સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા

(ગતાંકથી આગળ…)

સામાન્ય મનુષ્યો પ્રત્યે તેમની સહાનુભૂતિ – સામાન્ય મનુષ્ય એટલે કે બહારના જેવી રીતે – તેવી રીતે મઠના સંન્યાસી, બ્રહ્મચારી પ્રત્યે પણ એકસરખી હતી. કોઈ ક્યાંક અસ્વસ્થ છે તે સાંભળતાં જ ભક્તો તેમને જે બધી વસ્તુઓ આપતા તે બધી તેવા અસ્વસ્થોની સેવા માટે મોકલી દેતા તથા ઘણી વખત કોણે મોકલી છે તે પણ જણાવવા નહોતા દેતા. તેઓ હંમેશાં ખબર રાખતા કે કોને શેની જરૂર છે અને તેને તે વસ્તુ યોગ્ય સમયે આપવાનો પ્રયત્ન કરતા. આવા ભાવથી સંઘની સેવા – માત્ર સંઘનાયક તરીકે નહીં, સંઘના એક કાર્યકર્તા તરીકે પણ તેમને કરતા જોયા છે.

હજી પણ એક વાત અનેક લોકો જાણતા નથી. શ્રી સારદા મઠ પ્રતિષ્ઠિત થતા પહેલાં જ તેઓ તેના માટે વિશેષ પ્રયત્ન કરીને અર્થસંગ્રહ કરવાના કામમાં લાગી ગયા હતા. અમે જોયું છે, તે માટે તેઓ મુંબઈ ગયા હતા. ત્યાંના ભક્તો પાસેથી અર્થસંગ્રહનો પ્રયત્ન કર્યો હતો – જો કે આ પ્રયત્ન ખૂબ સફળ નહોતો થયો – છતાં તે વિષય પ્રત્યેનો એકાંતિક આગ્રહ અમે તેમનામાં જોયો છે. જેનાથી મઠ પ્રતિષ્ઠિત થાય તે માટે તેઓ કેટલા પ્રયત્નો કરતા હતા ! સ્વામીજીની ઇચ્છા કહો કે સ્વામીજીનો આદર્શ કહો, તેના માટે તેઓએ પોતે આટલો પ્રયત્ન કર્યો. ત્યાર પછી પણ જોયું છે, તે મઠમાં કોઈપણ અસુવિધા થતાં મઠની સંન્યાસિનીઓ હંમેશાં તેમની પાસે જ આવીને કહેતી, તેઓ પણ બની શકે તેટલો પ્રયત્ન કરીને તેમની સમસ્યાનું સમાધાન કરતા.

આવી રીતે બધી જ જગ્યાએ, નાના નાના આશ્રમોને પણ – ૧૦-૧૨ માઈલ દૂર શહેરની બહાર, તેઓ સહાય કરતા – તેઓને જેનાથી કષ્ટ ભોગવવું ન પડે તે માટે તેઓ શક્ય તેટલો પ્રયત્ન કરતા. સંઘને સામગ્રિક દૃષ્ટિથી જોવો, સંઘના દરેક અંગની ઉન્નતિનું એકસરખું પ્રયોજન, સંઘના જ તેઓ અંતરંગ તથા ઠાકુર સંઘરૂપ, તે જ પ્રત્યેક ક્ષેત્રે તેઓ તેમને સન્માન આપીને ઠાકુરની સેવા કરતા તે એક જોવા જેવી વસ્તુ છે.

પૂજનીય મહારાજ સ્વામીજી અને ઠાકુરના ભાવપ્રચાર ઉપર ખૂબ જોર દેતા. તેઓ વારંવાર કહેતા, ‘આપણા જુદા જુદા આશ્રમોમાં જેટલા પ્રકાશન વિભાગ છે, તેઓ બધાનું કર્તવ્ય છે કે ઓછી કિંમતે, શક્ય હોય તો વિનામૂલ્યે, ગ્રંથ પ્રકાશન કરી સામાન્ય લોકોમાં પ્રચાર કરે. આ પ્રચાર ઉપર તેઓ સતત ખૂબ ભાર મૂકતા. જ્યાં સુધી બન્યું ત્યાં સુધી પોતે પણ આમ કર્યું છે. જ્યારે તેઓ પરમાધ્યક્ષ હતા ત્યારે પોતે ન કરી શકતા તો તે કામ બીજા પાસે કરાવતા. આ બધા કામમાં તેઓનો અસીમ ઉત્સાહ હતો. આ વસ્તુ અમે જોઈ છે તથા પહેલાં પણ કહ્યું તેમ તેઓ પોતાની સુવિધા – અસુવિધા ક્યારેય જોતા નહોતા. તેમનું જીવન અત્યંત સામાન્ય હતું. અતિ સામાન્ય જીવન જ તેઓએ પસંદ કર્યું હતું. મઠમાં જે ઓરડામાં તેઓ રહેતા તેની છત પર એક નાનો ઓરડો હતો. તે ઓરડો પાછો વરસાદના સમયે ભીનો પણ થઈ જતો.

