સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ હતા. તેમણે ૧૯૮૫ની સાલની ૨૫ માર્ચે બેલુર મઠમાં યોજાયેલ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજની સ્મૃતિસભામાં આપેલ પ્રવચનની ટેપરેકોર્ડમાંથી અદિતિ લાહિડીએ બંગાળીમાં આ સ્મૃતિકથા લિપિબદ્ધ કરી છે. અંજુબહેન ત્રિવેદીએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
જૂના દિવસો નવી રીતે આંખની સામે આવે છે. પૂજનીય સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ એક વાત કહેતા : ‘અત્યારે તમે અધ્યક્ષ બનાવ્યો છે, શરૂઆતના સમયમાં અદ્વૈત આશ્રમનાં પુસ્તકોનો ભાર ઉપાડતાં ઉપાડતાં ખભા પર છાલાં પડી ગયાં છે.’ ત્યારે કલકત્તામાં માયાવતી અદ્વૈત આશ્રમની જે શાખા હતી તે કાૅલેજ સ્ટ્રીટ માર્કેટના બીજા માળ પર તેનાં પુસ્તકોની દુકાન હતી. તેઓ એ દુકાનમાં ઘણીવાર પોતે પુસ્તકો ઉપાડીને લઈ જતા, ત્યારે તેઓ ત્યાંના કાર્યકર્તા હતા. સંભવત: તે સમયે સ્વામી આત્મબોધાનંદ ત્યાંના અધ્યક્ષ હતા, તે વખતે જ તેઓને પહેલીવાર જોયા હતા. અવશ્ય તે પહેલાં – તેમનું જીવનચરિત્ર વાંચતાં વાંચતાં જોયું – શ્રીશ્રીમાનું જ્યારે દેહાવસાન થયું ત્યારે બેલુર મઠમાં તેમના દેહના અગ્નિસંસ્કાર સમયે તેઓ ઉપસ્થિત હતા, પરંતુ તે સમયે અનેક સાધુઓ વચ્ચે તેઓ સારી રીતે પરિચિત ન હતા તેથી તેમને ઓળખી ન શક્યો. કલકત્તાના માયાવતીના શાખાકેન્દ્રમાં કાર્યકર્તા તરીકે તેઓને પહેલીવાર જોયા હતા. તેઓ ખૂબ રમૂજી હતા, ખૂબ હસીમજાક કરતા. ઉપરાંત તેઓ કર્મનિષ્ઠ હતા, કોઈ કામનો અણગમો નહોતો. આ આપણું જરૂરી કામ નથી – એવો મનોભાવ તેમનામાં ક્યારેય નહોતો. ‘ચંપલ સિલાઈથી ચંડીપાઠ’ સુધીનાં બધાં કામો ત્યારે કરવાં પડતાં તથા બધા તેના માટે તૈયાર રહેતા. હું નહોતો જાણતો કે જ્યારે તેઓ મદ્રાસ મઠમાં કાર્યકર્તા હતા ત્યારે ઘણા દિવસો સુધી તેઓએ રસોઈ પણ કરી હતી, સાથે બીજાં કામો તો કરતા જ હતા.
અમને તેમનો પરિચય બેલુર મઠમાં આવ્યા પછી જ થયો. જોયું કે તેઓ બધા કામમાં અગ્રેસર હતા તથા તેમાં તેમની અદ્ભુત તીક્ષ્ણ બુદ્ધિ હતી. તે બુદ્ધિ જ તેઓને જાણે સાધારણ કરતાં થોડા જુદા પાડતી. એટલી બુદ્ધિ હતી કે જ્યારે બેલુર મઠમાં સ્વામી માધવાનંદજી જનરલ સેક્રેટરી હતા ત્યારે તેઓ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી હતા. અમે બહારના સેન્ટરમાંથી આવતા ત્યારે માધવાનંદજીની પાસે કોઈ સમસ્યા જણાવતા તો તેઓ કહેતા : ‘જાઓ, પ્રભુને જઈને કહો.’ સ્વામી વીરેશ્વરાનંદજીનું પૂર્વાશ્રમનું નામ ‘પ્રભુ’ હતું. ઘણીવાર ‘પ્રભુને કહો’ વાતથી અમારામાંથી કોઈ કોઈ એવું સમજતા કે ઠાકુરને કહેવાનું કહે છે ! પ્રભુ મહારાજને કહેતાં જ તેઓ સમસ્યાનું સમાધાન કરી આપતા. એટલો ભરોસો માધવાનંદજી તેમના ઉપર રાખતા. જ્યારે તેઓ થોડા સમય માટે તેમના સાધારણ સંપાદકના કામથી દૂર બે વર્ષ બહાર હતા, તે સમયે સ્વામી વીરેશ્વરાનંદજી કામચલાઉ સાધારણ સંપાદકનું કામ કરતા. ત્યારબાદ ધીમે ધીમે તેમની ઉપર વધારે જવાબદારી આવી. તેઓ સાધારણ સંપાદક બન્યા. ત્યારે અમને તેમની સાથે વધારે ઘનિષ્ઠભાવે કામ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો. જોયું, કોઈપણ વાતથી તેઓ વિચલિત નહોતા થતા. તેઓ ક્યારેય એક નિર્ણય તરત જ નહોતા લેતા. અમને પણ કહેતા : ‘જુઓ, કોઈ નિર્ણય લેતા પહેલાં ખૂબ વિચારો. ઝડપથી કોઈ નિર્ણય ન લેવો.’ ઉપરાંત તેઓ જે નિર્ણય લેતા તે ઘણા સમય સુધી વિચારીને ધીરે ધીરે જાણે એક એક પગલું ભરતા. તેમનામાં અદ્ભુત ધૈર્ય હતું. અમે તેમને ક્યારેક ક્યારેક આશ્રમ સંબંધી વાતચીતના સમયે ગુસ્સો કરતા પણ જોયા છે, પરંતુ ગુસ્સો કરીને ક્યારેય ખોટો નિર્ણય ન લઈ બેસતા તથા તે ગુસ્સો પણ ટકતો નહોતો. ખૂબ વિચાર કરતા, બીજાની વાતને પણ વિચારી જોતા. સંઘાધ્યક્ષ માટે જે ગુણો ખરેખર આવશ્યક છે તે બધા અમને તેમની અંદર અતિ વિકસિતપણે જોવા મળ્યા છે. શરૂઆતથી જ ઘણા દિવસો જુદી જુદી અવસ્થામાં તેમને જોવાનો સુયોગ મળ્યો છે, પરંતુ ક્યારેય તેમને ધૈર્ય ગુમાવતા નથી જોયા.
ઠાકુર, મા, સ્વામીજીની સ્મૃતિ સાથે સંકળાયેલ વસ્તુ – જેને આપણે રેલિક્સ (સ્મૃતિચિહ્નો) કહીએ – તે બધાં ખૂબ સારી રીતે સચવાય તે માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા તથા તેમના નામથી નકામી વસ્તુઓ તેની અંદર ભળી ન જાય તે માટે તેઓ ખૂબ સતર્ક રહેતા. તે સમયે સંઘનાં બધાં કેન્દ્રોમાં સરક્યુલર (પરિપત્ર)થી જણાવવામાં આવ્યું હતું કે આ બધી વસ્તુઓ જ્યાં જ્યાં છે ત્યાંના અધ્યક્ષો તે તપાસ કરીને હેડક્વાર્ટરને જાણ કરે અને જેનાથી તે પૂરેપૂરા પ્રયત્નથી રક્ષણ થાય તેવો પ્રયત્ન કરે. તે સિવાયના ઠાકુરના પાર્ષદોનાં જન્મસ્થાન વગેરે પ્રત્યે તેમનું પ્રબળ આકર્ષણ હતું. જીવનસંધ્યાએ તેઓ પોતે જઈને બારાસાત તથા શિકરાકૂલીનગ્રામ અર્થાત્ અનુક્રમે સ્વામી શિવાનંદજી મહારાજ અને સ્વામી બ્રહ્માનંદજી મહારાજના જન્મસ્થાનમાં જે આશ્રમ સ્થપાયા હતા તેને બેલુર મઠમાં સંમિલિત કરવાનો પ્રસ્તાવ લઈ આવ્યા હતા. એક-બે નહિ, અનેક આશ્રમ – વિશેષ કરીને અગરતલા વગેરે આશ્રમ, જ્યાં તેઓ અનેકવાર ગયા હતા તથા ત્યાંના ઘણા ભક્તોએ તેમની પાસેથી કૃપાપ્રાપ્તિ કરી હતી – તે બધા આશ્રમોને સંમિલિત કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. અમારા મનમાં થયું હતું કે આ તેઓ પોતાનું કર્તવ્ય કરતા હોય તેમ કરતા હતા. કારણ કે આવી રીતનો પ્રસ્તાવ પોતે સામાન્ય રીતે નહોતા કરતા. આ વાત એક અપવાદરૂપ સમજી શકાય.
