આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને યાતના છે; મૃત્યુ છે. (૭.૪૬)

માણસોને બચપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો. દેખાવમાં નબળામાં નબળા હોય, તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બચપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો. તમે તમારી જાતને નબળી અને પાંગળી બનાવતાં વિચારો નહિ, પણ આવા વિચારો માટે તૈયાર રાખો. તમારા મનમાં કાયમ કહ્યા કરો : सोऽहम् सोऽहम् ‘હું તે છું, હું તે છું.’ એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો : सोऽहम् ‘હું તે છું.’ સત્ય તે છે, જગતનું અનંત બળ તમારું છે. (૭.૧૦૫)

તમે કહો કે, ‘હું બદ્ધ છું,’ ‘હું નબળો છું,’ ‘હું નિરાધાર છું,’ એટલે તમારું આવી જ બન્યું. તમે તમારા પોતા પર એક વધુ બેડી જડો છો. એમ કહો જ મા, એમ ધારો જ મા. (૭.૨૦૧)

વેદાંત કહે છે કે દુ :ખનું એક માત્ર કારણ નબળાઈ છે. આપણે દુ :ખી થઈએ છીએ તેનું કારણ એ છે કે, આપણે નબળા છીએ. આપણે ખોટું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, ખૂન કરીએ છીએ, બીજા પણ ગુના કરીએ છીએ, કારણ કે આપણે નબળા છીએ. આપણે હેરાન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે મૃત્યુને અધીન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. જ્યાં આપણને દુર્બળ બનાવે એવું કંઈ જ ન હોય ત્યાં મૃત્યુ કે શોક હોય જ નહિ. આપણે ભ્રમને લીધે દુ :ખી છીએ. ભ્રમને છોડી દો એટલે આખી વસ્તુ અદૃશ્ય થઈ જશે. (૭.૨૦૨)

શારીરિક, માનસિક કે આધ્યાત્મિક શિક્ષણ લેતાં તમામ સ્ત્રીપુરુષો અને બાળકોને, દરેકને હું આ એક જ સવાલ પૂછું છું : તમે બળવાન છો ? તમને તાકાતનો અનુભવ થાય છે ? કારણ કે હું જાણું છું કે એક સત્ય જ શક્તિ આપે છે. હું જાણું છું કે એકલું સત્ય જ જીવન આપે છે; બીજું કશું જ નહીં; માત્ર સત્ય તરફનું પ્રયાણ જ આપણને બળવાન બનાવશે, બળવાન બન્યા સિવાય સત્યને કોઈ પ્રાપ્ત કરવાનું નથી. તેથી જે જે વિચારપદ્ધતિ મનને નબળું પાડે, માણસને વહેમી બનાવે, માણસને સોગિયો બનાવે, તેનામાં રહસ્યોની અને વહેમોની ઇચ્છા ઊભી કરે, તે મને પસંદ નથી, કારણ કે તેની અસર જોખમકારક છે. આવી વિચારપદ્ધતિઓ કદીએ કશું જ સારું પરિણામ નથી લાવતી. આવી બાબતો મનમાં રોગ ઉત્પન્ન કરે છે, તેને નબળું પાડી નાખે છે; એટલું બધું નબળું પાડી દે છે કે સમય જતાં તેનાથી સત્યને ગ્રહણ કરવું કે તે અનુસાર જીવન જીવવાનું લગભગ અશક્ય થઈ જાય છે. તેથી એક માત્ર આવશ્યક વસ્તુ છે શક્તિ. (૭.૨૦૪)

Total Views: 38
By Published On: January 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram