આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ સમગ્ર ભારતમાં માત્ર એક લાખ જેટલાં જ સ્ત્રીપુરુષ સાચી આધ્યાત્મિક વૃત્તિવાળાં છે. હવે માત્ર આટલા જ લોકોના આધ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડ લોકોએ જંગલીપણા અને ભૂખમરામાં સબડતાં રહેવું ? શા માટે કોઈએ ભૂખે મરવું જોઈએ ? મુસલમાનોએ હિંદુઓ પર વિજય મેળવ્યો તે શી રીતે શક્ય બન્યું ? તેનું કારણ હતું ભૌતિક બાબતોમાં હિંદુઓનું અજ્ઞાન… ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુદ્ધાં જરૂરી છે. ‘રોટી ! રોટી !’ જે ઈશ્વર આપણને અહીં રોટી આપી શક્તો નથી તે સ્વર્ગમાં શાશ્વત સુખ આપશે તેમ હું માનતો નથી. છટ, ભારતને ઉન્નત બનાવવું છે, ગરીબોને રોટલો પહોંચાડવો છે, શિક્ષણનો વિસ્તાર કરવો છે અને પુરોહિતપ્રથાનાં અનિષ્ટોને દૂર કરવાં છે. પુરોહિતપ્રથા ન જોઈએ ! બધાં માટે વધારે અન્ન, વધારે તક !… હવે, આ બધી પ્રગતિ આપણે ધીરે ધીરે લાવવી છે અને તે પણ આપણા ધર્મ માટેનો આગ્રહ રાખીને અને સમાજને સ્વતંત્રતા આપીને. પુરાણા ધર્મમાંથી પુરોહિત પ્રથાનો નાશ કરો, એટલે તમને દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ સાંંપડશે. હું કહું છું તે સમજી શકો છો ? શું તમે ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ ઘડી શકશો ? હું માનું છું કે તે શક્ય છે અને શક્ય હોવું જોઈએ. (૫.૨૯૨-૯૩)
પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં, સિંહની જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ. (૧૧.૨૦૧-૦૨)
Your Content Goes Here