(ગતાંકથી આગળ…)

બીજે દિવસે સવારે માનું કામ પૂરું કરીને મેં તેમની સેવિકા-નવાસન ગામની મહિલાને કહ્યું, ‘કપડાં મેલાં થઈ ગયાં છે તે ધોવા હું છાત્રાલય જઈશ, ત્યાર બાદ તેમને ભોજન આપીશ.’ મારા ગયા પછી માએ તેને કહ્યું, ‘સરલા ક્યાં ગઈ?’ મારા છાત્રાલય જવા વિશે સાંભળી તેઓ બોલ્યાં, ‘શું, સરલા મારાથી રિસાઈ ગઈ છે?’ સેવિકા : ‘ના મા, સરલાદી આપનાથી શું કામ રિસાય? તેઓ તો મેલાં કપડાં ધોવા શાળાની છાત્રાલયે ગયાં છે. પાછાં આવી આપને ભોજન કરાવશે.’ મા : ‘નહિ, તે મારાથી રિસાઈ ગઈ છે.’ હું પાછી ફરી કે તરત જ સેવિકાએ મને કહ્યું. જેવી હું માના ઓરડામાં ગઈ, તેમણે મને પોતાની પાસે બોલાવી. મા : ‘મારી દીકરી, શું તું મારાથી રિસાઈ ગઈ?’ હું : ‘હું આપનાથી શા માટે રિસાઉં?’ મા : ‘તો મને દૂધ કેમ પિવડાવતી નથી? મારી બગલમાં સળી કેમ મૂકતી નથી? બેટા, લાંબી બીમારીથી સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. ક્યારેક ક્યારેક હું ન કહેવાનું કહી દઉં છું. દીકરી, મારી વાત પર ગુસ્સે ન થતી.’ આટલું કહી તેમણે મારું માથું પોતાની છાતી સરસું લઈ પ્રેમથી પંપાળ્યું. હું મારાં આંસુ ખાળી શકી નહિ.

અમે બધાં સમજી ગયેલાં કે શ્રી શ્રીમા અમારી વચ્ચે વધારે વખત નથી. ગોલાપમા અને યોગિનમા વારે વારે અશ્રુપાત કરતાં કહેતાં કે શ્રી શ્રીમાની આરોગ્યપ્રાપ્તિ માટે કરેલ બધાં જ અનુષ્ઠાન નિષ્ફળ થઈ ગયાં. ચિંતાથી ગોલાપમાનો હૃદયરોગ વધી ગયેલો. એક દિવસ શ્રી શ્રીમાએ શરત મહારાજને બોલાવી કહ્યું, ‘શરત ! ગોલાપ, યોગિન અને બીજાં બધાં જે કોઈ અહીં છે, તેમની સંભાળ રાખજે.’ હરિપ્રેમ મહારાજ જયરામવાટીથી નવા કૂવાનું જળ લાવ્યા હતા, તે થોડુંક શ્રી શ્રીમાના મોંમાં આપી તેઓ બોલ્યા, ‘મા, કિશોરીદાએ તમારા ઓરડાની ફરસ સિમેન્ટથી પાકી બનાવી દીધી છે. હવે ગામડે જશો ત્યારે તમને કોઈ મુશ્કેલી નહિ પડે.’ શ્રી શ્રીમા બોલ્યાં, ‘કિશોરીએ માટીની ફરસ ઉખેડી પાકી શું કામ કરી? કાચી ફરસ સારી રહે. આ બધું કરવાથી શો લાભ? શું કિશોરી એવું વિચારે છે કે હું ત્યાં જઈશ? હવે હું ત્યાં નહિ જાઉં.’

દેહત્યાગના એક દિવસ અગાઉ તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ. તેના આગલા દિવસે પેટ બગડવાથી હું અત્યંત દુર્બળ થઈ ગયેલી. શરત મહારાજે મને પોતાના ઓરડામાં બેસાડી થોડો ભાત અને સૂપ ખાવા આપ્યાં. શ્રી શ્રીમાનો શ્વાસ એવો પ્રચંડ હતો કે ભોંયતળિયેથી બીજો માળ સુધી આખા મકાનમાં સંભળાતો હતો. તેમની આંખો બહાર નીકળી આવેલી. તેમનું કષ્ટ જોઈ શકાતું નહોતું. શ્રી શ્રીમાએ ભક્તોમાં ક્યારેય ભેદભાવ રાખ્યો ન હતો. બધાં જ પાપીઓને આશરો આપેલો, એ કારણે જ તેમને આટલી શારીરિક યાતના ભોગવવી પડી. સાધુઓ – ભક્તોથી આખું ભવન ભરાઈ ગયેલું. સુધીરાદી અને હું આખી રાત તેમનાં ચરણ પાસે બેસી રહ્યાં. યોગિનમાએ જળથી ભરેલ એક પાત્ર આપીને શ્રી શ્રીમાનાં ચરણનો અગ્રભાગ તેમાં બોળાવી તેને પવિત્ર કરી લેવાનું કહ્યું. શ્રી શ્રીમાના પ્રત્યેક શ્વાસ સાથે હું તેમના મોંમાં ગંગાજળનું એક એક ટીપું નાખતી હતી. ધીરે ધીરે એમનો શ્વાસ મંદ પડતો ગયો તથા અંતમાં બધું જ શાંત થઈ ગયું. તે ૨૧ જુલાઈ,૧૯૨૦ નો દિવસ હતો, રાતે એક વાગી ગયો હતો. કષ્ટના સમયે અમે શ્રી શ્રીમાને જોઈ શકતાં નહોતાં, પરંતુ હવે એમનું મુખમંડલ મા દુર્ગા જેવું રૂપવાન તથા શાંતિ અને આનંદથી શોભાયમાન હતું.

એમના પાર્થિવ દેહને એક નવી સાડી ઓઢાડવામાં આવી. બીજે દિવસે સવારે ૧૧ વાગ્યે એમના પાર્થિવ દેહને કાશીપુર થઈ વરાહનગરના કુઠીઘાટે લઈ જવાયો. ગોલાપમા અને યોગિનમાએ મને એવું કહીને જતાં રોકી કે ‘હવે જોવાનું શું રહ્યું છે?’ સુધીરાદી મારો હાથ પકડી મને બહાર લઈ ગયાં. બહાર કીર્તન – ભજન ચાલતાં હતાં. પરંતુ મારું મન કયાંય લાગતું નહોતું. હું તેમની સાથે કુઠીઘાટ સુધી ચાલતી ગઈ. ત્યાં સાધુઓ તેમજ ભક્તજનોએ એક મોટી નૌકા લઈ શ્રી શ્રીમાના પાર્થિવ દેહને તેમાં રાખ્યો. અમે બહેનો એક નાની હોડીમાં તેમની સાથે ગયાં. બપોરે બે વાગ્યે અમે બેલુર મઠના ઘાટે પહોંચ્યાં. ત્યાં શ્રી શ્રીમાના પાર્થિવ દેહને બેલુર મઠના પ્રાંગણમાં આવેલ આંબાના વૃક્ષ નીચે રાખવામાં આવ્યો. પૂજા, ભોગ તેમજ આરતી કર્યા બાદ તેને ગંગાઘાટે લઈ ગયાં. ત્યાં એક પડદો લગાવવામાં આવ્યો, જેની આડશે સુધીરાદીએ અને મેં દેહને ગંગાસ્નાન કરાવ્યું. થોડા દિવસો પહેલાં જ શ્રી શ્રીમાના શરીરે એટલી બળતરા થતી હતી કે તેઓ વારંવાર કહેતાં, ‘મને ગંગાઘાટે લઈ જાઓ’, મને ગંગાઘાટે લઈ જાઓ. માનું શરીર કેટલું હલકું અને કોમળ હતું !

અમે તેમના દેહને લાલ કિનારીવાળી રેશમી સાડીથી ઢાંક્યો. સંન્યાસીઓએ ઉઠાવીને તેને ફરીથી આમ્રવૃક્ષની નીચે રાખ્યો. ફરી આરતી કરવામાં આવી. હું બધું જ જોઈ રહી હતી. પરંતુ મારામાં વિચારવાની કે સમજવાની શક્તિ જ રહી નહોતી. જ્યાં અત્યારે શ્રી શ્રીમાનું મંદિર છે, ત્યાં જ ચિતા પ્રગટાવવામાં આવી. હું તે દૃશ્ય સહન ન કરી શકી તેથી સુધીરાદીની પાછળ જઈ છુપાઈ ગઈ. ચિતા ચંદનનાં લાકડાંથી તૈયાર કરવામાં આવેલી. સ્વામી સારદાનંદ તથા બીજા મહારાજોએ ચિતાની પ્રદક્ષિણા કરી તથા તેમાં બિલ્વપત્ર, અગરબત્તી વગેરે સામગ્રીની આહુતિ આપી. પ્રબોધદીએ જોરથી મારો હાથ ખેંચતાં કહ્યું, ‘એક વાર તો જો, કેવું ભવ્ય દૃશ્ય છે!’ મેં જોયું કે જ્વાળાઓ આકાશને સ્પર્શતી હતી. તે દિવસોમાં ટ્રામ કે બસ સેવા હતી નહિ તેથી લોકો ઓછાં હતાં. ચિતા બળી રહી હતી. ગંગાના સામે કાંઠે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ આ બાજુ ઉઘાડ હતો. પ્રજ્વલિત ચિતામાં હું શું જોઈશ, એવા ડરથી તે તરફ જોયું નહિ, પરંતુ જ્યારે જોયું તો શ્રી શ્રીમાનું શરીર દેખાતું નહોતું. પછી બીજા લોકોની સાથે મેં પણ ચિતાની ત્રણ પ્રદક્ષિણા કરી અને આહુતિ આપી.

અંત્યેષ્ટિ બાદ સુધીરાદી સાથે હું શાળાના છાત્રાલયમાં ગઈ અને ત્યાં રહેવા લાગી. બે-ત્રણ દિવસ હું ઉદ્‌બોધન ભવન ન ગઈ; ભવન સૂનું સૂનું લાગશે, ત્યાં શું જોઈશ? એક દિવસ યોગિનમાએ મને તેડાવી. શ્રી શ્રીમાનો ઓરડો ખાલી હતો. મારાથી જોઈ ન શકાયું, આંખો ભરાઈ આવી. યોગિનમા આક્રંદ કરતાં બોલ્યાં, ‘જો તમે લોકો પણ નહિ આવો તો અમે કેવી રીતે જીવીશું? મા આપણને છોડી ગયાં, બધું જ સૂનું લાગે છે.’

મેં સાંભળ્યું કે નલિનીદી, માકુ વગેરે બીજે દિવસે જયરામવાટી જવાનાં હતાં. તે લોકો વિલાપ કરતાં બોલ્યાં, ‘સરલાદી, અમે જઈએ છીએ, ખબર નહિ ફરી ક્યારે મળવાનું થશે?’ તે દિવસે મારે શરત મહારાજને મળવાનું થયું નહિ. પરંતુ તે દિવસ પછી હું ક્યારેક ક્યારેક ઉદ્‌બોધન ભવન જવા લાગી. બેલુર મઠમાં પુરુષો માટે અને ઉદ્‌બોધન ભવનમાં મહિલાઓ માટે તેરમા દિવસે ભંડારો હતો. શરત મહારાજ ઉદ્‌બોધન ભવનમાં ભંડારાની વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. શ્રી શ્રીમાની છબી તે જ દિવસે તેમના ઓરડામાં રાખી દીધેલ, જ્યાં તે આજે છે. શ્રી શ્રીમા જીવતાં હતાં ત્યારે આ છબી દીવાલ ઉપર ટાંગેલી રહેતી. રાસબિહારી મહારાજે તેને દીવાલ પરથી ઉતારીને કહ્યું, ‘આ છબી અહીં રાખી દઈએ.’ શરત મહારાજે તેનો વિરોધ ન કરતાં કહ્યું, ‘રાસબિહારીએ માની ભક્તિભાવથી સેવા કરી છે. તે કહી રહ્યો છે તો આ છબી આપણે ત્યાં જ રાખીશું.’ તે દિવસે ચંડીપાઠ તથા પ્રસાદ વિતરણ કરાયું. તે દિવસથી જ શ્રી શ્રીમાની પૂજા તથા ભોગ – નિવેદન હંમેશ માટે થવા લાગ્યાં.

