રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૨ – ૨૦૧૩ના વર્ષમાં થયેલ રૂપિયા ૪૫૩.૩૨ કરોડનાં રાહતસેવાકાર્યો
રાહત – પુનર્વસન : આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૨.૨૬ કરોડ રૂપિયાના ખર્ચે દેશના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત અને પુનર્વસનનાં કાર્યો હાથ ધર્યાં, જેના દ્વારા ૪૧૫ ગામોના ૧ લાખ પરિવારોના ૪.૯૪ લાખ લોકોને લાભ મળ્યો છે.
શિષ્યવૃત્તિ અને અન્ય સહાય : નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, વૃદ્ધ, બીમાર અને અસહાય લોકોને આર્થિક મદદ વગેરે કલ્યાણકાર્યો પાછળ ૧૧.૫૫ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા.
આરોગ્ય ચિકિત્સા સેવા : રામકૃષ્ણ સંઘની ૧૫ હોસ્પિટલ, ૬૦ હરતી-ફરતી મોબાઈલ ડિસ્પેન્સરી અને ૧૨૫ દવાખાના દ્વારા ૮૦.૨૦ લાખથી પણ વધારે રોગીનારાયણની સેવા થઈ છે. જેમાં રૂપિયા ૧૪૬.૩૭ કરોડ વપરાયા છે.
ચિકિત્સા ક્ષેત્રમાં નીચે મુજબની ગતિવિધિઓ છે:
લખનૌ હોસ્પિટલમાં સ્પીચ થેરાપી યુનિટનું ઉદ્ઘાટન તથા ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફ મશીન, નિઓ-નેટલ બબલ સિસ્ટમ તથા સ્વયંસંચાલિત પેરિટોનીયલ ડાયાલીસીસ મશીન વગેરે શરૂ કરાયાં. વારાણસી સેવાશ્રમ દ્વારા ૮ પથારીવાળું ઉચ્ચનિર્ભરતાવાળું આઈ.સી.યુ. જેવું યુનિટ શરૂ કરવામાં આવ્યું. સારગાછિ કેન્દ્રના દવાખાનામાં એક્સ-રે, અલ્ટ્રા સોનોગ્રાફી તથા પેથોલોજી વિભાગનો આરંભ કરવામાં આવ્યો. ઈટાનગર હોસ્પિટલમાં આઈ-સ્ટેટ એનેલાઈઝર, બીલીચેક સિસ્ટમ અને ઓર્થાેસ્કોપ તથા લેપ્રોસ્કોપ સાધનોનો ઉમેરો કરવામાં આવ્યો.
શિક્ષણ : રામકૃષ્ણ સંઘનાં શિક્ષણસંસ્થાનો દ્વારા બાલવિહારથી માંડીને સ્નાતકોત્તર કક્ષા સુધીના ૩.૨૯ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું. શિક્ષણનાં કાર્ય પાછળ ૨૫૧.૮૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
નરેન્દ્રપુર કોલેજને રાષ્ટ્રિય મૂલ્યાંકન તથા પ્રત્યયન પરિષદ (NAAC) દ્વારા ‘એ’ શ્રેણી તરીકે સન્માનિત કરવામાં આવી. ચેન્નાઈ સ્ટુડન્ટ્સ હોમની પોલિટેકનિક કોલેજને ગુણવત્તા અને વિશ્વસનીયતા માટે રાષ્ટ્રીય સંસ્થાન (NIQR) દ્વારા NIQR-TVN Kidao outstanding Educational Institute ૫ુરસ્કાર પ્રાપ્ત થયો. રહરા કેન્દ્રની વિવેકાનંદ સેન્ટેનરી કોલેજે પશ્ચિમ બંગાળ રાજ્ય વિશ્વવિદ્યાલય, બારાસાત દ્વારા માન્ય વનસ્પતિ વિજ્ઞાનમાં M.Sc. પાઠ્યક્રમ શરૂ કર્યો.
ગ્રામીણ એવં આદિવાસી વિકાસ યોજના : ૪૧.૨૬ કરોડની આ યોજના હેઠળ ૪૨.૬૭ લાખ લોકોને લાભ અપાયો.
નારાયણપુર કેન્દ્રમાં ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાનમાં (આઈ.ટી.આઈ.) ૭ પાઠ્યક્રમ શરૂ કરાયા તથા ૨૦ ચેક ડેમ અને ૨૦ બોરવેલનું ખોદકામ કરાયું. સારગાછી કેન્દ્રમાં વ્યાવસાયિક પ્રશિક્ષણિક માટેની રાષ્ટ્રીય પરિષદ (એન.સી.વી.ટી.) શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા અનુમોદિત વિભિન્ન પાઠ્યક્રમોમાં પ્રશિક્ષણ આપવા માટેના કૌશલ વિકાસ સંસ્થાનનો પ્રારંભ થયો. પોન્નમપેટ કેન્દ્ર દ્વારા ગ્રામીણ આદિવાસીઓ માટેની કાર્યશાળાનું આયોજન કરાયું.
શ્રીરામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી મહોત્સવ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા તા. ૧ અને ૨ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ ‘સર સયાજીરાવ નગરગૃહ, વડોદરા ખાતે ‘આદિવાસી જાતિ અને લોક સંસ્કૃતિ’ ઉપર એક પ્રાદેશિક કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સા રાજ્યોમાંથી આશરે ૧૧,૦૦૦ પ્રતિનિધિઓ (ખાસ કરીને આદિવાસી યુવાનો) એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આમાંના થોડાક પ્રતિનિધિઓએ ‘આદિવાસી જાતિ અને લોક સંસ્કૃતિ’ ઉપર ઉત્કૃષ્ટ અભિનયનું પ્રદર્શન કરેલ. નામાંકિત કલાકારોએ પણ દર્શકો પાસે અદ્ભુત અભિનય કરેલ.
આ કન્વેન્શનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના ટ્રાયબલ કમિશ્નર શ્રી આર.સી.મીના સાહેબે ર્ક્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત બીજા શૈક્ષણિક વિષયો જેવા કે ‘આદિવાસી સંસ્કૃતિનું જતન’; ‘સ્વામી વિવેકાનંદ અને આદિવાસી જાતિનું ઉત્થાન’; ‘સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ કળા, સંગીત તથા સંસ્કૃતિ’; તથા ‘કેળવણી અને સંસ્કૃતિ’ વગેરે વિશે નામાંકિત વક્તાઓ અને સંન્યાસીઓએ પ્રભાવશાળી વક્તવ્યો આપ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમ બન્ને દિવસે સવારના ૯:૦૦ વાગ્યાથી રાતના ૯:૦૦ વાગ્યા સુધીનો હતો અને ‘વેબ’ ઉપર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો ૨૧ દેશોની આશરે ૩૮,૨૬૭ વ્યક્તિઓએ લાભ લીધો હતો.
ધરમપુરમાં આનંદોત્સવ-ગ્રામ્ય લોકનૃત્ય સ્પર્ધામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ધરમપુરમાં આદીવાસી ગ્રામ્ય લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધરમપુરની આસપાસના આશરે ૨૦ આદીવાસી ગામોની ટુકડીઓએ સંગીતના સથવારે નૃત્ય કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ૨૦૦૦ થી વધુ આદીવાસી ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. જેમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમના વિજેતાઓને વડોદરા ખાતે રાજ્યકક્ષાના સમારોહમાં ભાગ લેવા મોકલાયા હતા.
રામકૃષ્ણ મિશન, લીંબડી
શ્રી સ્વામી વિવેકાનંદની ૧૫૨મી જન્મજ્યંતી મહોત્સવ નિમિત્તે લીંબડી શહેરની શાળાના વિદ્યાર્થીઓ માટે તા.૧૬/૧૨/૨૦૧૩થી તા.૧૯/૧૨/૨૦૧૩ દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં શહેરની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોના કુલ ૧૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
૧. વિવેકાનંદ દોડમાં કુલ ૧૪ વિદ્યાર્થી; ૨. વક્તૃત્વ સ્પર્ધામાં ૨૦ વિદ્યાર્થી; ૩. વેશભૂષા સ્પર્ધામાં કુલ ૧૫ વિદ્યાર્થી; ૪. સંગીત સ્પર્ધામાં કુલ ૧૬ વિદ્યાર્થી; ૫. મુખપાઠ સ્પર્ધામાં કુલ ૨૪ વિદ્યાર્થી; ૬. નિબંધ સ્પર્ધામાં કુલ ૧૫ વિદ્યાર્થી; ૭. ચિત્ર સ્પર્ધામાં કુલ ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને આશ્વાસન ઈનામરૂપે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.
Your Content Goes Here