે તો બેસૂરો જ લાગે. એક બીજી વસ્તુ જે મને આ સિમ્ફનીમાં ખૂંચી તે એ કે આ સંગીતમાં આરોહ-અવરોહનો અભાવ અને જુદા જુદા સૂરો વચ્ચે વધારે પડતું અંતર ! આ તો મને તમે જે સ્વીટ્ઝર્લેન્ડની સુંદર ચીઝ ખાવા આપો છો, જેમાં અસંખ્ય કાણાં હોય છે, એના જેવું જ સેંકડો છિદ્રોવાળું લાગ્યું !’ સ્વામીજીને આવું લાગે તે સ્વાભાવિક જ હતું. નાનપણમાં બેની ઉસ્તાદ પાસે તેઓ શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા અને તેમને બધા રાગો વિશેનું જ્ઞાન હતું. તેઓ તેમના મધુર કંઠે ગીતો ગાતા અને તેથી તો શ્રીરામકૃષ્ણદેવ પણ ભાવસમાધિમાં આવી જતા.

શ્રી લાયનનાં પૌત્રીએ સ્વામીજીના સ્વભાવની એક બીજી લાક્ષણિકતાને પણ સુંદર રીતે સંસ્મરણોમાં વ્યક્ત કરી છે. તેઓ લખે છે : ‘એમણે જ્યારે ભાષણો આપવાં શરૂ કર્યાં ત્યારે લોકો એમને ભારતમાંનાં એમનાં કાર્યો માટે પૈસા આપતા. હવે પૈસા રાખવા માટેનું પર્સ કે એવું કશું એમની પાસે તો હતું નહીં આથી તેઓ રૂમાલમાં બાંધીને પૈસા લાવતા. ત્યારે એવું જણાતું કે કંઈક મેળવીને આવેલું બાળક જાણે કે કેવા ગર્વથી પોતાની પોટલી બતાવતું હોય ! બરાબર એવો જ ભાવ સ્વામીજીના ચહેરા ઉપર અંકિત થઈ જતો. બાળક જેમ માના ખોળામાં પોતાની લાવેલી વસ્તુ નાખે તેવી જ રીતે તેઓ નાનીમાના ખોળામાં એ બધા જ પૈસા નાંખી દેતા. પછી નાનીમા એ બધાનો હિસાબ રાખતાં. નાનીમાએ જ તેમને અલગ અલગ પ્રકારના સિક્કાઓની કિંમત સમજાવી અને એ પણ શિખવાડ્યું કે આ બધું ગણીને એની થોકડી બનાવીને કેવી રીતે સાચવવા. દૂર દૂર ભારતથી આવેલા, જેમને પહેલાં ક્યારેય જોયા ન હતા, તેવા અજાણ્યા માણસને અમે બધા આટલી ઉદારતાપૂર્વક સહાય કરી રહ્યાં છીએ, એથી તેમને આશ્ચર્ય થતું ! પણ સ્વામીજીનું વ્યક્તિત્વ જ એવું હતું ને કે એમના પ્રભાવમાં ખેંચાયા વગર કોઈ રહી શકે જ નહીં !

એક દિવસ એમણે આવીને એમિલિને કહ્યું :

‘જુઓ આજે તો હું અમેરિકન જીવનના સૌથી મોટા પ્રલોભનમાં પડી ગયો છું.’ આ સાંભળીને શ્રીમતી લાયનને પણ એમની મજાક કરવાની ઇચ્છા થઈ ગઈ અને તેમને ચીડવવા માટે કહ્યું, ‘સ્વામીજી કહો તો ખરા, કોણ છે એ છોકરી ?’

આ સાંભળીને સ્વામીજી ખડખડાટ હસી પડ્યા ને બોલી ઊઠ્યા, ‘માતાજી, છોકરી નહીં, પણ એ તો છે સંઘનું ગઠન.’ ‘એટલે શું ?’ એમિલિએ પૂછ્યું. તેના ઉત્તરમાં સ્વામીજીએ જણાવ્યું કે ‘રામકૃષ્ણના શિષ્યો એકલા એકલા ફરતા રહે અને કોઈ ગામમાં જાય તો ત્યાં જો કોઈ જિજ્ઞાસુ ઉપદેશ લેવા આવે તો ઉપદેશ આપે પરંતુ અહીં આવીને મેં જે જોયું એથી મને લાગે છે કે સંઘબદ્ધ થઈને જો કામ કરવામાં આવે તો તે વધારે વ્યાપક પણ બને અને પ્રભાવક પણ બને. પરંતુ ભારતના લોકો માટે ક્યા પ્રકારનું સંગઠન રચવું એ અંગે હું દ્વિધા અનુભવું છું.’ રામકૃષ્ણ મિશનનાં વિચારબીજ શિકાગોના આરંભના દિવસોમાં જ સ્વામીજીના મનમાં આકાર લઈ રહ્યાં હતાં, જે અમેરિકામાંના એમના ચાર વર્ષના વસવાટ દરમિયાન વધુ દૃઢ બન્યાં.

શ્રીમતી કોર્નલિયાએ સ્વામીજી વિશેનાં પોતાનાં માસીનાં સંસ્મરણોની વાત પણ નોંધી છે. તેનાં માસી કેથેરીન સાસરે હતાં. તેથી શ્રી લાયનના ઘરે સ્વામીજીને મળવા આવી શકતાં નહોતાં છતાં ય બે ત્રણ વખત આવીને મળી તો ગયાં. સ્વામીજીનાં પ્રવચનો સાંભળી શક્યાં નહોતાં છતાં સ્વામીજીના વિચારોથી કેથેરીન અને તેમના પતિ ખૂબ જ પ્રભાવિત હતાં. તેઓ પોતાના મિત્રોને સ્વામીજીના અદ્‌ભુત જ્ઞાનની વાતો કહ્યાં કરતાં.

તેમના મિત્રોમાં વિશ્વવિદ્યાલયના યુવાન અધ્યાપકો તથા અખબારોમાં કામ કરતા પ્રેસ રિપોર્ટરો વગેરે બુદ્ધિજીવીઓ હતા. એક રવિવારે બધાં ચર્ચમાં ભેગા થયાં હતાં, કોઈક ધાર્મિક ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કેથેરીને સ્વામીજીની વાત કરતાં કહ્યું કે એમનામાં એવી શક્તિ છે કે તેઓ ભલભલા વિદ્વાનોને પણ તેમની વાત કબૂલ કરાવી દે છે. ત્યારે એ બુદ્ધિજીવીઓએ કહ્યું :

‘એવી શક્તિની વાત તો બાજુએ રહી, પણ આધુનિક વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકો એક ક્ષણમાં જ એમની ધર્મશ્રદ્ધાને ફૂંક મારીને ઉડાવી દઈ શકે છે.’ મિત્રોની વાત સાંભળીને કેથેરીનને થયું કે આ લોકોએ સ્વામીજીની શક્તિનો અનુભવ કર્યો નથી એટલે ગમે તેમ બોલી શકે છે, પણ એકવાર સ્વામીજીને મળશે અને તેમની વાતો સાંભળશે એટલે ચૂપ થઈ જશે.

આમ વિચારીને તેમણે કહ્યું, ‘જો આવતા રવિવારે અહીં આવવા માટે તેમની સંમતિ મેળવી શકું તો તમે બધા અહીં આવવા તૈયાર છો ?’ તેઓ બધા આવવા માટે તૈયાર થયા અને એક સાંજે બધા સ્વામીજીને મળ્યા. સ્વામીજી સાથે વિવિધ વિષયોની ચર્ચા થઈ. બાઈબલ, કુરાન, પૂર્વના દેશોના વિવિધ ધર્મો તથા વિજ્ઞાન, મનનું તત્ત્વ, આધ્યાત્મિકતા – આ બધા ઉપરનું સ્વામીજીનું જ્ઞાન સચોટ હતું. બધા વિષયો ઉપર એમનું અગાધ જ્ઞાન અને ગહન ચિંતન જોઈને એ યુવાન અધ્યાપકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એમનો સ્વામીજી માટેનો પૂર્વગ્રહ અહોભાવમાં પલટાઈ ગયો. તેઓ બધાએ કબૂલ કરી લીધું કે દરેક બાબતમાં સ્વામીજીએ રજૂ કરેલ વિચારો ગ્રાહ્ય છે. તેઓએ જ્યારે ભોજન પછી વિદાય લીધી ત્યારે સ્વામીજીનો પૂરો પ્રભાવ એ બધા પર છવાઈ ગયેલો હતો.

***

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.