(ગતાંકથી આગળ…)
મહાભારતમાં (ગીતાના નહીં પણ ઉત્તર સિંધના) સંજય નામના રાજકુમારની કથા આવે છે. યુદ્ધમાં હારી જવાથી એ ખૂબ નાસીપાસ અને અકર્મણ્ય થઈ ગયો. જીત્યો હોત તો એને ખૂબ ગર્વ થયો હોત. એની માતા વિદુલા વીરાંગના હતી. એણે પુત્રને કહ્યું : ‘આમ નાહિમ્મત ન થઈ જા. મર્દ બન, બળવાન બન. પરાજય આવે, જય આવે; એનાથી તારે ચલાયમાન ન થવું. એ સઘળા સમુદ્ર તરંગ જેવા છે. તારે એનાથી પર ઊઠવું જોઈએ. પછી થોડા શબ્દોમાં મુકાયેલી વિદુલાની પ્રખ્યાત જોરદાર ઉક્તિ આવે છે : मुहूर्तं ज्वलितं श्रेयो न तु धूमायितं चिरम्, ‘તું ભલે એક ક્ષણમાં ભડકો થઈ જા પણ તે યુગો સુધી ધુમાડારૂપે રહેવા કરતાં ચડિયાતું છે.’ પ્રત્યેક મનુષ્ય માટે કેવો તો ઊર્ધ્વગામી સંદેશ! યુગો સુધી ધુમાડો થવું, શો આનંદ છે એમાં ? ભડકો થઈને એક ક્ષણમાં ખલાસ થઈ જા, યુગો સુધી ધુમાડારૂપે ન રહે ! અંગ્રેજ કવિ બેન જોન્સનના કહેવા પ્રમાણે,
નાની ને અલ્પ ચીજોમાં સૌંદર્ય સાંપડે સદા,
અલ્પ ગાળામાં પાંગરે જીવન પૂર્ણ એ સદા.
શંકરાચાર્ય માત્ર ૩૨ વર્ષ જ જીવ્યા હતા પણ ભારત જેવા વિશાળ દેશના ચિંતન ઉપર એ ઘેરી અસર મૂકતા ગયા. એટલે આમ જીવનની સ્પષ્ટ હેતુવાળી, ધીરતાસભર ફિલસૂફીમાં આ બધાં ભાવાત્મક તત્ત્વો હશે. ‘હું’ અને ‘મારું’, ‘મને કોઈની પડી નથી.’ જેવાં હલકાં વલણોને આવી ફિલસૂફીમાં સ્થાન જ નહીં હોય.
માટે શ્રીકૃષ્ણ કહે છે : योगस्थः कुरु कर्माणि ‘ચેતનાની યોગ કક્ષાએથી કાર્ય કર.’ આ મહાન વિષય છે અને જીવનની પૂર્ણ અને સર્વાંગી ફિલસૂફી એ છે. આજે પશ્ચિમમાં આ વિષય ખૂબ, ખૂબ આકર્ષક છે. આપણી ચૈતન્યકક્ષાને કઈ રીતે ઊંચે લઈ જવી ? ગમે તેમ તો પણ બધાં કર્મો ચેતનાની એક ચોક્કસ કક્ષાએથી આવે છે. એ બીજી કક્ષાએથી આવે તો કર્મનું પરિણામ જુદું હશે. ગુનેગાર એક કામ જ કરે છે. એની ચેતનાકક્ષા એક જ દશામાં હોય છે; ખૂબ ઉદાર માણસ પણ કાર્ય કરે છે, એનું કાર્ય બીજી ચેતનાકક્ષાએથી ઉદ્ભવે છે. એટલે ચેતનાકક્ષાને ઊંચે લઈ જવાનો આ વિષય, बोध उन्नमना આજે બધા દેશોમાં આકર્ષક વિષય છે. સરકારી સચિવાલયનો કોઈ અમલદાર કે કારકુન લોકો પ્રત્યે બેદરકાર અને બિનજવાબદાર હોય તો એની પ્રવૃત્તિનું ઉદ્ભવસ્થાન જનનતંત્રને વશ લઘુ અહંની નીચેરી કક્ષાએ છે. જનીન બીજો સ્વાર્થી છે એમ અર્વાચીન જીવશાસ્ત્ર કહે છે; મૂલ્યોનું ઉદ્ભવસ્થાન એ બની શકે નહીં. લોકકલ્યાણમાં રસ લેતો બીજો કારકુન કે અમલદાર, ‘હું તમને શી સહાય કરી શકું ? બોલો, તમારી શી સેવા કરી શકું ?’ એ અભિગમથી પ્રતિભાવ આપે છે. આ પ્રતિભાવ બીજી ચેતનાકક્ષાએથી આવે છે, એ જનીનતંત્રથી ઊંચેરી કક્ષા છે. જે ચેતનાકક્ષાએથી ભાવાત્મક કાર્યો પ્રકટે છે, અને સમાજનું ભાવાત્મક હિત જન્મે છે તેને योग કક્ષા કહેવાય છે અથવા, યોગબુદ્ધિકક્ષા કહેવાય છે. માટે તો कर्माणि योगस्थः कुरु कर्माणि, ‘યોગની સુવિધાજનક ભૂમિકાએથી કર્મ કર.’ પછી યોગની બેમાંની એક વ્યાખ્યા આવે છે : समत्वं योग उच्यते, ‘યોગ એટલે (ચિત્તની) સમતા છે, સંતુલિતતા છે ! પ્રત્યેક અનુભવ ચિત્તને એક તરંગમાં, નાના કે મોટા તરંગમાં, ફંગોળે છે. એ તરંગ ઘટનાને નિયમનમાં રાખવાની શક્તિ તમારી પાસે છે. એ શક્તિનો તમે ઉપયોગ કરો તો તમે મુક્ત માનવી છો, તમારી ઉચ્ચતર મગજશક્તિને તમે વાપરો છો. જો નથી વાપરતા તો તમે સંજોગવશ પ્રાણી છો. કોઈ તમને કહે છે, ‘રડો’ અને તમે રડવા લાગો છો. કોઈ કહે છે, ‘હસો’ અને તમે હસવા માંડો છો. તમને સ્વતંત્રતા નથી. એમ હોવું ન ઘટે. મારે હસવું હશે ત્યારે જ હસીશ, કોઈના કહેવાથી કે પ્રકૃતિને વશ થઈ નહીં હસું – સ્વતંત્રતા, મુક્તિ એને કહેવાય : સમગ્ર ગીતાબોધ માનવ મુક્તિના સત્ય પર આધારિત છે. આપણે મુક્તિમાંથી આવીએ છીએ, મુક્તિમાં આપણે જીવીએ છીએ અને પાછા આપણે મુક્તિમાં ભળી જઈએ છીએ. સ્વામી વિવેકાનંદે એને વેદાંતનો બોધ કહ્યો છે. એટલે અહીં, ચિત્તને ડોલાયમાન કરવા માટે અનેક સંજોગો ઊભા થાય છે ત્યાં, ચિત્તને સમતોલ રાખવાની શક્તિ માનવ મહત્તાની, માનવશક્તિની ખરી કસોટી છે; આ બાબત અનેક દૃષ્ટાંતો આવે છે. બુદ્ધની ઉચ્ચતમ કક્ષાથી માંડી સમાજમાં મહત્તાની સામાન્ય કક્ષાઓ સુધીના, સિદ્ધિના અનેક પ્રકારો આપણને સાંપડે છે. પણ તમે બહારના અંકુશોથી મુક્ત છો એ દર્શાવવા તમે લીધેલું દરેક કદમ પ્રગતિ છે, સાચી માનવ પ્રગતિ છે. આના પર વારંવાર ભાર દેવાની જરૂર છે.
દેહમાં ઉષ્ણતાસ્થાપક સંતુલનની અને બીજાં પ્રાણીઓની તુલનાએ માનવતંત્રમાંના રક્તરચના જેવાં બીજાં સંતુલનોની વાત કરતાં, અગાઉ મેં અર્વાચીન જ્ઞાનતંતુશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો હતો. દરેક બાબત સંતુલિત છે. કામથી સંતુલન જતું રહે તો એ સ્વયંસંચાલિત રીતે સંતુલન પાછું કરી શકે છે. એ અદ્ભુત સિદ્ધિ મારી કે તમારી નથી, પ્રકૃતિની છે. આ બારામાં, મેં જેનું અગાઉ અવતરણ આપ્યું હતું તે વિખ્યાત ફ્રેન્ચ શરીરશાસ્ત્રી કલોદ બર્નાડ કહે છે કે ‘ભીતરનું સ્થિર પર્યાવરણ મુક્ત જીવનની શરત છે.’ તમે ખરેખર મુક્તિ ઇચ્છતા હો તો તમારે ભીતરમાં સ્થિર, અચલ પર્યાવરણ બનાવવું રહ્યું; એ એવું ન હોવું જોઈએ કે બાહ્ય ચડતીપડતીથી ચલાયમાન થઈ જાય. તો એટલી હદ સુધી, તમારા જીવનની પૂર્ણતા તરફ તમે પ્રગતિ કરી રહ્યા છો. આમ આપણે અચલ આંતરિક પર્યાવરણ ઊભું કરવું જોઈએ. આ ઘણો અઘરો વિષય છે એટલે હું ઈંગ્લેન્ડના ગ્રે વોલ્ટરનું એક અવતરણ આપું છું. ‘ધ લિવિંગ બ્રેય્ન’ પુસ્તકમાં (પૃ. ૧૭ પર), પોતાના ગુરુ સર જોઝફ બારફોસ્ટને ટાંકીને, આ વિષયની ચિત્તહર ચર્ચા કરતાં એ કહે છે કે : ‘પસાર થતી નૌકાથી સરોવરમાં ઊભા થતા તરંગો મેં કેટલી બધી વાર જોયા છે, એમની નિયમિતતાની નોંધ લીધી છે અને આવાં બે તરંગતંત્રોનું મિલન થાય ત્યારે રચાતી ભાત માણી છે… પણ સરોવર તદ્દન શાંત હોવું જોઈએ… જેનાં લક્ષણો શાંત નથી થયાં તેવા પર્યાવરણમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા રાખવી… તે તોફાની એટલેંટિક સમુદ્રની સપાટી પર તરંગભાત શોધવાના જેવું છે !
Your Content Goes Here