શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) – મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, મને બંધન શાનું ? હું ઈશ્વરનું સંતાન, રાજાધિરાજનો પુત્ર, મને વળી બાંધે કોણ ? કહે છે કે સાપ કરડે ત્યારે જો મનમાં દૃઢ વિશ્વાસ રાખીને ‘ઝેર નથી, ઝેર નથી’, એમ બોલે તે વિષ ઊતરી જાય. તેવી જ રીતે હું મુક્ત, બદ્ધ નથી, એમ દૃઢતાથી બોલતાં બોલતાં મનુષ્ય મુક્ત થઈ જાય.

(પૂર્વકથા – શ્રીરામકૃષ્ણનું બાઈબલ-શ્રવણ – કૃષ્ણકિશોરનો વિશ્વાસ)

‘ખ્રિસ્તીઓનું એક પુસ્તક (બાઈબલ) એક જણે લાવી આપ્યું. મેં તે વાંચી સંભળાવવાનું કહ્યું. તેમાં કેવળ ‘પાપ’ અને ‘પાપ’ ! (કેશવ પ્રત્યે) તમારા બ્રાહ્મ-સમાજમાં પણ કેવળ ‘પાપ’ ને ‘પાપ’ ! જે વ્યક્તિ ‘હું બદ્ધ’, ‘હું બદ્ધ’ એમ વારંવાર બોલે તે સાળો બદ્ધ જ થઈ જાય. જે રાત દિવસ ‘હું પાપી’ ‘હું પાપી’ એમ કર્યા કરે તે પાપી જ થઈ જાય. ઈશ્વરના નામમાં એવી શ્રદ્ધા હોવી જોઈએ કે મેં ભગવાનનું નામ લીધું છે તોય શું મારામાં હજી પાપ રહે ? મને વળી પાપ શાનું ? મને વળી બંધન શાનું ? કૃષ્ણકિશોર ચુસ્ત હિન્દુ, સદાચાર-નિષ્ઠ બ્રાહ્મણ. તે વૃંદાવન ગયો હતો. એક દિવસ રસ્તે ચાલતાં ચાલતાં તેને પાણીની તરસ લાગી. રસ્તાની બાજુએ એક કૂવા પાસે જઈને જોયું તો એક જણ ઊભો હતો. કૃષ્ણકિશોરે તેને કહ્યું ‘અરે ! તું મને એક લોટો પાણી કાઢી આપીશ ? તું કઈ જાતનો છે ?’ પેલાએ જવાબ આપ્યો, ‘મહારાજ! હું તો નીચવર્ણ, ચમાર.’ કૃષ્ણકિશોર કહે ‘તું બોલ ‘શિવ’, અને પછી પાણી કાઢી આપ.’

ભગવાનનું નામ લેવાથી માણસનો દેહ, મન, બધું શુદ્ધ થઈ જાય.

કેવળ ‘પાપ’ અને ‘નરક’, એ બધી વાતો શું કામ ? એક વાર કહો કે જે ખોટાં કામ કર્યાં છે તે હવે નહિ કરું અને પ્રભુના નામમાં શ્રદ્ધા રાખો.’ એમ કહીને શ્રીરામકૃષ્ણ પ્રેમોન્મા થઈને નામ-માહાત્મ્યનું ગીત ગાય છે.

હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,

આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું…

‘મેં માની પાસે કેવળ ભક્તિ માગી હતી. ફૂલ હાથમાં લઈને માને ચરણે મૂક્યાં અને બોલ્યો હતો કે ‘મા, આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તો તમારું પવિત્ર, આ લો તમારું અપવિત્ર, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ, મને શુદ્ધ ભક્તિ આપો.’

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.