મન સહેલાઈથી જીતી શકાતું નથી. જે મનમાં દરેક નાની વસ્તુના સંપર્કથી, નજીવામાં નજીવી ઉત્તેજનાથી કે ભયથી ક્ષોભ ઉત્પન્ન થાય તે મન કેવી સ્થિતિમાં હોય ? એ મન જ્યારે આવાં પરિવર્તનો પામે ત્યારે તેમાં મહત્તાની કે આધ્યાત્મિકતાની તો વાત જ ક્યાં કરવી રહી ? મનની આ અસ્થિર અવસ્થા બદલવી જોઈએ જ. બાહ્ય જગત કેટલા પ્રમાણમાં આપણા પર અસર કરે છે અને આપણી બહારનાં ગમે તેટલાં બળો સામે હોવા છતાં કેટલા પ્રમાણમાં આપણે આપણા પગ પર ઊભા રહી શકીએ છીએ, તે આપણે આપણી જાતને પૂછવું જોઈએ. જગતનાં સર્વ બળોને, આપણને આપણી સમતુલામાંથી હલાવતાં અટકાવવામાં જ્યારે આપણે સફળ થઈશું ત્યારે જ આપણે મુક્તિ પ્રાપ્ત કરીશું; તે પહેલાં નહીં, તે જ મુક્તિ છે. (૫.૭૭)

આપણી આસપાસ જે કાંઈ આપણે જોઈએ છીએ તે સર્વ અણુથી માંડીને માનવ સુધીનાં, જીવનહીન-ચેતનાહીન જડ પદાર્થથી માંડીને પૃથ્વી પરની ઊંચામાં ઊંચી સૃષ્ટિ માનવ આત્મા સુધીનાં, સૌ કોઈ મુક્તિ માટે મથે છે. હકીકતે જોઈએ તો આ સમગ્ર વિશ્વ આ સ્વાધીનતા માટેના સંઘર્ષનું પરિણામ છે. (૩.૮૭)

આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી પ્રેરાઈને જ સંતપુરુષ પ્રાર્થના કરે છે અને લૂંટારા લૂંટે છે. આપણે અંગીકાર કરેલી કાર્ય પદ્ધતિ યોગ્ય ન હોય તો તે અશુભ કહેવાય. જ્યારે તેની ક્રિયા યોગ્ય અને ઉચ્ચ હોય ત્યારે તે શુભ કહેવાય છે. પણ આ વૃત્તિ એક જ હોય છે – સ્વાધીનતા માટેનો સંઘર્ષ. (૩.૮૭)

મનુષ્ય અગાઉથી જ મુક્ત છે, પણ તેણે તે શોધી કાઢવાનું છે. મુક્તિ તેની પાસે છે જ, પરંતુ ક્ષણે ક્ષણે તે તેને ભૂલી જાય છે. દરેકનું સમગ્ર જીવન જાણ્યે કે અજાણ્યે પણ એની શોધ કરવી એ જ છે. પરંતુ ઋષિ અને અજ્ઞાની માણસમાં તફાવત એ છે કે ઋષિ સમજપૂર્વક એ શોધ કરે છે, જ્યારે અજ્ઞાની સમજ વગર કરે છે. (૯.૧૪૨-૪૩)

Total Views: 187
By Published On: January 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram