ઓક્ટોબરથી આગળ…

બ્રહ્માનંદજી અને તુરીયાનંદજી

સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ જ વર્ષે (૧૯૦૪) બેલુર મઠથી કનખલ પધાર્યા. તેમના નિવાસ માટે નાની ઝૂંપડીઓ સિવાય કાંઈ ન હતું. સંન્યાસીગણ તો પોતે જ કોઈ પણ રીતે રહેવાનો પ્રયત્ન કરતા રહેતા. પણ મહારાજ જ્યારે એકલા કનખલ આવી પહોંચ્યા ત્યારે તેઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા; કેમ કે મહારાજે પોતાના આવવાના સમાચાર અગાઉથી જણાવ્યા ન હતા. તેમને પૂછવામાં આવ્યું, ‘મહારાજ, સમસ્યા શું છે? આપ અહીં કેવી રીતે પધાર્યા ?’ જે હોય તે, પ્રારંભમાં તેમણે કોઈ જવાબ ન આપ્યો. બેલુર મઠમાં તો તેઓ રાજકુમારની જેમ રહેતા પરંતુ તેઓ જ્યારે કનખલ આવ્યા તો તેમની સેવામાં ઘણી જ ઓછી સુવિધાઓ આપી શકાય તેમ હતું. એટલે તેમને રહેવા માટે સારી જગ્યાએ વ્યવસ્થા કરવી પડી. પછીથી જ્યારે કલ્યાણ મહારાજે મહારાજને આવવાનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું, ‘જુઓ, શ્રીરામકૃષ્ણે મને એક વિશાળ જાગીર સોંપી છે. આ ઘણી જ મોટી જવાબદારી છે. હવે મારે પહેલાં એ શીખવું જોઈએ કે આને કેવી રીતે સંભાળી રાખવી. એટલે હું તેમની અહીં મદદ લેવા અને માર્ગદર્શન માટે આવ્યો છું. તેઓ કનખલમાં રહેવા ઇચ્છતા ન હતા. હરિદ્વારથી દૂર એક એકાકી નાનું ગામ હતું, જ્યાં સાધુજનો ધ્યાન-સાધના માટે જતા હતા. ઘણા સમય પહેલાં મહારાજ ત્યાં રહી ચૂક્ેલા. તેઓ ફરીથી ત્યાં જવા ઇચ્છતા હતા પરંતુ કલ્યાણ મહારાજને એ યોગ્ય ન લાગ્યું. તેઓ મહારાજની સાથે તે સ્થાન પર ગયા તથા કેટલાક શુભેચ્છકોને તેમની મદદ માટે કહ્યું. પછીથી મેં કલ્યાણ મહારાજને પૂછ્યું, ‘શું આપે પૂછેલું કે ત્યાં બેસીને ‘‘જાગીર’’ પર ધ્યાન રાખીને શું કરશે ?’ તેમણે જવાબ આપ્યો, ‘તેઓ પાછા ફરતાં પહેલાં કંઈક પ્રેરણા મેળવવા માટે પ્રાર્થના અને ઊંડા ધ્યાનમાં રહેવા ઇચ્છતા હતા એટલે તેઓ શાંત અને નીરવ વાતાવરણ ઇચ્છતા હતા.’ આ વાત કંઈક એવી હતી જે ઘણી નવાઈભરી લાગી. આ પ્રમાણે કેટલોક સમય વીત્યા પછી મહારાજ બેલુર મઠ પાછા ફર્યા તો ત્યારે તેઓ ઉત્સાહથી ભરપૂર અને અતિ સક્રિય હતા; તેમના વ્યક્તિત્વની માનોને કાયાપલટ થઈ ગઈ હતી.

પછીથી મેં બ્રહ્માનંદજી મહારાજના આ રીતે આવવા અંગે કંઈક બીજું પણ સાંભળ્યું. સ્વામીજી તો પ્રસિદ્ધ વક્તા હતા અને મોટા મોટા વિદ્વાન તેમની સાથે વાર્તાલાપ માટે આવતા હતા. મહારાજની શૈલી જરા જુદી હતી. તેઓ મૌન અને મનનશીલ રહીને લોકોને પ્રેરિત કરતા હતા. સ્વામીજીના કેટલાક પાશ્ચાત્ય શિષ્યો આ વાત સમજી શક્યા નહીં એટલે તેઓએ વિચાર્યું કે મહારાજ પોતાના કાર્ય માટે યોગ્ય નથી. તેઓ ઇચ્છતા હતા કે મહારાજ સ્વામીજીની જેમ અહીં-તહીં જઈને વ્યાખ્યાનો આપે, જ્યારે મહારાજ કેટલાક લોકોને ચુપચાપ પ્રશિક્ષિત કરી, તેમનું આધ્યાત્મિક ચરિત્રનું ઘડતર કરી તેમને કાર્ય કરવા માટે મોકલવા ઇચ્છતા હતા. તેઓ કહેતા રહેતા, ‘શાંતિથી બેસો, ધ્યાન કરો.’ તેમના બધા શિષ્ય આ પ્રકારે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. પછીથી સ્વામીજીના શિષ્યોને સમજાયું કે મહારાજની શૈલી પણ ઘણી રચનાત્મક હતી.

આ રીતે સ્વામી કલ્યાણાનંદજી અને સ્વામી નિશ્ચયાનંદજીએ ધીરે ધીરે આખી હોસ્પિટલને તૈયાર કરી. પહેલાં તે નાની હતી; તે બે કે ત્રણ ઝૂંપડીઓમાં જ હતી. એકવાર સ્વામી તુરીયાનંદજી ત્યાં આવ્યા. તેઓ નજીકમાં જ આવેલ પરંપરાનિષ્ઠ મઠમાં રહેતા હતા. સદ્નસીબે તે લોકોએ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) માટે એક નિવાસ તૈયાર કર્યું હતું, જેને હવે સ્વામી તુરીયાનંદજીને રહેવા માટે ઉપયોગમાં લેવાતું હતું. તેઓ પણ સુખસુવિધા પસંદ કરતા નહીં, અને તેમણે કહ્યું, ‘હું ક્યાંય પણ રહી શકું છું.’

નહેરની સામે ચંડીપહાડ સુધીનો સમગ્ર વિસ્તાર હકીકતે તો પૂરેપૂરો જંગલ જ હતો. રાતના સમયે એક ગાંડો ઉદ્દંડ બનેલો સાંઢ ફરતો રહેતો હતો જે બધું ઉજ્જડ બનાવી દેતો. આવું ઘણીવાર થયું અને જ્યારે પણ તેના આવવાનો અણસાર મળતો ત્યારે કલ્યાણાનંદજી તથા નિશ્ચયાનંદજી ઊઠીને તેને તગેડી મૂકવા ઉપાય અજમાવતા. જ્યારે તુરીયાનંદજી આવ્યા તો જ્યારે પણ તે ઉદ્દંડ સાંઢનો અવાજ સાંભળતા, ત્યારે તેઓ કહેતા, ‘અરે, કલ્યાણ, સાંઢ આવી રહ્યો છે.’ તેઓ હંમેશાં તેના આવતા પહેલાં જ બતાવી દેતા હતા. આશ્રમમાં એક મોટો ઢોલ હતો, તે તેને વગાડતા અને સાંઢ દૂર જતો રહેતો. આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું. એક દિવસ કલ્યાણાનંદજીએ તેમને પૂછ્યું, ‘મહારાજ, શું તમે રાતે સૂતા નથી ? સાંઢના જરાક અવાજથી આપ જાગી જાઓ છો, શું આપ સૂતા નથી ?’ તુરીયાનંદ મહારાજે જવાબ આપ્યો, ‘તોમાદેર મતો નોઈ – (તમારી માફક નહીં).’ તેમણે ફક્ત આટલું જ કહ્યું. આ કલ્યાણાનંદજીની નોંધ લખેલી છે. તેમની મહાસમાધિ પછી મને તેમની વસ્તુઓ વ્યવસ્થિત કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે મને તે નોંધ મળી હતી. સન ૧૯૩૭ના અંત સમયની વાત છે, તે સમયે સ્વામી જગદાનંદજી ત્યાં હતા. મેં કહ્યું, ‘મહારાજ, હું આપને આ બતાવવા માગું છું. કલ્યાણ મહારાજે સ્વયં મહારાજ અને હરિ મહારાજને અહીં આવવા અંગે અને તે ઉદ્દંડ સાંઢની વાત લખેલી છે. હરિ મહારાજે કહ્યું હતું, ‘તોમાદેર મતો નોઈ – (તમારી માફક નહીં).’ આપ આને કેવી રીતે સમજાવશો ?’ સ્વામી જગદાનંદજીએ કહ્યું :

નતેઓનું વ્યક્તિત્વ જ અલગ હતું, નિ:શંક આપણી પરિભાષા પ્રમાણે તેઓ સૂતા તો હતા પરંતુ તો પણ તેઓ પૂરી રીતે સાવધ રહેતા હતા – પૂરી રીતે સાવધ. અમે તેમને બહુ જ સારી રીતે જોયા છે. એટલે તે આવી રહેલા સાંઢનો અવાજ સાંભળી શકતા હતા. જાણો છો, શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું હતું, ‘મેં નીંદરને સુવાડી દીધી છે.’ શ્રીરામકૃષ્ણના આ શિષ્ય, આ મહાન આત્માઓ પણ તેટલા જ મહાન છે.’ સ્વામી જગદાનંદજી હરિ મહારાજના સાન્નિધ્યમાં રહ્યા હતા તથા તેમણે તેમની સેવા પણ કરી હતી એટલે તેમણે આમ કહ્યું.
આ રીતે બન્ને સ્વામી કોઈપણ રીતે કામ ચલાવી રહ્યા હતા અને અનેક દર્દીઓ આવ્યા કરતા હતા. ધીરે ધીરે તેમણે કેટલીક વધુ ઝૂંપડીઓ પણ બનાવી. ખેદજનક વાત તો એ હતી કે આ સેવા માત્ર પુરુષો માટે જ હતી કેમ કે અહીં સંન્યાસીઓ સેવા કરતા હતા. એવું ન હતું કે ભેદભાવ હતો, પરંતુ તેઓ સંન્યાસી હતા એટલે પુરુષ દર્દીઓને જ પ્રવેશ આપી શકાતો હતો.
(ક્રમશ:)

Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.