રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સર્વપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, દેવઘર, ઝારખંડમાં ૧૯૯૪માં જોડાયા. તેમણે દેવઘર વિદ્યાપીઠ, હાયર સૅકન્ડરી સ્કૂલ તેમજ શિક્ષણ મંદિર, શિક્ષક તાલીમ ભવન, બેલુર મઠમાં વાઈસ પ્રિન્સિપલ તરીકે અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિ., બેલુર મઠના પ્રથમ રજિસ્ટ્રાર તરીકે સેવા આપેલી છે. હાલમાં તેઓ બેલુર મઠ સ્થિત બ્રહ્મચારી શિક્ષણ કેન્દ્રમાં આચાર્ય તરીકે સેવારત છે. આધ્યાત્મિકતા, ફિલસૂફી અને મેનેજમેન્ટ સાયન્સ અને શિક્ષણ વ. ક્ષેત્રોમાં તેઓ ઊંડો રસ ધરાવે છે. ‘૫્રબુદ્ધ ભારત’ મે, ૨૦૦૭માં પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખનો શ્રી નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

જીવન ગતિશીલ છે

સહુને દેખાય તેવું આ એક પાયાનું સત્ય છે. ગામડાંનું જીવન શહેરના વસવાટમાં પરિણમે છે, ઔદ્યોગિક યુગનું માહિતીના કાળમાં રૂપાંતર થઈ રહ્યું છે, માર્ગ અને રેલવેમાં થતું સામુહિક પરિવહન આકાશમાર્ગે થતું જાય છે, પત્ર-લેખનના સ્થાને હવે ઈ-મેઈલ, સેલફોનમાં વ્યવહાર થઈ રહ્યો છે. આ બધા ફેરફારોમાં રહેલી સામાન્ય બાબત એ છે કે જીવનની ગતિશીલતા વધી રહી છે. હવે જ્યારે જીવન વધુ ઝડપી બને છે ત્યારે પૂરી કરવા ધારેલી ઘણી બાબતો સમયના અભાવને ન થતાં આપણે ઘણીવાર હતોત્સાહ થઈ જઈએ છીએ. સમયના વહીવટ માટે સહાયરૂપ થાય તેવી પદ્ધતિઓ, નિયમો અને સાધનો માટે આપણે આ બાબતોના વિશેષજ્ઞો તરફ નજર દોડાવીએ છીએ, જેથી આપણે ફાળે રહેલા સમયનો ઉપયોગ કરી શકીએ.

અહીંયાં વધુ ગહન મુદ્દો સંકળાયેલો છે. સમય નિયંત્રણ આપણા કાર્યાલય અથવા સપ્તાહના અંતના સમયનો કેમ ઉપયોગ કરવો તેટલા પૂરતું જ મર્યાદિત નથી. તે સમગ્ર જીવનકાળને આવરી લે છે. આપણે કેમ જીવીએ છીએ શું કરીએ છીએ, શું વિચારીએ છીએ, જીવનમાં સંતોષ અથવા તેના અભાવને નિશ્ચિત કરીએ છીએ – તે સઘળી બાબતોનો તેમાં સમાવેશ થાય છે અને મળેલા સમયના ઉપયોગ પર આપણે કેટલું અવલંબન કરીએ છીએ, તે સત્ય આપણને ઝાઝું કરીને અવગત નથી. હકીકતમાં સમય નિયંત્રણ એ કારોબારના અધિકારીઓની ક્ષમતા સુધારવાનું એક સાધનમાત્ર નથી. માનવજીવનના અસ્તિત્વ-તેનાં અર્થ, લક્ષ્ય અને સિદ્ધિ સાથે તેને સીધો સંબંધ છે.

સૌથી મહત્ત્વનું સાધન

સમયને એક સાધન તરીકે જાણો અને તમે તેમાં ત્રણ મહત્ત્વની ખાસિયતો જોશો. પહેલું, દરેક બાબતોમાં સમય જરૂરી છે. તમે જે કંઈ કાર્ય કરો, વાતો કરો કે વિચારો તેમાં સમય લાગે છે. આમ જોતાં સમય એ વૈશ્વિક સાધન છે. બીજું, સમયનો કોઈ વિકલ્પ નથી. તેના વિકલ્પમાં બીજાથી ચાલતું નથી. લગભગ બધાં જ આર્થિક સાધનો માટે એક કરતાં વધુ વિકલ્પો હોય છે. દા.ત. માખણને બદલે માર્ગારીન, મજૂરોને બદલે મશીનો, કુદરતીને બદલે કૃત્રિમ પદાર્થાે વગેરે વિકલ્પોને તમે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકો. પરંતુ સમયને બદલે કશાનો ઉપયોગ થઈ શકે નહીં. ત્રીજું, સમયનો પુરવઠો ખરેખર મર્યાદિત છે. સમયની માંગ ગમે તેટલી હોય, પુરવઠામાં વધારો થશે નહીં. ગઈકાલના ચોવીસ કલાકનો પુરવઠો વધશે નહીં. તે ચોવીસ કલાક કાયમ માટે વપરાઈ ગયા. સમયનો અપવ્યય પદાર્થાેના અપવ્યયથી અલગ છે કારણ કે તે બચાવી શકાતો નથી ! (હેન્રી ફોર્ડ). તમે ખોદકામથી કે ખેતીથી તે ઉપજાવી શકતા નથી. અર્થતંત્રની ભાષામાં સમયરૂપી સાધનમાં જરાપણ સ્થિતિસ્થાપકતા નથી.