મહારાજ જે ઓરડામાં રહેતા ત્યાં બાથરૂમ નહોતું. એવા ઓરડામાં રહીને તેઓ પોતાનું કામ કરતા. જ્યારે તેઓ આસિસ્ટન્ટ સેક્રેટરી હતા ત્યારે પણ તે ઓરડામાં જ રહેતા હતા. તેઓ વધારે વસ્તુઓનો ઉપયોગ નહોતા કરતા. સામાન્ય પહેરવા – ઓઢવાનું, વ્યાવહારિક ચીજોમાં કોઈ આડંબર નહોતો. પરંતુ તીક્ષ્ણ બુદ્ધિ તથા મેધાશક્તિથી તેઓએ જે ભાવથી સંઘની સેવા કરી છે, તે વિચાર કરતાં અવાક બની જવાય. જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ અંત :કરણપૂર્વક સંઘની સેવા કરી ગયા છે. તે સેવાનું કામ આપણને વિસ્મિત કરે છે.

આપણે જેમને સંઘગુરુરૂપે જોઈએ છીએ તેમની વાત વિશેષભાવથી મનમાં રાખવાની કે ગુરુ તો ઠાકુર સ્વયં, આપણે બધા જાણે તેમની છબી કે પ્રતીક. પોતાને માત્ર ઠાકુરના ભાવપ્રચારના યંત્રરૂપે માનવા જોઈએ.

આ વાત તેઓ ખૂબ ભાર દઈને કહેતા. તેમના જીવન કે તેમની જન્મતારીખ સંબંધે તેઓ ક્યારેય કંઈ નહોતા કહેતા, કારણ કે આ ગુરુવાદ એક-એક વ્યક્તિને લઈને – તેના તેઓ અત્યંત વિરોધી હતા. તેઓ કહેતા, ‘ઠાકુર જ એકમાત્ર સંઘગુરુ, ઈષ્ટ બધું જ છે. બાકીના બધા જ તેમના યંત્રરૂપ. તે યંત્ર જ સંપૂર્ણ બનશે, તે યંત્ર પોતાનું અભિમાન ન રાખે. અહંકાર ભૂલીને તેમના હાથમાં પોતાને ધરી દઈને તેમના કાર્યમાં આત્મસમર્પણ કરી શકે તે જ શ્રેષ્ઠ – સંપૂર્ણ યંત્ર બની શકે, તે યંત્ર તરીકે તેઓએ લાંબા સમય સુધી કાર્ય કર્યું છે. ઘણી વખત કોઈની ઇચ્છા ન હોય તો પણ જોર દઈને કરાવતા, તે માટે તેઓ કોઈ કોઈ પાસે અપ્રિય પણ બન્યા છે. છતાં મૂળ વાત એ હતી કે તેમાં તેમની પોતાની કંઈ સ્વાર્થબુદ્ધિ ન હતી. સંઘના કલ્યાણ માટે જ તેઓ બધું કરતા તથા આ જ સેવા જીવનના અંતિમ શ્વાસ સુધી કરી છે.

આપણે તેમની વાતની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે આપણે પણ પોતાને ઠાકુરના યંત્રરૂપ માનીએ તથા મહારાજે તેમનું જીવન જે રીતે આપણને દેખાડ્યું છે, તે જીવન આપણા માટે અનુકરણીય બને. આ વાત આપણે મનમાં રાખીએ તથા ધીમે ધીમે આપણા જીવનને પણ તે ભાવે તૈયાર કરીએ, જેથી આપણે ઠાકુરના યંત્ર બની શકીએ. પોતાના અહંકારનો ત્યાગ કરીને ઠાકુરના સંઘને આત્મસમર્પણ કરવું – તે અમારા સાધુ-બહ્મચારીઓ માત્ર નહીં, ગૃહસ્થ ભક્ત, અનુરાગી બધા માટે વિચારણીય છે. સંઘ એટલે શ્રીરામકૃષ્ણના ભાવમાં રંગાયેલ આ વિશાળ સંઘ. ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રીશ્રીમા સારદાદેવી તથા સ્વામીજી પાસે પ્રાર્થના કરું છું, તેમના આશીર્વાદથી આપણું જીવન જાણે તે ભાવથી જ આગળ વધે. આપણે આપણાથી જેટલી બની શકે – સામર્થ્ય અનુસાર – સંઘની સેવા કરીએ, દેશની સેવા કરીને, જગતનું કલ્યાણ કરીને આપણા જીવનને સાર્થક કરીએ.

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.