શ્રી શ્રીમાના દેહત્યાગ બાદ સુધીરાદી અત્યંત ખિન્ન રહેવા લાગ્યાં. મીરા, ચપલા, ગદાઈ, શિવા, કનક શાળાની આયા તથા હું તેમની સાથે પૂજાની રજાઓમાં તીર્થયાત્રા કરવા ગયાં. નવાસન ગામની મહિલા માંદી હતી, તેથી યોગિનમાએ તેને અમારી સાથે મોકલી દીધી. કાશીવાસી પ્રમદાદી ત્યારે સુધીરાદી સાથે રહેતાં હતાં, કેમ કે પુરુલિયાનું અનાથાલય જેમાં તે કાર્ય કરતાં હતાં તે બંધ થઈ ગયેલ, તેથી તેઓ પણ અમારી સાથે આવવા ઇચ્છતાં હતાં. પહેલાં અમે લોકો વારાણસી ગયાં, ત્યાં લક્ષ્મી દત્તના ઘરે રહ્યાં. તે સમયે સ્વામી બ્રહ્માનંદ વારાણસીમાં જ હતા. અદ્વૈત આશ્રમમાં ત્યારે દુર્ગાપૂજાનું પ્રવર્તન થયેલ નહિ. પૂજાની રજાઓ અમે વારાણસીમાં જ ગાળી. લક્ષ્મીપૂજા (કોજાગરી પૂજા)ના દિવસે ચંદ્ર ગ્રહણ હતું. પરંપરા મુજબ ગંગાસ્નાન કરી અમે હરિદ્વાર ગયાં, જ્યાં સૂરજમલની ધર્મશાળામાં રોકાયાં. હૃષીકેશમાં અમે ચરણદાસ બાબાજીના આશ્રમમાં એક સપ્તાહ રહ્યાં. એક દિવસ અમે લક્ષ્મણઝૂલા પાર કરી સ્વર્ગાશ્રમ ગયાં અને ભિક્ષાન્ન ગ્રહણ કર્યું. સુધીરાદીને આવું બધું બહુ ગમતું. હૃષીકેશથી અમે ફરી હરિદ્વાર ગયાં, થોડા દિવસો ત્યાં પસાર કર્યા. હરિદ્વારથી વૃંદાવન ગયાં અને કાલાબાબુની કુંજમાં એક અઠવાડિયું રહ્યાં. ત્યાંથી આગ્રા થઈને અમે અલ્લાહાબાદ ગયાં, જ્યાં ‘કાલી કમલી ધર્મશાળા’ માં ત્રણ દિવસ વિતાવ્યા. ત્યાં એકવાર અમે પ્રયાગ સંગમ સ્નાન કર્યું. વારાણસી જતી વખતે એક દિવસ અમે એક અંધ ભિખારીને બપોરના સમયે અમારા ઓરડા સામે બેઠેલ જોયો. સુધીરાદીએ મને કહ્યું, ‘સરલા, જે કંઈ ભાત – શાક બનાવ્યાં છે તે આને આપી દો.’ ત્યાર બાદ તેને ચાર પૈસા આપતાં કહ્યું, ‘અહીં મારી દરિદ્રનારાયણ સેવા પૂર્ણ થઈ.’ સાંજે લગભગ ચારેક વાગે વારાણસી જતી રેલગાડીમાં ત્રીજા વર્ગના ડબ્બામાં ચઢી ગયાં. કનક અને શિવા અલ્લાહાબાદમાં પોતાના સંબંધીને ઘરે હતાં. સુધીરાદીએ તેમને આયાની સાથે શાળાએ પરત મોકલી દીધાં.

(ક્રમશ 🙂

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.