બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

રામાયણ-મહાભારત, બૌદ્ધ અને મહાવીરના સમયમાં નારીઓનું ઉન્નત સ્થાન

મહાભારતના શાંતિપર્વમાં એક સંન્યાસિની સુલભાની વાત આવે છે :

મહીમનુચરૈકા સુલભા નામ ભિક્ષુકી —।।

તયા જગદિદં કૃત્સ્નમટન્ત્યા મિથિલેશ્વર: —।

તત્ર તત્ર શ્રુતો મોક્ષે કથ્યમાનસ્ત્રિદણ્ડિભિ: —।।

સુલભા નામની સંન્યાસિની જ્યારે એકલી પરિભ્રમણ કરતી હતી ત્યારે બીજી સંન્યાસિનીઓને જનક રાજાની પ્રસંશા કરતી સાંભળી. તેઓ કહેતી હતી કે રાજા જનક સુખ્યાત વક્તા અને મોક્ષના ઉપદેશક છે.

ચતુર્ધારી ટીકામાં મોક્ષ ધર્મ વિશે ટીકાકાર નિલકંઠ (૩૨૦.૭)માં કહે છે, ‘ભિક્ષુકીત્યનેન સ્ત્રીણામપિ પ્રાગ્વિવાહાદ્વા વૈધવ્યાદૂર્ધ્વં સંન્યાસેઽધિકારોઽસ્તીતિ દર્શિતમ્ —। તેન ભિક્ષાચર્યં મોક્ષશાસ્ત્રશ્રવણમેકાન્તે આત્મધ્યાનં ચ તાભિરપિ કર્તવ્યમ્ —। ત્રિદણ્ડાદિકં ચ ધાર્યમ્ —। – ભિક્ષુણી શબ્દનો ઉપયોગ એ દર્શાવે છે કે સ્ત્રીઓને લગ્ન પહેલાં અને વૈધવ્યાવસ્થામાં સંસાર ત્યાગ કરવાનો અધિકાર હતો. એ પ્રમાણે તેઓ ભિક્ષા માગી શકતી, મોક્ષશાસ્ત્રોનું શ્રવણ મનન કરી શકતી અને એકાંતસ્થળે આત્મધ્યાન કરી શકતી. તેઓ ત્રિદંડ ધારણ કરી શકતી.

યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના પ્રાયશ્ચિત્ત અધ્યાયના મિતાક્ષરમાં એક સૂત્ર બોધાયનનું ટાંક્યું છે. તે સૂત્ર પ્રમાણે કેટલાક આચાર્યો એમ દર્શાવે છે કે સ્ત્રીઓ પણ સંન્યાસીની જેમ તપ-સાધનાનું જીવન સ્વીકારી શકે. એનો અર્થ એ થયો કે બોધાયન પણ સ્ત્રીઓના સંન્યાસી જીવનના સમર્થક હતા. પતંજલિ પોતાના મહાભાષ્યમાં સંકરા નામની પ્રવ્રાજિકાનું વર્ણન કરે છે. (૩. ૫૮) ‘સ્ત્રીણાં ચૈકે ઈતિ બોધાયનેન સ્ત્રીણામપિ પ્રવ્રજ્યાસ્મરણાત્ —। ’

ભગવાન બુદ્ધના સમયકાળમાં સ્ત્રીઓને સંસાર ત્યાગ કરવાની છૂટ હતી અને તેમને બૌદ્ધ સાધવી તરીકે મુક્તપણે સ્વીકારવામાં આવતી. આ કાળમાં નારીઓની ઉન્નત સ્થિતિનાં ભવ્ય ચિત્રો જોવા મળે છે. ગૌતમી, શુક્લા, ક્ષેમા અને સુપ્રિયા જેવી ઉન્નત સાધ્વીઓ આધ્યાત્મિક ઇતિહાસનાં પૃષ્ઠો પર હંમેશાં ઉજ્જવળ રહેશે.

મહાવીરના જૈન ધર્મમાં પણ સ્ત્રીઓ સાંસારિક જીવન ત્યજીને સંન્યસ્ત જીવનની વરણી કરે એ બાબતને સ્વીકારી છે. જૈન ધર્મમાં ઘણી સ્ત્રીઓનાં નામ સાધ્વીરૂપે સુપ્રસિદ્ધ છે. ૨૪ તિર્થંકરમાંથી ૧૯માં તિર્થંકર નારી હતાં. તેમને અવતાર ધારણ કરીને માનવોને જન્મમરણના ફેરામાંથી મુક્તિ આપનારાં ગણવામાં આવે છે. અત્યારે પણ જૈનપરિવ્રાજિકાઓ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં વિશેષ જોવાં મળે છે.

તાંત્રિક યુગમાં સ્ત્રીઓને આધ્યાત્મિક સાધના કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા હતી. તાંત્રિક સંન્યાસિનીઓ ભૈરવી કહેવાતી. તાંત્રિક વિધિ પ્રમાણે આજે પણ સ્ત્રીઓને પૂર્ણાભિષેકાના રૂપે સંન્યાસની મંત્ર દિક્ષા આપવામાં આવે છે. શ્રીરામકૃષ્ણ દેવના એક ગુરુરૂપે ભૈરવી બ્રાહ્મણીએ તંત્રસાધનામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

ભારતમાં નારીઓનું અધ:પતન અને શ્રીરામકૃષ્ણ દેવે નારીઓને પુન: પોતાના પ્રાચીન સ્થાને પ્રસ્થાપિત કરી

મનુ આ ક્ષેત્રમાં સ્ત્રીઓના હકને માન્યતા આપતા નથી. સ્ત્રીઓ માટે ઉપનયન સંસ્કાર પણ કાળગ્રસ્ત હકીકત બની ગઈ. સ્ત્રીઓને વૈદિક અભ્યાસ કરવાની છૂટ ન હતી. કદાચ સમય પ્રમાણે વૈદિક સંસ્કૃતિની અસર ઘટતાં આમ બન્યું હશે. એ વાત સાચી છે કે આને પરિણામે જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સ્ત્રીઓનું સ્થાન ધીમે ધીમે ઊતરતું ગયું. મનુસ્મૃતિમાં પછીથી આ ચાલુ સામાજિક રીતિ પણ પ્રતિબિંબિત થઈ. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓના સ્થાનની આ અવનતિને કારણે નારીઓએ આધ્યાત્મિક વિશ્વમાં પોતાનું સ્થાન ગુમાવ્યું. સ્મૃતિ પછીના સમયકાળમાં સ્ત્રીઓને એમના ઘણા અધિકારોથી વંચિત રાખવામાં આવી. સાથે ને સાથે સમાજમાં ધર્મજીવન અને સામાજિક જીવનના વિશેષ અધિકારોથી વંચિત બની.

એ વાત સાચી છે કે પછીથી હિન્દુઓમાં સ્ત્રીઓના સંન્યાસી જીવન જીવવાના અધિકારનો ઈન્કાર કરવામાં આવ્યો. ટૂંકમાં નારીઓને એ અધિકારથી વંચિત કરી. એટલે જ સ્પષ્ટ પણે કહેવાયું છે કે હિંદુ સંસ્કૃતિની સામાજિક અવદશાનું કારણ સ્ત્રીઓના સંન્યાસ-ગ્રહણની સક્ષમતાનો અભાવ નથી પણ તેમના સંન્યાસ-ગહણ અધિકારનો ઈન્કાર છે. વળી પરદેશીઓનાં આક્રમણોને લીધે સ્ત્રીઓની સ્વતંત્રતા પર ઘણાં નિયંત્રણો લાદવામાં આવ્યાં, આ એક ઐતિહાસિક હકીકત છે. આ પણ સાબિત કરી શકાય કે સમયે સમયે ભિન્ન ભિન્ન કાળમાં ઘણી સ્ત્રીઓ સંન્યાસી જીવન જીવવા માટે ખરેખર આતુર બની હતી. આ આતુરતા એટલી તીવ્ર હતી કે સામાજિક બંધનો હોવા છતાં તેમને સંસાર ત્યાગ કરવામાં અને સંન્યાસિની પરિવ્રાજક અવસ્થા સ્વીકારવામાં આ બંધનો નડ્યાં નહીં. ભારતભરમાં અને એમાંય વિશેષ કરીને દક્ષિણ અને મહારાષ્ટ્રમાં ઘણી સ્ત્રીઓ આધ્યાત્મિક ઉન્નતિના ક્ષેત્રે ઘણી સારી રીતે આગળ વધી હતી.

ઉપરની હકીકતો એ બતાવે છે કે હિન્દુ સ્ત્રીઓને સંન્યાસી જીવન જીવવાનો અધિકાર હતો કે નહીં એવા પુછાતા પ્રશ્નોનો ઉત્તર આપે છે. ઉપર્યુક્ત હકીકતો એ સાબિત કરે છે કે વૈદિક કાળ અને ત્યાર પછીના સમયમાં જે સ્ત્રીઓ ઇચ્છતી તેમને સંન્યાસી જીવન જીવવા મળતું. સમય જતાં સામાજિક કારણોને લીધે સ્ત્રીઓને આ અધિકારથી વંચિત રાખવામાં આવી. હાલના શતકમાં આ પ્રાચીન આદર્શાેને પુનર્જીવિત કરવાના પ્રયાસોથી સ્ત્રીઓ પણ સંન્યાસી જીવન જીવી શકે એ આદર્શને નવો વેગ મળ્યો છે અને કેટલાક દસનામી સંપ્રદાયોમાં નારીઓને પણ સંન્યસ્ત ગ્રહણ કરવાની સ્વીકૃતિ અપાય છે, એનો અર્થ એ થયો કે નારીઓને અપાતો સંન્યાસ શાસ્ત્ર વિરુદ્ધ નથી.

આધ્યાત્મિકતાના ઇતિહાસમાં શ્રીરામકૃષ્ણદેવના અવતાર સાથે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. ધર્મજીવન માટે કે ધર્મ વિશે તેઓ આમ કહે છે, ‘એકમાત્ર ઈશ્વર જ સત્ય છે, બીજું બધું મિથ્યા… જીવનનું ધ્યેય ઈશ્વરની પ્રાપ્તિ છે.’ શ્રીરામકૃષ્ણદેવે શાસ્ત્રોના અધિકારને પૂર્ણપણે માન-આદર આપ્યાં છે અને એનું સમર્થન પણ કર્યું છે. એમનું જીવન એક વિલક્ષણ હતું, અને તે બધી ઔપચારિકતાથી પર હતા. સનાતન ધર્મના આદર્શને જાળવવા તેમણે તોતાપુરી પાસે સંન્યસ્તની ઔપચારિક દીક્ષા પણ લીધી હતી. પોતાના આધ્યાત્મિક ગુરુરૂપે ભૈરવી બ્રાહ્મણી યોગેશ્વરીને સ્વીકારીને તેમણે સ્ત્રીઓ પણ આધ્યાત્મિક જીવન જીવી શકે એને પ્રમાણભૂત અને માન્ય ગણી છે. જેમ તોતાપુરીએ શ્રીરામકૃષ્ણને વેદાંતિક સાધનાની મંત્રદીક્ષા આપી હતી તેવી જ રીતે ભૈરવી બ્રાહ્મણીએ તંત્ર દ્વારા આધ્યાત્મિક સાધના કરાવી હતી. આ નવા અવતારના આગમનથી આધ્યાત્મિકતાના વહેતા થયેલા નવપ્રવાહે નરનારીઓના આધ્યાત્મિક વિચારો પર જબરો પ્રભાવ પાડ્યો. પોતાના જન્મ પહેલાંની સદીમાં આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં સ્ત્રીઓનું જે સ્થાન વીસરાઈ ગયું હતું તેને શ્રીરામકૃષ્ણે નારીને પોતાના ગુરુ તરીકે સ્વીકારીને પુન:સ્થાપિત કર્યું. જ્યાં સુધી સ્ત્રીઓની આધ્યાત્મિક ઉન્નતિને લાગે વળગે છે ત્યાં સુધી આ ઘટનાએ મહત્ત્વનો અને સુદીર્ઘકાળનો તેમજ દૂરોગામી પ્રભાવ પાડ્યો છે.

સ્વામી વિવેકાનંદ કે જેમને શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને વાણીના ઉદ્ગાતા અને વ્યાખાતારૂપે માનવામાં આવે છે, તેમણે પણ સ્ત્રીઓના સંન્યાસના હકને માન્ય ગણ્યો છે અને તેનું સમર્થન પણ કર્યું છે. તેઓ તો સ્ત્રીઓને સંન્યાસની બાબતમાં વધુ પ્રાથમિકતા અને મહત્ત્વ આપવા ઇચ્છતા હતા. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી નારીઓની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી જગતના કલ્યાણની કોઈ આશા ન રાખવી જોઈએ. કોઈ પણ પક્ષી માટે એક પાંખે ઊડવું શક્ય નથી…. શ્રીરામકૃષ્ણના અવતરણથી અને નારીને ગુરુરૂપે સ્વીકારીને, માતૃભાવે સાધના કરીને નારીઓને જગદંબાની જીવંતમૂર્તિ ગણીને અને માતૃત્વના આદર્શનો ઉપદેશ આપવાની શરૂઆત કરી ત્યારથી નારીની સાચી ઉન્નતિ થઈ છે…. એટલે જ મારી સર્વ પ્રથમ ઇચ્છા કે કાર્ય સ્ત્રીઓ માટેનો મઠ સ્થાપવાની છે. આ મઠ ગાર્ગીઓ, મૈત્રેયીઓ અને એનાથી પણ ઉચ્ચકક્ષાની નારીઓ આપવાનું મૂળ સ્રોત બનવું જોઈએ.

ભારતની આ પુત્રીઓ નવા ભારતનું નિર્માણ કરવાની ઘણી મોટી જવાબદારી ઉપાડે એવી રાષ્ટ્ર અપેક્ષા સેવે છે. ભારતવર્ષનાં પરમ ચાહક ભગિની નિવેદિતા કહે છે કે આ મહાન ભારતમાતા – રાષ્ટ્રમાતાના શાશ્વત આનંદમય દૈવી પ્રગટીકરણ માટે સર્વ પ્રથમ તો તેમની પુણ્યશાળી પુત્રીઓ અને ભાવી નારીઓના પ્રભાવક અને શક્તિશાળી વર્તુળથી વીંટળાયેલી બનવી જોઈએ. આવી પુનિત નારીઓએ એમનાં ચરણોને સ્પર્શીને ગર્વપૂર્વક સમર્પણ કરવું જોઈએ. સાથે ને સાથે એમણે પ્રતિજ્ઞાપૂર્વક તેમના પોતાનાં, પોતપોતાના પતિઓનાં અને એમનાં સંતાનોનાં જીવનને પણ એમનાં ચરણે સમર્પિત કરી દેવાં જોઈએ. આવું થશે તો જ સમગ્ર વિશ્વમાં એ એક શિરમુકુટધારી દેવીરૂપે ઊભી થશે.

