તસ્માદસક્ત : સતતં કાર્યં કર્મ સમાચર ।
અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષ : ।। (ગીતા, ૩.૧૯)
કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે ભક્તોને) – તમે કહો છો કે જગતનો ઉપકાર કરવો; તે જગત શું કાંઈ આટલુંક છે ? અને જગતનો ઉપકાર કરવાવાળા તમે કોણ ? સાધના દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરો, પહેલાં તેનાં દર્શન કરો. પછી એ શક્તિ આપે ત્યારે જ સૌનું હિત કરી શકો, નહિતર નહિ.
એક ભક્ત – ઈશ્વર-પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શું બધાં કર્મોનો ત્યાગ કરવો ?
શ્રીરામકૃષ્ણ – ના, કર્મત્યાગ શા માટે ? ઈશ્વર-ચિંતન, તેનાં નામ, ગુણ-કીર્તન, નિત્ય-કર્મો વગેરે કરવાં જોઈએ.
બ્રાહ્મભક્ત – સંસાર-વ્યવહારનાં કામ ?
શ્રીરામકૃષ્ણ – હા, એ પણ કરવાં, સંસાર-વ્યવહાર ચલાવવા માટે જેટલાં જરૂરનાં હોય તેટલાં. પરંતુ એકાંત સ્થાનમાં રડી રડીને ભગવાન પાસે પ્રાર્થના કરવી, કે જેથી એ કર્મો બધાં નિષ્કામભાવે કરી શકાય; અને કહેવું, ‘હે ઈશ્વર, મારો સંસાર-વ્યવહાર ઓછો કરી નાંખો. કારણ કે પ્રભુ, જોઉં છું કે વધું કર્મો ભેગાં થાય ત્યારે તમને ભૂલી જાઉં છું.’ આપણે મનમાં માનતા હોઈએ કે નિષ્કામ-કર્મ કરીએ છીએ, પણ થઈ જાય સકામ. સદાવ્રત, દાન વગેરે વધારે કરવા જઈએ તો લોકોમાં નામ ફેલાવવાની ઇચ્છા થઈ આવે.
‘શંભુ મલ્લિક ઈસ્પિતાલ, દવાખાનું, સ્કૂલ, તળાવ, રસ્તા વગેરે બંધાવવાની વાતો કરતો હતો. મેં કહ્યું, સામે જે કામ આવી પડ્યું અને જે કર્યા વિના ન ચાલે તેટલું નિષ્કામપણે કરવું જોઈએ…
‘કર્મયોગ બહુ કઠણ. શાસ્ત્રમાં જે બધાં કર્મો કરવાનું વિધાન છે તે આ કલિકાળમાં કરવાં બહુ કઠણ. અત્યારે તો અન્ન ઉપર પ્રાણનો આધાર, એટલે ઝાઝાં કર્મો આ જમાનામાં ચાલી ન શકે. તાવ આવે ત્યારે વૈદ્યરાજની ચિકિત્સા કરવા બેસીએ તો આ બાજુ દરદી ખલાસ થઈ જાય; બહુ મોડું થાય તે ન ચાલે. અત્યારે તો ડિ.ગુપ્તનું ફિવર-મિક્ષ્ચર !
કલિયુગમાં ભક્તિ, ભગવાનનાં નામ, ગુણગાન અને પ્રાર્થના; ભક્તિયોગ જ યુગધર્મ. (બ્રાહ્મભક્તોને) તમારો પણ ભક્તિયોગ, તમે લોકો હરિનામ લો છો, માનાં ગુણકીર્તન કરો છો, તમે ધન્ય ! તમારો ભાવ મજાનો ! વેદાંતીઓની માફક તમે જગતને સ્વપ્નવત્ કહેતા નથી, એવા બ્રહ્મજ્ઞાની તમે નથી. તમે બધા ભક્ત છો. તમે ઈશ્વરને (Person) વ્યક્તિ કહો છો એ પણ બહુ મજાનું. તમે ભક્ત. વ્યાકુળ થઈને તેને બોલાવો તો જરૂર તેને પામશો.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ : ૧, પૃ. ૧૧૨-૧૧૩)
Your Content Goes Here