(ગતાંકથી આગળ…)

સૌથી પ્રથમ બાબત છે તમારા ચિત્ત પાસેથી કામ લેવાની. આપણાં ચિત્ત પાસેથી આપણે ભાગ્યે જ કામ લઈ શકીએ છીએ. આપણે ઓજારો પાસેથી કામ લઈએ છીએ પણ સૌથી મોટું ઓજાર તો મન (ચિત્ત) છે ને આપણે એની પાસેથી કદી કામ લેતાં નથી. આપણે એને એના માર્ગે જવા દઈએ છીએ. એટલે ગીતા આપણને બીજો પાઠ ભણાવવાની છે. ઓજારોને હાથમાં પણ રાખો, મનને પણ રાખો. બધાં ઓજારોનું ઓજાર મન છે. પછી તમને કશીક મોટી સિદ્ધિ મળશે. માટે યોગની આ પ્રથમ વ્યાખ્યા છે : समत्वं योग उच्यते અને બે શ્લોકો પછી ૫૦મા શ્લોકમાં બીજી વ્યાખ્યા સાંપડે છે જે વધારે વ્યાપક અને મહત્ત્વવાળી છે. પછીનો ૪૯મો શ્લોક કહે છે :

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ।।49।।

‘બુદ્ધિયોગથી સ્થિર થયેલા મન વડે કરાયેલા કર્મ કરતાં (ઇચ્છા સાથેનું) કર્મ ઘણું હીન છે. હે ધનંજય, તું આ બુદ્ધિનું શરણ લે. (સ્વાર્થી) હેતુઓ માટે કર્મ કરનારા ક્ષુદ્ર છે.’

ગીતાના બીજા અધ્યાયના હાર્દમાંના આ થોડા શ્લોક મહાન છે અને સમસ્ત માનવજાત માટે ગહન તત્ત્વજ્ઞાન પ્રબોધે છે ને તેમાંયે, હમણાં મેં વાંચ્યો તે ૪૯મો શ્લોક, दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनंजय, ‘અર્જુન, સ્વાર્થી હેતુથી કરાયેલું કર્મ પેલા બુદ્ધિયોગ દૃષ્ટિબિંદુથી કરાયેલા કર્મ કરતાં કયાંય હીણું, ઊતરતું, છે.’ बुद्धौ शरणमन्विच्छ, ‘તું બુદ્ધિને શરણે જા.’ તારામાં બુદ્ધિનો વિકાસ કર. कृपणाः फलहेतवः ‘ફળની પાછળ દોટ મૂકનારા સાવ નાના મનના હોય છે’, कृपणाः એટલે હિન્દીમાં આપણે કંજૂસ કહીએ છીએ તે. એમનાં મન નાનાં હોય છે. હવે આ શ્લોકને યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલે એક પ્રવચનમાં ટાંકયો હતો. આ શ્લોક ટાંકતાં એ બોલ્યા હતા કે આ બોધને લોકો જીવનમાં અનુસરે તો વસવા માટે જગત વધારે સારું સ્થળ બને. વેદાંતમાં બુદ્ધિ મહાન શબ્દ છે અને ગીતામાં તે વારંવાર આવે છે. ખરી રીતે એ તર્કની, નિર્ણયની, વિવેકની શક્તિ છે; આપણે જેને સામાન્ય રીતે બુદ્ધિ કહીએ છીએ તે, ઊર્મિ અને સંકલ્પશક્તિ, એ ત્રણની એકરૂપતા એ નિર્દેશે છે. મનુષ્યના બધા માનસિક અને જ્ઞાનતંતુજનિત વ્યાપારોને એ અંકુશમાં રાખે છે, કાં, એણે રાખવા જોઈએ. આ મગજતંત્ર એ બુદ્ધિનું જૈવિક ઉપકરણ છે. માનવના આ મોટા મગજની તંત્ર વ્યવસ્થા સૌથી છેલ્લી ઉત્ક્રાંત થયેલી છે. માનવીના સ્વયંસંચાલિત વ્યાપારો સિવાય બીજા બધા વ્યાપારોને વશ રાખી તેમનું સંચાલન કરવાનું તેનું કાર્ય છે. આને સમજીને અને તેના અમલ માટે થોડો પ્રયત્ન કરીને, માનવ સોપાને ઉત્ક્રાંતિનો હેતુ સિદ્ધ કરવાના સાધન તરીકે, આ બુદ્ધિની ખિલવણી પોતાનામાં કોઈપણ કરી શકે છે. દરેકની ભીતર રહેલા મનોદૈહિક ