સ્વામી વિવેકાનંદની નજરે
૧૧. તમે – તમારામાંનો કોઈપણ – હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પછાત શા માટે છે ? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ ને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે. વહાલા બંધુ, અત્યારે તમે થોડું સમજો છો. પણ ધીમે ધીમે તમે તે બધું જાણી શકશો. માટે તેમનો મઠ મારે પહેલો જોઈએ છે. શક્તિની કૃપા વિના કંઈ સિદ્ધ થતું નથી. અમેરિકા અને યુરોપમાં હું શું જોઉં છું ? શક્તિની પૂજા, શક્તિની પૂજા. તેઓ જો કે તેને અજ્ઞાનથી અને ભૌતિક સુખપ્રાપ્તિ માટે જ પૂજે છે. ત્યારે પછી, જે લોકો તેને માતા તરીકે લેખીને શુદ્ધ ભાવે સાત્ત્વિક બુદ્ધિથી પૂજે, તો તેઓ કેટલું કલ્યાણ સાધી શકે તેની કલ્પના કરો ! હું દિવસે દિવસે દરેક વસ્તુને વધારે ને વધારે સ્પષ્ટ સમજતો જાઉં છું, મારી અંતર્દૃષ્ટિ વધારે ને વધારે ઊઘડતી જાય છે તેથી આપણે માતાજી માટે પ્રથમ મઠ બાંધવો જોઈએ. પ્રથમ માતા અને માતાની પુત્રીઓ, પછી પિતા અને પિતાના પુત્રો. તમે આ સમજી શકો છો ? મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખો ગણી કિંમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે. (પત્રો, ક્રમાંક : ૧૯)
Your Content Goes Here