તમે ફક્ત બેસો અને ઘડિયાળને તાકી રહો તો જોશો કે સમય જેમ કોઈ સૌથી વ્યસ્ત વ્યક્તિનો પસાર થતો હોય તેમ તમારો સમય પણ પસાર થાય છે. તેમાં તમે કંઈ ફેરફાર નથી કરી શકતા, કરી શકો તો તમે તમારામાં ફેરફાર કરી શકો છો. સમય નિયંત્રણના હાર્દમાં આ વસ્તુ છે. સમય-નિયંત્રણ સમય વિશે નથી, પરંતુ તે આપણા જીવન વિશે, ફાળવાયેલા સમયનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેમાં સ્વાભાવિક રીતે વણાયેલું છે.

એક ખૂબ મહત્ત્વનો પુરવઠો છે જે તમે સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને બિલ ગેટ્સ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જે શક્તિશાળી, વિદ્વાન, સંત-મહાત્મા, સમૃદ્ધ અથવા બીજા કોઈ પણ ગણમાન્ય વ્યક્તિ સાથે વહેંચી શકો છો. તમારી જેમ તેઓ પાસે પણ જીવે ત્યાં સુધી ચોવીસ કલાકો હતા. તફાવત ફક્ત એટલો છે કે તે ચોવીસ કલાકનો કેવી રીતે ઉપયોગ થયો. આ બધી સૈદ્ધાંતિક આદર્શ વ્યક્તિઓ છે તે ખરું, પણ આપણે તેમના વિશે વિચારવું ઉપકારક છે. સમય મળતો નથી, તેવી ફરિયાદ ફક્ત તેઓ જ કરે છે જે સમયનો યોગ્ય ઉપયોગ નથી કરતા.

પોતાના સમયને નિયંત્રિત કરવા વિશે :

આમ સમય એક સૌથી મહત્ત્વનું સાધન છે તે આપણે જોયું. છતાં જ્યાં સુધી સમય વહી ન જાય ત્યાં સુધી આપણે તેના વિશે ભાગ્યે જ સભાન હોઈએ છીએ. આપણે સમય-નિયંત્રણ વિશે આટલા નિર્બળ શા માટે છીએ ? પીટર ડ્રાકરના મત પ્રમાણે આ નિર્બળતા આપણી ‘જૈવિક ઘડિયાળ’માં પ્રતિષ્ઠિત છે. દરેક પ્રાણીઓની જેમ મનુષ્યને પણ સમયની સભાનતા પ્રકૃતિજન્ય છે. છતાં પણ જેટ લેગ, બીમારી, નિદ્રાનો અભાવ અને આવાં અન્ય કારણોસર આ આંતરિક ઘડિયાળ આપણે માર્ગમાં ક્યાંક ખોઈ નાખીએ છીએ. આ સૌથી મૂલ્યવાન સાધનની ઉપયોગિતા તરફ આપણે બહુ જ ઓછું ધ્યાન આપીએ છીએ. નાણાંરૂપી સાધન વિશે આપણે કેટલા સભાન છીએ તે જુઓ. ખાતામાં કેટલી મૂડી છે, આવનાર ખર્ચ અને આવક કેમ વધે તે વિશે અને મૂડી રોકાણ વિશે મહત્ત્વના નિર્ણયો લઈએ છીએ, પરંતુ આપણે સમય-નિયંત્રણ માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ ?

બેન્જામીન ફ્રેન્કલીને સમય નિયંત્રણના વિષયમાં ઘણું લખ્યું છે. ‘શું તમે જીવનને ચાહો છો ?’ તેઓ પૂછે છે. ‘તો સમયને વેડફો નહીં, કારણ કે જીવન તે સામગ્રીથી બને છે.’ તેમ વળી તેઓએ કહે છે, ‘જો તમે સહુથી મૂલ્યવાન જીવન-સંપદા ઇચ્છતા હો તો જાણી લો કે તમારી પાસે સર્વોત્તમ ક્ષમતાના પ્રમાણમાં આરામ માટે, કાર્યો વિશે વિચારવા માટે, કાર્યો પૂરાં કરવા માટે, પૂરતા પ્રમાણમાં સમયની સમૃદ્ધિ છે. આ માટે એક જ ઉપાય છે, મહત્ત્વના પ્રમાણમાં દરેક બાબતોના આયોજન માટે પૂરે પૂરો સમય ફાળવો. તમારા જીવનમાં નવો ઉત્સાહ સંચરશે ત્યારે તમે તમારા જીવનમાં વર્ષોનળ અને વરસોમાં જીવનનો વધારો કરશો. દરેક બાબતો માટે સ્થાન નિશ્ચિત થવા દો. સમય-આયોજન વિષયના આધુનિક નિષ્ણાતો આથી વધુ સારી રીતે કહી શકે તેમ નથી.

લોકોનો સામાન્ય ખ્યાલ એવો છે કે સમયઆયોજન વ્યાપાર-ગૃહોના અધિકારીઓ માટે, એમ.બી.એ. વગેરે માટે છે. સત્ય આનાથી ઘણું અંતર ધરાવે છે. ભલે પ્રાથમિક તબક્કામાં સમયઆયોજનના નિયમો તેમને માટે ઘડાયા હોય. પરંતુ તે સિદ્ધાંતો બધે-વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગૃહિણીઓ એમ દરેકને લાગુ પડે છે. હકીકતમાં તો કાર્યશીલ મહિલાઓ કુટુંબ અને કારકિર્દી બન્ને સંભાળતાં હોઈ હંમેશાં દબાણ હેઠળ હોવાથી સહુથી વધુ વ્યસ્ત હોય છે. તેઓ આ સિદ્ધાંતોથી વધુ લાભ પ્રાપ્ત કરી શકે છે. સમય-આયોજનના સિદ્ધાંતો, સાધનો અને પદ્ધતિઓ મૂંઝવી શકે તેટલાં વિશાળ છે. પરંતુ મુખ્ય સિદ્ધાંતો સરળ છે. કાર્યોનું પ્રમાણ ઓછું કરી નાખો, કાર્યો વધારે ક્ષમતાથી સંપન્ન કરો અને યોગ્ય કાર્યો જ હાથમાં લો. કોઈ પણ કાર્ય નિયંત્રણોના પ્રકલ્પ માટે આ ત્રણ સિદ્ધાંતો માર્ગદર્શક છે.

કાર્ય નિયંત્રણની ચાર પેઢી

અત્યંત અસરકારક લોકોની ૭ ટેવો (૭ ઇંજ્ઞબશતિં ઘર ઇંશલવહુ ઊરરયભશિંદય ઙયજ્ઞાહય) નામે સહુથી વધારે વંચાયેલા પુસ્તકના લેખક સ્ટીફન કોવે કાર્ય નિયંત્રણની ચાર પેઢીઓ વિશે વાતો કહે છે. એક કાગળ ઉપર અથવા પોથીમાં કરવાનાં કામોની સૂચિ તૈયાર કરો અને પૂર્ણ થયેલાં કાર્યો તેમાં ચિહ્ન દ્વારા એક પછી એક દર્શાવો. આ પહેલી પેઢીનો વિચાર જે આપણે સહુ મોટે ભાગે અનુસરીએ છીએ, પરંતુ તૈયાર કરેલી સૂચિમાં કાર્યોનાં આયોજન અને અગ્રતા વિશે ઉલ્લેખ નથી. કામ આવતાં જાય તેમ તેમ કરતાં જવાં – આવા પહેલી પેઢીના વિચારમાં બીજી અને ત્રીજી પેઢીએ સમય નિયંત્રણની પદ્ધતિમાં ઘણો સુધારો કર્યો. તેમાં અનુસૂચિ (જભવયમીહય) નોંધપોથી, મુલાકાતોની સૂચિ વગેરે ઉમેરા થયા, અગ્રતા અને લાંબાગાળાના વિચારોનો પ્રવેશ થયો. પરંતુ અહીં પણ ગંભીર મર્યાદાઓ હતી. માનવો નિત્યક્રમને ચુસ્તપણે અનુસરતાં મશીનો જેવા બની રહ્યા અને માનવીય ધ્યેય અને મૂલ્યોને ધ્યાનમાં ન લેવાયાં. બીજી એક સમસ્યા પણ હતી. એક આયોજન કર્યું કે ‘હું આવી રીતે કામ કરી દિવસ પૂરો કરીશ અને કંઈ ફેરફાર આવે કે હતાશા આવે (હું નિત્યક્રમને અનુસરતો નથી, એવા વિચારો આવે.) (ક્રમશ:)

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.