નારીઓના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા પ્રદાનને કોઈ ઓછો ન આંકી શકે. આ પ્રદાને પોતાની માતૃભૂમિની મુક્તિ માટે નારીઓ કેટકેટલું સહન કરી શકે અને કેવાં કેવાં બલિદાનો આપી શકે તે પુરવાર કર્યું છે. આજના ભારતની નારીઓ ધીમે ધીમે પોતાની ભીતરની શક્તિથી સચેત બનતી જાય છે અને તેઓ આગળ વધીને જીવનનાં, ઉદ્યોગનાં, સાહસિકતાનાં કેટલાંય ક્ષેત્રોમાં પોતપોતાનું સ્થાન જમાવતી જાય છે. અજ્ઞાન અને નિરક્ષરતાના અંધકારે તેમને સદીઓથી પડદાની પાછળ રાખી હતી, શિક્ષણ અને બીજા નારીઓના વિશેષ અધિકારોથી દૂર રાખી હતી તે બધું હવે ધીમે ધીમે ભૂંસાતું જાય છે. આધુનિક યુગે સ્ત્રીઓ માટે એક નવા તબક્કાનો પ્રારંભ કર્યો છે. એને લીધે ઉચ્ચ કેળવણી પામેલ અને ઉચ્ચગ્રાહી મહિલાઓ ઘણી જવાબદારીપૂર્વકની કચેરીઓમાં જવાબદારીનું એક અનોખું કાર્ય સંભાળી રહી છે. કેટલીક નારીઓેએ પોતાની જાતને માનવસેવાના કામે લગાડી દીધી છે. ભારતની નારીઓએ બૌદ્ધિક, સામાજિક, આર્થિક, વેપાર-વાણિજ્ય, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સાહિત્યના ક્ષેત્રે આગવી અને નોંધનીય સફળતા મેળવી છે. પરંતુ આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં અંતિમપ્રાપ્તિ સુધી હજી બહુ સિદ્ધિ મળી નથી. એટલે જ ભારતમાં મહિલાઓએ સૌપ્રથમ તો આધ્યાત્મિક વ્યક્તિ તરીકે પોતાનું પ્રદાન આપવું જોઈએ. એ માટે એમણે શ્રીશ્રી મા શારદાદેવીના પગલે પગલે ચાલવું જોઈએ.

શ્રીમા શારદાદેવી કે જેઓ ‘હોલી મધર’ના નામે પણ રામકૃષ્ણદેવના ભક્તોમાં જાણીતાં છે અને તેઓ આધ્યાત્મિક વિશ્વમાં અનન્ય સ્થાન ધરાવે છે. આપણે એમનામાં એક ગૃહસ્થ નારી, માતા અને સંન્યાસિનીનું સુસંવાદી વ્યક્તિત્વ જોવા મળે છે. એમણે સેંકડો નરનારીઓને દીક્ષા આપી છે અને રામકૃષ્ણ સંઘના કેટલાય સંન્યાસીઓને સંન્યાસની દીક્ષા આપી છે. એ રીતે એમણે આધ્યાત્મિકતાને ઝંખતા મુમુક્ષોઓની તરસને છિપાવી છે. તેમનો પ્રેમ સર્વ પ્રત્યે અસીમ હતો; એ પ્રેમમાં ક્યાંય જાતિ, જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ ન હતા. જીવનના દરેક ક્ષેત્રમાં એમનું દૃષ્ટાંતરૂપ જીવન વિશ્વની નારીઓ માટે શાશ્વત પ્રેરણાનું સ્રોત બની ગયું છે. બાહ્ય દેખાવે ગ્રામ્યનારી હતાં પણ તેઓ રામકૃષ્ણ સંઘની મહાન સંસ્થાના આધ્યાત્મિક અગ્રેસરનું સ્થાન ધરાવતાં હતાં. આ રીતે તેમણે આધુનિક નારીઓને અનુસરવા માટે એક પથ ખુલ્લો કરી દીધો છે. અત્યારે સેંકડોની સંખ્યામાં નિ:સ્વાર્થ, પવિત્ર, પોતાની માતૃભૂમિ માટે સંપૂર્ણ પ્રેમભક્તિ ધરાવતી નારીઓ સર્વ કંઈ ત્યજીને વિશ્વભરમાંથી ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ – પોતાની મુક્તિ અને સંસારના યોગક્ષેમ માટે બહાર આવે એ શુભ ઘડી આવી ચૂકી છે.

Total Views: 84
By Published On: May 1, 2014Categories: Brahmacharini Asha0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram