ઓક્ટોબરથી આગળ…

પ્રકરણ – ૬

અહૈતુકી ભક્તિ

શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત ભક્તોને અહૈતુકી ભક્તિ શું છે એ સમજાવી રહ્યા છે. આ ભક્તિમાં ભક્તને એકમાત્ર ભગવાન જ કામ્ય છે. અન્ય કામના-મિશ્રિત ભક્તિ શુદ્ધા ભક્તિ નથી. શ્રીરામકૃષ્ણે અહલ્યા તથા નારદનું દૃષ્ટાંત આપ્યું. એમણે કહ્યું, ‘કેવળ ઈશ્વરનાં દર્શન જ ઇચ્છે છે; ધન, માન, દેહસુખ વગેરે કંઈ ઇચ્છતા નથી. આનું નામ શુદ્ધા ભક્તિ.’

આ વિશે શાસ્ત્રમાં વિચાર કરીને કહેવાયું છે કે ‘વિષય’ આપણને પ્રિય છે, એટલે આપણે તેને પ્રેમ કરીએ છીએ. ઘરને પોતાનું સમજીએ છીએ એટલે પ્રિય લાગે છે. મારું સંતાન છે – એમ વિચારીને મા પોતાના બાળકને ચાહે છે. આ રીતે સંસારના બધા વિષયો વિશે આમ કહી શકાય. ‘મારું’ આનંદદાયક છે, એટલે પ્રેમ કરે છે અને સ્વયંને શા માટે પ્રેમ કરે છે ? આ ‘શા માટે’નો કોઈ ઉત્તર નથી. આત્મા સ્વત :પ્રિય છે, ‘મારું’ સ્વભાવથી જ પ્રિય છે, બીજા કોઈ કારણથી નહીં. વિષયોથી પ્રેમ થવાનું કારણ એ છે કે એમની સાથેનો સંબંધ આપણને આનંદ આપે છે.

કેવળ વિષયો પ્રત્યે પ્રેમ હોત તો બીજાના ઐશ્વર્યથી પણ આપણને આનંદ મળત. બધાંનાં સંતાનો પ્રત્યે માતાનો પ્રેમ હોતો નથી. સંતાન તો પોતાનું જ હોવું જોઈએ. આ ‘હું’ની સાથે સંબંધ રાખીને જ જગતમાં સર્વત્ર મનનું આકર્ષણ રહે છે. બધી વસ્તુઓ જે પ્રિય છે – તે એટલા માટે કે તે આત્માની પ્રીતિ ઉત્પન્ન કરે છે. ભક્તને ભગવાન શા માટે પ્રિય છે ? તેમને ચાહ્યા વગર રહી નથી શકાતું. તેઓ આપણા આત્માના પણ આત્મા છે, આત્મસ્વરૂપ છે. જ્યાં સુધી આપણને તેમનો ‘આત્મા’ કે ભક્તની તુષ્ટિથી નિતાંત ‘પોતાના’રૂપમાં બોધ થતો નથી, ત્યાં સુધી આપણે એમને ઉપાયના રૂપે જોઈએ છીએ, ઉદ્દેશ્યના રૂપે નહીં. ભગવાન મને ધન, માન, ઐશ્વર્ય, સંતતિ તથા દીર્ઘાયુ આપશે, મારા યોગક્ષેમની રક્ષા કરશે એટલે હું એમને ચાહું છું. પરંતુ શુદ્ધ ભક્ત ઈશ્વરને કોઈ પણ કારણ વિના ‘આત્માના આત્મા’ સમજીને ચાહે છે. આ થઈ અહૈતુકીભક્તિ – ઉદ્દેશ્યના રૂપે એમને જ ચાહવા. શ્રીરામકૃષ્ણ કહે છે કે આ ભક્તિમાં થોડો આનંદ હોય છે, પણ તેથી શું ?

આ વિચારવા જેવી વાત છે. આનંદ મળે છે, એટલે ચાહું છું, પ્રેમ કર્યા વગર આનંદ મળે ખરો ? બન્નેમાં ભેદ છે. જ્યાં પ્રેમ કરવાથી આનંદ થાય છે, ત્યાં પ્રેમનું કોઈ કારણ નથી. તેઓ (ઈશ્વર) આનંદ સ્વરૂપ છે, એમને પ્રેમ કરવાથી જ આનંદ મળે છે, આનંદ મેળવવા માટે પ્રેમ નથી. ભક્તિવાળાં કુંતીની પ્રાર્થના હતી, ‘હે ભગવાન, મને સર્વદા દુ :ખ આપજો, જેથી હું નિરંતર તમારું સ્મરણ કરી શકું.’ દુ :ખની આ પ્રાર્થના કેવળ ભગવાનનું સ્મરણ કરવા માટે છે. આનંદ નહીં, પણ અહીં ભગવાન જ ઉદ્દેશ્ય છે. આનંદ અહીં પ્રત્યાશિત કે આકાંક્ષિત નથી, પરંતુ અપ્રત્યાશિતરૂપે એમની સાથે પોતાની મેળે આવી જાય છે. આનંદ પ્રેમની જ સહધર્મી એક વસ્તુ છે. ભક્ત આનંદના લોભમાં ભગવાનને પ્રેમ કરતો નથી.

કર્મોની પાછળ છૂપાયેલ આનંદ આપણાં કર્મોની પ્રેરણા બને છે. આ વિશે દાર્શનિકોમાં મતભેદ છે. કેટલાક કહે છે કે આનંદ આપણું લક્ષ્ય નથી. એક આદર્શને જીવનમાં જીવવાથી આનંદ મળે છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આપણે એ આનંદને ધ્યાનમાં રાખીને આદર્શ તરફ આગળ વધતા નથી. આનંદ જ નહીં પણ સદ્બુદ્ધિ જ આપણી પ્રેરક છે. આ સદ્બુદ્ધિની પ્રેરણા જ આપણને એ દિશામાં લઈ જાય છે અને એની સાથે આનંદ પણ અવશ્યંભાવિના રૂપે આવી જાય છે. આ જ વાત શ્રીરામકૃષ્ણ કહે છે, ‘થોડો આનંદ મળે છે, તો શું કરું ?’ અભિપ્રાય એવો છે કે શું હું આ આનંદની શોધમાં એમને ચાહું છું ? ના, એવું નથી.

શ્રીરામકૃષ્ણ અહલ્યાની પ્રાર્થનાનો ઉલ્લેખ કરીને સમજાવવા ઇચ્છે છે કે ભગવાનને પોકારવાનો ઉદ્દેશ ભગવત્પ્રાપ્તિ સિવાય બીજું કંઈ પણ નથી. અહલ્યાએ કહ્યું, ‘હે રામ, જો ભૂંડની યોનિમાં મારો જન્મ થાય, તો પણ એની મને કોઈ ચિંતા નથી, પરંતુ એવું કરજો કે તમારાં ચરણ-કમળમાં મારી શુદ્ધા ભક્તિ બની રહે. હું બીજું કંઈ ઇચ્છતી નથી.’ અહલ્યાને બીજી કોઈ વસ્તુની ચાહના નથી. ચાહના છે કેવળ ભગવાનની. એનું નામ છે શુદ્ધાભક્તિ.

હવે તેઓ નારદની ભક્તિની વાત કરે છે. નારદે શુદ્ધા ભક્તિ માગી; નારદે કહ્યું, ‘તમારી ભુવન-મોહિની માયામાં હું મુગ્ધ ન થઈ જાઉં.’ અહીં પ્રશ્ન ઊભો થઈ શકે કે આ તો માગવાનું થઈ ગયું, તો પછી શુદ્ધા ભક્તિ રહી ક્યાં ? શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ભક્તિની કામના કામનાની અંતર્ગત નથી.’ ભક્તિ તો એમને જ લઈને છે. યાચના મનુષ્યને ભગવાનથી અલગ કરી દે છે. પરંતુ આ યાચના તો તેને ભગવાન તરફ લઈ જાય છે, એટલે એમાં કોઈ દોષ નથી. આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણે સરસ વાત કરી છે, ‘સાકર મીઠાઈમાં અને હીંચેનું શાક શાકની અંતર્ગત આવતું નથી. તેઓ કહે છે, ‘આનંદ થોડો મળે છે, પરંતુ એ વિષયનો આનંદ નથી. તે તો ભક્તિ અને પ્રેમનો આનંદ છે.’ આ જ આનંદ જીવને ભગવાન સાથે અભિન્ન કરી દે છે. (ક્રમશ 🙂

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.