૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ,
લંડન,
૭ જૂન, ૧૮૯૬

       પ્રિય મિસ નોબેલ,
(સિસ્ટર નિવેદિતા)

મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેેશ આપવો.

દુનિયા વહેમની શૃંખલામાં સપડાયેલી છે. દરેક દબાયેલ સ્ત્રી કે પુરુષ પ્રત્યે મને દયા આવે છે, ખાસ કરી જેઓ દબાવનારા છે તેમની મને વિશેષ દયા આવે છે.

જે એક વિચાર હું સૂર્યપ્રકાશ જેટલો સ્પષ્ટ જોઉં છું તે એ છે કે દુ :ખ ‘અજ્ઞાન’થી આવે છે, બીજા કશાથી જ નહીં. દુનિયાને પ્રકાશ કોણ આપશે ? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો; અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ દુનિયાના વીર અને શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની (દુનિયા માટે) જરૂર છે.

જગતના ધર્મો નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ :સ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો શબ્દ વજ્ર જેવી અસર કરશે.

તમારામાં વહેમ નથી, એની મને ખાતરી છે; દુનિયા હલાવનારનું તમારામાં ઘડતર છે; અને બીજાઓ પણ આવશે, નીકળશે. વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો ! જાગો, દુનિયા દુ :ખમાં બળી રહી છે; તમારાથી સૂઈ રહેવાય કે ? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ના આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું ? એથી વિશેષ મહાન કામ છે ક્યું ? જેમ જેમ હું આગળ વધું છું, તેમ તેમ વિગતો મને સૂઝતી આવે છે. હું કદી (અગાઉથી) યોજના કરતો નથી. યોજનાઓ પોતે વિકસે છે અને પોતાની મેળે કાર્ય કરતી થાય છે. હું તો એટલું જ કહું છું : જાગો, બસ જાગો !

તમારા ઉપર સદાય સર્વે આશીર્વાદ ઊતરો !

સસ્નેહ તમારો,
વિવેકાનંદ

(સ્વા.વિ.ગ્રંથમાળા : ૭.૫૨-૫૩)

Total Views: 102
By Published On: January 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram