કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૫.૨૮૫)

કેળવણી શું છે ? શું તે ગ્રંથોનો અભ્યાસ છે ? ના. શું તે વિવિધ પ્રકારનું જ્ઞાન છે ? તે પણ નથી. જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી. હવે વિચાર કરો કે જેને પરિણામે ઇચ્છાશક્તિને પેઢીઓ સુધી સતત રીતે પરાણે રુંધી રાખવાથી તે મોટે ભાગે નાશ પામી ગઈ છે, તે શું કેળવણી કહેવાય ? નવા વિચારોનું તો નામ મૂકો, પણ પુરાણા વિચારો પણ એક પછી એક લુપ્ત થતા જાય છે, એ કોના દબાણ નીચે ? શું એ કેળવણી છે, કે જે મનુષ્યને ધીરે ધીરે યંત્ર જેવો બનાવે છે ? (૬.૨૧૫)

જુઓ; વાત એમ છે કે કોઈ કોઈને શીખવી શકે નહિ. પોતે શિક્ષણ આપી રહ્યો છે એમ માની બેસવાથી શિક્ષક બધું બગાડે છે. આ કારણસર વેદાંત કહે છે કે બધું જ્ઞાન મનુષ્યની અંદર રહેલું છે – એક નાના વિદ્યાર્થીની અંદર પણ તેમ જ છે; માત્ર તેને જાગ્રત કરવાની જરૂર છે. શિક્ષકનું કામ પણ આટલું જ છે. આપણે વિદ્યાર્થીઓ માટે એટલું જ કરવાનું છે કે તેઓ પોતાના હાથ, પગ, આંખ, કાન વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં પોતાની બુદ્ધિને વાપરતાં શીખે; આમ થતાં પરિણામે બધું સહેલું થઈ જશે. (૧૧.૧૮૧)

મારા મત પ્રમાણે કેળવણીનો સાર મનની એકાગ્રતા જ છે, હકીકતો એકઠી કરવી તે નહિ. જો મારે મારું શિક્ષણ ફરીથી લેવાનું હોય અને એ બાબતમાં મારે કશું કહેવાનું હોય, તો હું તો હકીકતનો મુદ્દલ અભ્યાસ ન કરું; હું તો એકાગ્રતા અને અલિપ્તતાની શક્તિ જ કેળવું અને પછી સંપૂર્ણ સજ્જ થયેલ મનરૂપી સાધન વડે ઇચ્છા મુજબની હકીકતો એકઠી કરું. બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમજ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ. (૮.૭૫)

શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખું પુસ્તકાલય ગોખી લીધું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. यथा खरः चन्दन भारवाही भारस्य वेत्ता न तु चन्दनस्य ‘ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે, પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી.’ જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો પુસ્તકાલયો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોષો મહાન ઋષિઓ થઈ ગયા હોત. (૪.૧૭૩)

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.