સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચેસાચ શિવની ઉપાસના કરે છે ! પણ જો તે ભગવાન શિવને માત્ર તેના લિંગમાં જ જુએ તો તેની ઉપાસના હજુ પ્રાથમિક ભૂમિકામાં છે એમ સમજવું. જે મનુષ્ય દીનદુખિયામાં તેમનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેના વિચાર કર્યા વગર તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે. (૪.૩૪)
જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું, એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે, ‘હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ, બધું મારી પાસે જ રાખીશ’, જે એમ વિચારે છે કે, ‘બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ’, તે મનુષ્ય સ્વાર્થી છે. નિ :સ્વાર્થી મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ; હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી; વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું.’ આ નિ :સ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. (૪.૩૫)
દુનિયાને પ્રકાશ કોણ આપશે ? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંયે શૂરવીર ને શ્રેષ્ઠમાંયે સર્વ શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની (દુનિયા માટે) જરૂર છે. (૧૨.૫૯)
વીરતાભર્યાં વચનો અને એથીયે વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો ! જાગો, દુનિયા દુ :ખમાં બળી રહી છે, તમારાથી સૂઈ રહેવાય કે? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ના આપે ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું ? એથી વિશેષ શું ? (૧૨.૫૯-૬૦)
Your Content Goes Here