મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો તેવો સાક્ષાત્કાર કરો. કોઈપણ વસ્તુને તમે જે આપો તેના કરતાં વધારે શક્તિ તેનામાં નથી. આપણે સૂર્યથી, તારાઓથી અને વિશ્વથી પર છીએ. મનુષ્યના ઈશ્વરત્વનો ઉપદેશ કરો. અનિષ્ટને નકારો; કોઈ અનિષ્ટને ઉત્પન્ન ન કરો. ખડા થઈને બોલો કે હું અધિપતિ છું, સહુનો અધિપતિ છું. આપણે સાંકળ ઘડીએ છીએ અને એકલા આપણે જ તેને તોડી શકીએ.

કોઈ પણ કર્મ તમને મુક્તિ ન આપી શકે. માત્ર જ્ઞાન જ તમને મુક્ત બનાવી શકે; જ્ઞાન અપરિહાર્ય છે. તેનો સ્વીકાર કે ત્યાગ એ મનના હાથની વાત નથી. જ્યારે જ્ઞાન આવે છે ત્યારે મનને તેનો સ્વીકાર કરવો જ પડે છે. તેથી જ્ઞાનનો સ્વીકાર કે અસ્વીકાર એ મનનું કામ નથી; માત્ર જ્ઞાનની અભિવ્યક્તિ મનમાં થાય છે.

કર્મ અગર ભક્તિનું કાર્ય તમને તમારા પોતાના સ્વરૂપ તરફ પાછા લાવવાનું છે. આત્મા શરીર છે એમ માનવું, તે સંપૂર્ણ રીતે એક ભ્રમણા છે; તેથી અહીં આ શરીરમાં રહેવા છતાં આપણે મુક્ત થઈ શકીએ. શરીરને આત્મા સાથે સમાનતા જેવું કંઈ જ નથી. સત્યને અસત્યરૂપે બતાવનાર છે ભ્રમ, ‘સાવ શૂન્ય’ નહીં.

૧. દરેેકની પશ્ચાદ્ભૂમિકા, દરેકનું સત્ય, તો તે જ શાશ્વત, સદા આનંદમય, નિત્ય શુદ્ધ, નિત્ય પૂર્ણ તત્ત્વ છે- અને તે આત્મા છે. સંતમાં ને પાપીમાં, સુખી ને દુ:ખી માનવીમાં, સુંદરમાં ને કુરૂપમાં, માનવમાં ને પશુમાં, સર્વત્ર એ એક જ આત્મા રહેલો છે. તે જ્યોતિર્મય છે. (૭.૧૭૪)

૨. હું અહીં ઊભો છું. હવે અહીં ઊભો રહી, આંખો બંધ કરી હું મારા અસ્તિત્વનો વિચાર કરું : ‘હું, હું, હું.’ તો મારી સમક્ષ શો ખ્યાલ ઊભો થાય ? મારી સમક્ષ દેહનો ખ્યાલ આવે છે. તો શું હું પંચમહાભૂતના સંમિશ્રણ સિવાય, બીજું કશું નથી ? વેદો ઉચ્ચારે છે, ‘ના’. હું દેહમાં રહેલો આત્મા છું. હું દેહ નથી. દેહ મર્ત્ય છે, હું મર્ત્ય નથી. આ દેહમાં હું આ રહ્યો; દેહ નાશ પામશે, પણ હું તો અવિનાશી રહેવાનો. (૩.૭)

૩. વેદો કહે છે કે સમસ્ત જગત સ્વાતંત્ર્ય તેમજ પારતંત્ર્ય, બંધન તેમજ મુક્તિનું મિશ્રણ છે; પણ એ બધામાં સ્વતંત્ર, અમર, પવિત્ર, પૂર્ણ ને શુદ્ધ આત્મા ઝળહળે છે. કેમ કે જો જગત સ્વતંત્ર હોય તો એ નાશ ન પામે, કારણ કે મૃત્યુ એ તો પરિવર્તન છે અને સંજોગો ઉપર આધાર રાખે છે; જો એ સ્વતંત્ર હોય તો સંપૂર્ણ હોવું જોઈએ, કેમ કે અપૂર્ણતા એ માત્ર એક સંજોગ છે એટલે પરતંત્ર છે. વળી આ અમર અને પૂર્ણ આત્મા સર્વોચ્ચ તત્ત્વ ઈશ્વરમાં અને નીચામાં નીચા માનવીમાં એકસરખો હોવો જોઈએ; એ બેમાં તફાવત તો કેટલે અંશે આત્મા એ માનવીમાં અભિવ્યક્ત થાય છે તેમાં જ છે. (૩.૩૬૮-૬૯)

૪. એમ ન હોઈ શકે કે આત્મા જાણે છે, પરંતુ આત્મા પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. એમ ન હોઈ શકે કે આત્માને સુખ છે, પરંતુ આત્મા પોતે જ સુખસ્વરૂપ છે. જે સુખી હોય તેનું સુખ બીજા પાસેથી આવેલું હોય છે; જેને જ્ઞાન છે, તેનું જ્ઞાન મેળવેલું હોય છે; અને જેને સાપેક્ષ અસ્તિત્વ છે, તેનું અસ્તિત્વ માત્ર પ્રતિબિંબિત હોય છે. (૭.૨૧૭)

(સ્વા.વિ.અભયવાણી : ૮-૯)

Total Views: 147
By Published On: January 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram