(ઓક્ટોબરથી આગળ…)

પ્રાચીન આધ્યાત્મિક પ્રવાહ અને અર્વાચીન વૈજ્ઞાનિક પ્રવાહ વચ્ચે આ અનુબંધ છે – એ માટે તમારે સત્યમાં ઊંડે ઊતરવું પડે. આના ઉપલક્ષમાં તમે આ કોયડા જેવું કથન સમજી શકો – ચાર અંગવાળું કથન; તમને કર્મનો અધિકાર છે, એના ફળનો નથી; ફળ પાછળ દોટ ન મૂકો; અને અકર્મણ્ય નહીં રહો. બધાં કાર્યનાં ફળ પરનો સુવાંગ અધિકાર પોતાની જાતનો રાખવો, નહીં તો અકર્મણ્ય રહેવું, તે વૃત્તિ ભારતમાં વધુમાં વધુ જોવા મળે છે. આપણી બધી ધાર્મિકતા છતાં સામાજિક સંદર્ભમાં આપણે મોટું મીંડું છીએ. જાહેર મિલકત કોઈની મિલકત નથી. જાહેર નળ કોઈનોયે નળ નથી. આપણે માત્ર આપણા નળનું જ ધ્યાન રાખીએ છીએ. રસ્તા પરના જાહેર નળના પાણીને આપણે વહેવા દઈએ છીએ; એ મારો નળ નથી એટલે મને એની કંઈ પડી નથી. અહંની આવી લઘુતાએ આપણા દેશને જકડી લીધો છે અને નિર્બળ બનાવ્યો છે. ગીતાનો થોડો બોધ આપણા રાષ્ટ્રનું ઘણું હિત કરશે કે જેમાં તમારી આસપાસ સમાજ છે અને એનું કલ્યાણ તમારી જવાબદારી છે. મુક્ત, ગણતંત્ર રાષ્ટ્રના નાગરિક થવા માટે પણ આપણે આ નાના અહંની પાર જવું જોઈશે. ભારતમાં રહેતા હો તે પૂરતું નથી પણ તમે ભારતના છો અને ભારત માટે છો.

એટલે તો શ્રીકૃષ્ણ આપણને ત્રીજા અધ્યાયના ૧૩મા શ્લોકમાં કહે છે : ‘જે માત્ર પોતાને માટે રાંધે છે તે માત્ર પાપ આરોગે છે : भूंजते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्, જે લોકો કેવળ પોતાને માટે જ રાંધે છે ને ખાય છે તે માત્ર પાપ જ ખાય છે.

આ નાનો આત્મા માયા છે એમ બુદ્ધે કહ્યું છે. આત્મા ભિન્ન છે જ નહીં. ભિન્ન આત્માની માન્યતા, ભિન્ન વ્યક્તિત્વની માન્યતા એ સર્વ અનિષ્ટોનું મૂળ છે. સઘળો સ્વાર્થ, સર્વ ભ્રષ્ટાચાર, બધી હિંસા, સઘળું શોષણ એ મર્યાદિત અભિગમમાંથી ઉદ્ભવે છે, એટલે હું સમાજનો છું એ ભાન મને થાય પછી મારાં બધાં કર્મનાં ફળનો યશલાભ હું એકલો લઈ શકું નહીં. સ્વ – આત્મા – શબ્દ વિશાળ અને વિશાળતર થતો જાય છે, મનુષ્ય વિકાસનો એ માનદંડ છે. સૌ પોતાની ભણી જુએ એમ નાનું બાળક ઇચ્છે છે. એ કહે એમ તમારે કરવું જ જોઈએ કારણ એ કેન્દ્રમાં છે. બાળકનો એ દોષ નથી પરંતુ પુખ્ત વયની વ્યક્તિને માટે તેવું નથી. આપણે બીજાઓનો આદર કરવો જોઈએ, એમને પ્રતિભાવ દેવો જોઈએ, એમને માટે કાર્ય કરવું જોઈએ, એમને સહાય કરવી જોઈએ. સમાજમાં આંતરવ્યવહારની મોટી આવશ્યકતા છે. આ સર્વનો આધાર બીજા અધ્યાયનો એક બોધ છે : કર્મ કરો પણ એનું ફળ તમે એકલા પચાવી નહીં પાડૉ. તમે કર્મ કરી શકો તેવો ઉચ્ચતર અભિગમ છે. એ ઊંચેરો અભિગમ આપણે આજથી જ અપનાવવો જોઈએ. વાસ્તવમાં, મેં અનેકવાર કહ્યા પ્રમાણે, સહકારી સંસ્થાઓ, રાજયોની અને કેન્દ્રની સરકારો સૌ, આ બોધ આપણે ગળે ઉતારીશું તે પછી ખૂબ ફતેહમંદ થશે. ભૌતિક રીતે જે મારું નથી પણ બધાંનું છે તેની મારે વધારે કાળજી લેવી જોઈએ. આ એક વાત આપણી સામાજિક પરિસ્થિતિ પલટાવી શકે. પણ આજે આથી ઊંધું જ જોવા મળે છે. ‘એ મારું નથી એટલે મને એની કંઈ પડી નથી, મને એમાં રસ નથી.’ એટલે બધા પ્રકારનાં જાહેર સાહસો નિષ્ફળ જાય છે, નિર્ધારિત ઉત્પાદન કરી શકતાં નથી, કારણ જોઈતું ચારિત્ર્ય નથી. પણ આ પાઠ આપણે ગ્રહણ કરશું, ત્યારે આપણા રાષ્ટ્રજીવનનાં તમામ ક્ષેત્રોમાં જોરદાર વિકાસ આપણે જોઈ શકશું, આવા જાહેર ક્ષેત્ર સાથે કોઈ ખાનગી ક્ષેત્ર હરીફાઈ નહીં કરી શકે. ભારતમાં સઘળું ઊંધું છે; કોઈપણ દેશમાં જાઓ, સરકારી શાળાઓ ખૂબ કુશળ અને કાર્યસાધક હોય છે; ભારતમાં એથી ઊલટું છે ખાનગી શાળાઓ વધારે સારી છે, સરકારી શાળાઓ ખરાબ. શા માટે ? કોઈને પડી નથી.

એટલે કામ પ્રત્યેની આ સંકુચિત વૃત્તિએ સમગ્ર રાષ્ટ્રને નુકસાન પહોંચાડયું છે અને આપણી સ્વાતંત્ર્યોત્તર પ્રગતિને રુંધી છે. ‘હું અને મારું અને બાકીનું બધું સેતાનનું.’ એ અંગ્રેજી કહેવત આપણા દેશ પૂરતી સાવ સાચી છે. આપણે સેતાનને નોતર્યો, સેતાને આપણા રાષ્ટ્ર પર આક્રમણ કર્યું અને આજે, શોષણ, પીડા, ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર અને હિંસાના રૂપમાં, સેતાનની લીલા આપણે જોઈ રહ્યાં છીએ. આ પરિસ્થિતિથી ઉપર આપણે ઊઠવું જોઈએ. તો અહીં ગહન સંદેશ આવે છે. લોકો જેટલા વધારે એમાં ઊંડા ઊતરશે એટલો વધારે અર્થ એમાંથી સાંપડશે. આ વિષયનું ભાવાત્મક પાસું પછીનો શ્લોક આપે છે. કર્મનાં ફળ પાછળ દોટ મૂકવાનું મને ન કહો એ કેવળ નકારાત્મક છે. કર્મ કરતી વેળા મારો અભિગમ કેવો હોવો જોઈએ ? પછીના શ્લોકનું વિષય-વસ્તુ એ છે.

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ।।48।।

‘યોગમાં સ્થિર થઈને હે અર્જુન, આસક્તિ તજી દઈને, સફળતા – નિષ્ફળતાની ચિંતા છોડીને તું કર્મ કર. મનની આ સમતાને યોગ કહેવાય છે.’

અહીં યોગ શબ્દ ફરી આવે છે. યોગ એટલે શું ? समत्वं योग उच्यते ‘સમતા, મનનું પૂરું સમતોલપણું, યોગ કહેવાય છે.’ પણ તો કર્મ અને માનવ સંબંધોમાં મારે શો અભિગમ ધારણ કરવો ? योगस्थः कुरु कर्माणि ‘યોગમાં સ્થિર થઈને કર્મ કર.’ અગાઉ આવેલો શબ્દ બુદ્ધિયોગ એવો અભિગમ છે કે એ વડે કર્મ કરી તમે અસરકારક પરિણામ મેળવી શકો. सङ्गं त्यक्त्वा ‘આસક્તિ તજી દઈને’, એ આસક્તિ વિચ્છેદિત સ્વ – આત્મા – માંથી આવે છે. બધી આસક્તિ એ ટબુકડા માનવીમાંથી આવે છે. એ આસક્તિ જવી જ જોઈએ. પણ તે કેવી રીતે જાય ? આ નાના અહંનો તમે અસ્વીકાર કરો એટલે મોટો અહં પ્રગટ થવા લાગે. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં, કાચો ‘હું’ જાય એટલે પાકો ‘હું’ પ્રકટે. માટે सिद्ध्यसिद्ध्योः समो भूत्वा ‘સિદ્ધિ અને અસિદ્ધિમાં, સફળતા અને નિષ્ફળતામાં સમાન થઈને. નિષ્ફળતા મળતાં ખૂબ હતાશા અને સફળતા મળતાં ખૂબ ખુશાલી યોગ્ય નથી. માટે ‘મનને સમતોલ રાખવા કોશિશ કર.’ समो भूत्वा.

 

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.