સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા
૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા કરાયેલ બંગાળી અનુલેખનનો અંજુબહેન ત્રિવેદીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
(ગતાંકથી આગળ…)
તેમનામાં એક બાબત જોઈ છે કે તેઓ નિરાડંબર હતા. ઘણીવાર એવુંય જોયું છે કે ઝભ્ભો પહેર્યો છે પણ બટન જ નથી. અમે બટન લગાવવાનો પ્રયત્ન કરીએ તો મનમાં થતું કે તેમને એ ગમશે નહીં. આ બાજુએ નજર શું કામ ? ચાદર સરખી રાખી નથી અને જરા સરખી રાખી તો એમને ન ગમ્યું, એમ જ શરીર પર નાખી દીધી. ડાૅક્ટરો જ્યારે ખૂબ વધારે આવ-જા કરતા અને વારંવાર કહેતા, ‘મહારાજ, આપના બધા ‘‘ફોર ઓરગન્સ-ચારેય અવયવ, વ્હાઈટલ ઓરગોન્સ’ ખૂબ સારા છે.’’ મહારાજે કહ્યું, ‘ એક વાર્તા મનમાં આવે છે : એક મિત્રને ગાડીની જરૂરત હતી. તેના બીજા એક મિત્રને ગાડીનો વ્યવસાય હતો. તેમને કહીને તે એક સારી ગાડી તેની પાસેથી ખરીદી લાવ્યો. રસ્તા પર ચલાવતાં એક એક્સિડન્ટ થયો, એક સાથે ચારેય પૈડાં નીકળી ગયાં. ત્યારે તેણે તે મિત્રને કહ્યું, ‘મને આવી સારી ગાડી આપી ! એક સાથે ચારેય પૈડાં નીકળી ગયાં !’ એ સાંભળીને મિત્રે કહ્યું, ‘સાંભળ, સારું થયું કે એક એક કરીને ન નીકળ્યાં.’ હવે તમે લોકો કહો છો કે ઓલ ધી ફોર ઓરગન્સ આર ઈન ગુડ કંડિશન – તો આવી ગાડી જેવી અવસ્થા તો નહીં થાય ને ?’ તેઓ આવી આનંદ મજાકની અનેક વાતો કહેતા. ઉપચાર વખતે ઘણું કષ્ટ થતું. છતાં પણ તેઓ હોસ્પિટલે ન જતા. જ્યારે આ વાત થતી ત્યારે તેમણે એક દિવસ મને કહ્યું, ‘ઉંમર તો ઘણી થઈ, ઘણા દિવસો તો જીવ્યો. વધારે શું કામ ? હવે સારવાર કરવાથી શું વળશે ?’ મેં કહ્યું, ‘એ શું મહારાજ ! કોઈ સાધુને કંઈ સારવારની જરૂર હોય અને આપને પૂછીએ ત્યારે આપ કહેતા કે ડાૅક્ટર જે કહે તેમ જ કરજો.’ હવે ડાૅક્ટર કહે છે કે આપની સારવાર કરવી પડશે. તો તમે કહો છો કે નહીં કરાવો !’ ત્યારે તેઓ ચૂપ થઈ ગયા અને સારવાર માટે સંમતિ આપી.
અંતિમકાળના થોડા દિવસો પહેલાં ભરત મહારાજ તેમની પાસે ગયા. અમે પણ તેમને કહ્યું હતું કે એકવાર આવો અને મહારાજને કંઈક કહો. એવું લાગે છે કે તેમણે મન વાળી લીધું છે. ખાવા-પીવામાં એટલું ધ્યાન રાખતા ન હતા. અમે કહેતા કે આપનું આ શરીર અને આપ જે સામાન્ય ખાવા-પીવાનું લો છો, તે આ શરીરની જાળવણી કરી શકતું નથી. એટલા માટે થોડું વધારે ખાવું પડશે, જેથી પોષણ મળતાં શરીરને બચાવી શકાય. ભરત મહારાજે ખૂબ ભાર દઈને કહ્યું તો તેઓ હસીને બોલ્યા : ‘બે વર્ષ તો એક્સટેન્શન મળ્યું છે, હવે વધારે કેટલું ?’
મહારાજ વિશે ઘણું કહી શકાય પરંતુ આવી રીતે મારે કંઈક કહેવું પડશે, એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. માત્ર મનમાં આટલો વિચાર આવે છે કે આપણે તેમને જેવા જોયા છે, તેમના ચરિત્રનો જે સૂર આપણે લક્ષ્યમાં રાખ્યો છે, તેનું જો આપણે અનુસરણ કરી શકીએ તો વાસ્તવિક રીતે તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રદર્શિત કરી શકીએ અને ત્યારે જ આપણું જીવન સાર્થક થાય.
અમે લોકો ઘણીવાર રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવાનુરાગી ભક્ત સંમેલનમાં જુદી જુદી જગ્યાએ જતા અને આવીને પ્રભુ મહારાજને બધું કહેતા. આ સાંભળીને તેઓ કહેતા, ‘ભક્તોને કહો કે માત્ર સાધુઓ જ કરે તેનો અર્થ શું ? તેઓ પોતે પણ આગળ આવે અને કંઈક કરે. તેઓ બધા જો ભેગા મળીને આગળ આવશે તો અનેક કાર્ય થશે, અનેકનું કલ્યાણ થશે, પોતાનું પણ કલ્યાણ થશે.’ એટલું યાદ રાખજો કે તમારે પણ કંઈક કરવું પડશે. એટલે આગળ આવો, તમારા પર વિશાળ જવાબદારી છે. આજે અહીંયાં ઘણા ભક્તો એકઠા થયા છે. મહારાજની ઇચ્છા હતી, ગરીબો માટે, નીચલા વર્ગ માટે કંઈક કરવું જોઈએ. બાળકો માટે કંઈક કરો. જેઓ જ્યાં છે ત્યાં ૧૦ વ્યક્તિ ભેગા મળી એક એક વ્યક્તિની સેવા કરી શકે, તેનાથી પણ ઘણા લોકોની સેવા થઈ શકશે. તેમની ઇચ્છા પૂરી થશે. શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજી આપણને તેવી બુદ્ધિ આપે, તેવી દૃષ્ટિ આપે, જેથી આપણે અન્તર્મુખી બનીએ અને એવા ભાવથી પ્રેરિત થઈએ કે આપણે પોતાના જીવનને ઘડી શકીએ.
બહુજનહિતાય, બહુજનસુખાય, ૐ તત્ સત્
Your Content Goes Here