દૈનંદિન જીવનની અંદરથી જ મનુષ્યની પ્રકૃતિનો પરિચય મેળવી શકાય. તેઓ પોતે ક્યારેય કોઈ અસુવિધા માટે વિરક્ત નહોતા થતા તથા એડજસ્ટમેન્ટ – પરિસ્થિતિ સાથેની ગોઠવી – હંમેશાં આનંદપૂર્વક કરતા. તેના માટે ક્યારેય તેઓને વિચલિત થતા અમે જોયા નથી. તેમની પ્રત્યેક ઘટનાને તે રીતે જોવાનો વિષય છે. રાજકોટમાં ઘણી જગ્યાએ તેમને લઈ જવાનું સૌભાગ્ય મળ્યું હતું. એક સાથે ફર્યા છીએ. જોયું કે અનેક અસુવિધા હોવા છતાં તેઓ ક્યારેય તે વ્યક્ત કરતા નહોતા અથવા અણગમો નહોતા વ્યક્ત કરતા.
તેમની અંદરની શક્તિ અનંત હતી. શરીરની અંદરનાં હાડ-માંસ બધાં જાણે શક્તિમાં પરિણત થયાં હતાં. આટલી અદ્ભુત શક્તિ તેમના શરીરમાં ક્યાંથી આવતી તે સમજાયું નહીં. લાંબા રસ્તે અમે ફર્યા છીએ પણ તેઓ કોઈ દિવસ કલાન્ત થયા નથી. તેઓએ કોઈ દિવસ કહ્યું નથી કે ના હવે નહીં જઈ શકાય અથવા નથી જવું, બધી જગ્યાએ આનંદથી ગયા છે તથા જઈને બધી જ પ્રકારનાં કર્તવ્યો પૂરાં કર્યાં છે. ઠાકુરની સેવાપૂજા પ્રત્યે તેમની અદ્ભુત દૃષ્ટિ હતી. તેઓ મંદિરથી દૂર રહેતા પરંતુ બધી જ બાબતોની ખબર રાખતા. તેમની પહેલાં જેઓ હતા તેઓમાં પણ આ જોયું છે. સંઘનાયક તરીકે તેઓ આ બાબતને વિશેષ કર્તવ્ય તરીકે ગણતા. આવી રીતે બધી જ બાબતોમાં વિશેષ સતર્કતા જોઈ છે.
ગરીબો પ્રત્યે તેમને અસાધારણ હમદર્દી હતી. સાધારણ લોકો માટે અમે શું કર્યું ? આ વાતની તેઓ વારંવાર ચર્ચા કરતા. જાહેરસભામાં કે અમારી અંતરંગ બેઠક કરતા ત્યારે કહેતા, ‘એ લોકો માટે શું કર્યું ? તે પહેલાં જોવું જોઈએ. અનેક જગ્યાએ કામ થાય છે તે સારી વાત છે પરંતુ જેઓ ગરીબ-પછાત છે, તેઓ માટે શું કરો છો ? ગામડાઓમાં શું કામ કરો છો ? ‘પલ્લીમંગલ’ તેમનો આત્મા હતો. સાચે જ પ્રાણ હતો. કેટલાય લોકોને તેઓએ આ કામમાં ઉત્સાહિત કર્યા હતા અને પોતે કેટલા ઉત્સાહથી આ કામ જોતા અને ઉન્નતિથી કેટલો આનંદ વ્યક્ત કરતા – આ બધી લક્ષ્ય કરવા જેવી વસ્તુ છે. (ક્રમશ:)
Your Content Goes Here