(ગતાંકથી આગળ…)

ત્રિગુણ અને સાધક

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું કંઈ ગમતું નથી. કોઈ-કોઈ પ્રારબ્ધબળને લીધે જન્મથી જ શુદ્ધ સત્ત્વગુણ પામતા હોય છે.’ પછી કોઈ કોઈને ક્રમશ: શુદ્ધ સત્ત્વની પ્રાપ્તિ થાય છે. રજોગુણયુક્ત ‘સત્ત્વ’ દ્વારા સત્કર્મમાં પ્રવૃત્ત રહી શકાય છે. આ બધામાંથી પસાર થઈને તે ક્રમશ: સત્ત્વગુણ સુધી પહોંચે છે. શ્રીરામકૃષ્ણ એમ પણ કહે છે કે જગત પર ઉપકાર કરવો તે સામાન્ય માણસ માટે ખૂબ જ અઘરું છે. આપણે એ સમજી લેવું જોઈએ કે આપણે જગત માથે કેટલો ઉપકાર કરી શકીશું ? રજોગુણની અસરને લીધે આપણું મન એમ કહે છે કે હું આ કરું કે તે કરું. બધાએ કર્મ તો કરવું જ પડશે. આ નિષ્કામ કર્મ કરતાં કરતાં રજોગુણયુક્ત સત્ત્વગુણ ક્રમશ: ‘શુદ્ધસત્ત્વ’ બની જાય છે. રજોગુણ, ત્યારબાદ રજોમિશ્રિત સત્ત્વગુણ અને પછી શુદ્ધસત્ત્વગુણ – આ રીતે મનુષ્ય આગળ વધે છે.

આપણે અત્યારે જે અવસ્થામાં છીએ તેમાં આપણને જે ઉપયોગી છે તે જ કરવું જોઈએ. જો આપણે શુભારંભમાં કહીશું કે અમે બધા શુદ્ધસત્ત્વનું જ અનુસરણ કરીશું, ભગવાન પાસે કંઈ નહીં માગીએ – તો શું કહેવા માત્રથી બધું થઈ જશે ? આપણે એમ કરી શકીશું નહીં. પ્રયત્નો કરવાથી ડગલેને પગલે મુસીબતો આવે છે. કારણ એ છે કે આપણે હજી ‘કામનાશૂન્ય’ થયા નથી. શાસ્ત્ર કહે છે : ‘શુદ્ધસત્ત્વ અથવા અહૈતુક કોણ હશે ? જેમણે ‘તેમનો’ (ઈશ્વરનો) આશ્રય લીધો છે તે જ.’ તો પછી ‘અહૈતુકી ભક્તિ’નો ઉપદેશ શા માટે આપવામાં આવે છે ? એ દર્શાવવા માટે કે લક્ષ્ય શું છે. આપણે ત્યાં જવું પડશે, એ જ અવસ્થામાં આપણે પહોંચવું પડશે. એટલા માટે આદર્શને નજર સમક્ષ રાખીને કહેવામાં આવે છે કે ‘એક એક ડગલું ભરતાં ભરતાં તમારે ‘ચરમલક્ષ્ય’ સુધી પહોંચવું પડશે. એક સીડી હોવી જરૂરી છે, જેના દ્વારા આપણે છત પર પહોંચી શકીશું.’ એટલે લક્ષ્યને જાણવું જરૂરી છે, નહીં તો બેચાર સીડી ચઢીને આપણે કહીશું કે ‘વાહ ! અચ્છા ! ઘણું ચઢ્યા.’ શ્રીરામકૃષ્ણ કહે છે કે કઠિયારાને બ્રહ્મચારીનો ઉપદેશ હતો કે ‘આગળ વધતા જાઓ.’

તા. : ૨૭ ઓક્ટાૅબર, ૧૮૮૫

શ્રીરામકૃષ્ણદેવ શ્યામપુકુરના મકાનમાં છે. નરેન્દ્ર, ડાૅક્ટર સરકાર, શ્યામ બસુ, ગિરીશ વગેરે ભક્ત હાજર છે. નરેન્દ્ર મધુર કંઠે ગાન ગાય છે. એક પછી એક કેટલાંય ભજન સાંભળીને શ્રીરામકૃષ્ણ ભાવાવસ્થામાં આવી ગયા. આવું તો પ્રાય: દરરોજ બનતું રહે છે. નરેન્દ્રનાથના દક્ષિણેશ્વર જતાં જ શ્રીરામકૃષ્ણ એમને ભજન ગાવા કહેતા. એમનું ભાવભીનું મધુર સંગીત સાંભળીને શ્રીરામકૃષ્ણ તરત જ સમાધિમગ્ન થઈ જતા. એટલે વિશેષત: નરેન્દ્રનું ભજન શ્રીરામકૃષ્ણને પ્રિય હતું.

શ્રીરામકૃષ્ણ ડાૅક્ટરને કહે છે, ‘ શરમનો ત્યાગ કરો, ઈશ્વરનું નામ લો એમાં વળી શરમ શેની ? શરમ, ઘૃણા અને ભય – એ ત્રણેય રહે તો તો પ્રભુપ્રાપ્તિ ન થાય. કેટલીકવાર ભગવાનનું નામ લેતી વખતે પણ શરમ-સંકોચ અમારા માટે બાધારૂપ બને છે. ભગવાનનું નામ લઉં, એ જોઈને બીજા લોકો મને શું કહેશે ? – આ વાત મનમાં આવે તે ઉચિત નથી.’

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘હું આટલો મહાન માણસ અને ‘‘હરિ-હરિ’’ કહીને નાચીશ ? આ વાત સાંભળીને મોટા-મોટા લોકો મારા વિશે શું કહેશે? આવી લોકલજ્જાના ભયે જાણે – ઈશ્વરભક્તિ વિશે – વિશેષ લોકોને સંકુચિત બનાવી દીધા છે, જે ભાવને સ્ફુરિત થવા દેતા નથી.’ જો કે ડાૅક્ટર મહેન્દ્ર સરકાર એમ કહેશે કે એમનામાં આ પ્રકારની લોકલજ્જા નથી. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘એ જ તો તમારામાં ખૂબ છે.’

ડાૅક્ટર સરકાર પોતાની જાતને જેટલા સમજે છે તેના કરતાં શ્રીરામકૃષ્ણ એમને વધારે સારી રીતે સમજે – જાણે છે. બીજી કોઈ વ્યક્તિ આવું કહેતા તો ડાૅક્ટર સરકાર નારાજ થઈ જતા. પરંતુ તેઓ એ જાણે છે કે શ્રીરામકૃષ્ણ બધાની મંગલ-કામના કરે છે, એમની વાતોમાં કયાંય વ્યંગ – કટાક્ષ નથી.

વૃત્તિજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન

શ્રીરામકૃષ્ણ ગહન તત્ત્વજ્ઞાનની વાત કરે છે, ‘જુઓ ભાઈ, જ્ઞાન અને અજ્ઞાનથી પાર થઈ જાઓ, ત્યારે જ એમને સમજી શકશો. તેઓ જ્ઞાન અજ્ઞાનથી પર છે…. આવા મહાજ્ઞાની વશિષ્ઠદેવ પણ પુત્રોના શોકથી વ્યાકુળ બનીને રડી રહ્યા હતા. શ્રીરામે કહ્યું, ‘ભાઈ, જેમનામાં જ્ઞાન છે, તેમને અજ્ઞાન પણ હોય છે; જેને એક બાબતનું જ્ઞાન છે, તેને અનેક વસ્તુઓનું પણ જ્ઞાન હોય છે.’

આ બાબતની ધારણા કરવી ઘણી કઠિન છે. વિચાર દ્વારા આપણે તત્ત્વની ધારણા કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ એ વાત ભૂલી જઈએ છીએ કે આવી ધારણા પણ અજ્ઞાનનાં જ રાજ્યમાં છે. શાસ્ત્રમાં લખ્યું છે – અત્ર … વેદા અવેદા: (ભવન્તિ) – ‘વેદ અવેદ થઈ જાય છે, જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે.’ ભગવાનના વિષયમાં બુદ્ધિ દ્વારા આપણે જે ધારણા બાંધીએ છીએ, તે બ્રહ્મજ્ઞાન નથી. બ્રહ્મજ્ઞાન થતાં એ સમજવું પડે કે તે મનની વૃત્તિઓથી પાર ચાલ્યું ગયું છે.

ભાષામાં જેને જ્ઞાન કહેવાય છે, તે મનની વિભિન્ન પ્રકારની વૃત્તિઓનું એક-એક રૂપ છે. ‘સારું બ્રહ્મજ્ઞાન કોઈ વૃત્તિનું જ્ઞાન નથી. મન જ્યારે મન નથી રહેતું, બ્રહ્મરૂપ બની જાય, ત્યારે તેને બ્રહ્મજ્ઞાન થયું એમ કહેવાય છે. બ્રહ્મજ્ઞાન થવાનો અર્થ બ્રહ્મને જાણવો એ નથી. જે એમ કહે કે ‘મેં જાણી લીધું છે, તે બ્રહ્મને જાણી શક્યો નથી.

(ક્રમશ:)

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.