(ગતાંકથી આગળ…)

૨. સાહિત્યિક આંદોલન

બંગાળમાં સાહિત્યિક નવજાગરણ માઈકલ મધુસૂદન દત્ત (૧૮૨૪-૧૮૭૩)ની કાવ્યરચનાઓથી થયું હતું. એમની કવિતામાં બંગાળના લોકોનાં જીવન અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. પરંતુ બંગાળી સાહિત્યને દેશભાવના અને આધુનિકતાનો સૂર આપનાર હતા બંકિમચંદ્ર ચેટરજી. (૧૮૩૮-૧૮૯૪) બંકિમચંદ્ર માનવતાવાદી હતા. એમનું માનવતાવાદીપણું વીરનાયકભાવ, દેશદાઝ, પવિત્રતા, શીલ અને અંતરાત્મા તથા બુદ્ધિના સ્વાતંત્ર્ય પર આધારિત સદ્ગુણો અને ઉચ્ચ આદર્શ પર રચાયું હતું. એમના શ્રીકૃષ્ણના જીવન વિશેના પુસ્તકમાં તેઓ ઈશ્વરને અવતારરૂપે વર્ણવતા નથી, પરંતુ તેને બદલે સર્વસંપૂર્ણ, સાર્વત્રિક ગુણોવાળા આદર્શ માનવ અને કર્મયોગીરૂપે વર્ણવે છે. બંકિમચંદ્રની સાહિત્યકૃતિઓએ પ્રાદેશિક સાહિત્યની ઉન્નતિમાં ભારતના બીજા પ્રદેશોમાં પણ ઘણો પ્રભાવ પાડ્યો છે.

રવીન્દ્રનાથ ટાગોર (૧૮૬૧-૧૯૪૧)ના આગમન સાથે બંગાળી સાહિત્ય પૂર્ણપણે ખીલી ઊઠ્યું. પોતાનાં પ્રારંભિક વર્ષોમાં તેઓ સ્વામી વિવેકાનંદના સમકાલીન હતા. તેઓ પશ્ચિમની સંસ્કૃતિના પ્રશંસક હતા અને પૂર્વ અને પશ્ચિમના સમન્વયના તેઓ આગ્રહી હતા. આમ તો તેઓ સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિને વરેલા હતા.

ભારતના બીજા પ્રદેશોમાં પણ પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ સાહિત્યકૃતિઓ દ્વારા અભિવ્યક્ત થવા લાગ્યો. એમાં હિન્દી સાહિત્યના ભારતેન્દુ હરિશ્ચંદ્ર (૧૮૫૦-૧૮૮૫), ઉર્દૂ સાહિત્યના મિર્ઝા ગાલિબ (૧૭૪૭-૧૮૬૯) અને બીજી પ્રાદેશિક ભાષાના અગ્રણી સાહિત્યકારોનો ઉલ્લેખ કરી શકાય.

૩. સામાજિક – રાજનૈતિક આંદોલન

ઉપર ચર્ચેલ સામાજિક – ધાર્મિક અને સાહિત્યિક આંદોલને ભારતીયોને પોતાના સાંસ્કૃતિક વારસાની અને પોતે ભારતીય છે એનું ગૌરવ અનુભવવાની થોડી સમજણ આપી. આ રાષ્ટ્રભાવના પછીથી ભારતના લોકોએ શરૂ કરેલ ઘણાં પ્રાદેશિક ભાષાનાં વર્તમાન પત્રો અને સામયિકોએ ઉત્તેજી અને તેનો પ્રચારપ્રસાર પણ કર્યો.

આ બધાંના પરિણામે રાષ્ટ્રભાવનાવાળી રાજનૈતિક જાગૃતિ અને ભારત એક વિલક્ષણ રાજનૈતિક દેશ કે એકમ છે એવું જાગરણ લોકોના મનમાં આકાર લેવા માંડ્યું. છતાં પણ બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવવાનું વિચારવા અને ભારતને સાર્વભૌમિક રાષ્ટ્ર બનાવવા વિચાર કરવો તે એ સમયે ઘણું સમય પૂર્વેનું કાર્ય હતું. વહીવટી તંત્રમાં વધારે ભાગ લેવો, વધુ નાગરિક સુવિધાઓ પૂરી પાડવી, બ્રિટિશ નાગરિકો સાથે સમાનતાનો ભાવ રાખવો, દેશી ઉદ્યોગોનો વિકાસ કરવો અને બીજી સુધારણા કરવી વગેરે બાબતો ૧૯મી સદીના સામાજિક રાજનૈતિક નેતાઓના મનમાં હતી. એટલે રાજનૈતિક ચેતનાના ઉષ :કાળે ભારતીયોના મનમાં આવેલ આંદોલનને સંપૂર્ણપણે રાજનૈતિક આંદોલન ગણવા કરતાં સામાજિક – રાજનૈતિક આંદોલન ગણવું જોઈએ. એ જમાનાના બંગાળના સામાજિક – રાજનૈતિક ક્ષેત્રના મુખ્ય નેતાઓમાં હરિશ્ચચંદ્ર મુખરજી, રાજનારાયણ બોઝ, ભૂદેવ મુખરજી, નવગોપાલ મિત્ર, જ્યોતીન્દ્રનાથ ટાગોર અને સુરેન્દ્રનાથ બેનરજીનાં નામ ગણાવી શકાય.

૧૮૭૬માં સુખ્યાત વક્તા અને નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ કોલકાતા’ અને ઉદાર વિચારસરણીવાળા એ.ઓ.હ્યુમ, ડબ્લ્યુ. સી. બેનરજી અને દાદાભાઈ નવરોજી તેમજ બીજા કેટલાક બ્રિટિશરો અને ભારતીય નાગરિકોએ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ની સ્થાપના કરીને ભારતનાં સામાજિક – રાજનૈતિક આંદોલનને સંસ્થાકીય સમર્થન આપ્યું.

ઉપર દર્શાવેલ આંદોલન મોટેભાગે ઉચ્ચવર્ગના હિંદુઓ પૂરતું મર્યાદિત બની રહ્યું. મુસ્લિમોએ પશ્ચિમની સંસ્કૃતિના પ્રભાવનો કોઈ પ્રબળ પ્રતિભાવ ન આપ્યો. ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ની સ્થાપનાથી હિંદુઓના પ્રભુત્વની શંકા ઊભી થઈ. મુસ્લિમોએ સર સૈયદ અહમ્મદખાનના નેતૃત્વ હેઠળ ‘મહમ્મેદન એન્ગ્લો ઓરિએન્ટલ કોલેજ’ની સ્થાપના કરી. આ સંસ્થા પાછળથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પરિવર્તિત થઈ. અલબત્ત, સર સૈયદનો મૂળ હેતુ મુસ્લિમોમાં આધુનિક કેળવણી અને આધુનિક દૃષ્ટિકોણ ફેલાવવાનો હતો. પણ અલીગઢનું આંદોલન મુસ્લિમોમાં એક અલગતાવાદી રાજનૈતિક ચેતનાનું પરિબળ બની રહ્યું. ધર્મ ધર્મ વચ્ચેની એકતાના વૈશ્વિક સિદ્ધાંતોના વિકાસ અને વ્યાવહારિક આચરણના અભાવે વરસો જતાં હિંદુ મુસલમાન વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ અને અર્ધી સદી પછી ભારતના ભાગલા પડ્યા.

ભારતના નવજાગરણમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન

આગળનું લંબાણપૂર્વક વિવરણ આપવાનો હેતુ તે સમયે ભારતમાં અને વિશેષ કરીને બંગાળમાં પ્રવર્તતી સામાજિક – સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિસ્થિતિનો થોડો ખ્યાલ આપવાનો હતો. ૧૯મી સદીમાં ભારતના નવજાગરણમાં સ્વામી વિવેકાનંદે જે મહાનકાર્ય કર્યું હતું એને સમજવા આ પરિસ્થિતિનું યોગ્ય આકલન આવશ્યક છે. સ્વામી વિવેકાનંદના મહાકાર્ય વિશે સુખ્યાત વિદ્વાનોએ કેટલાય સંશોધનાત્મક અભ્યાસો કર્યા છે. (ક્રમશ 🙂

Total Views: 288

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.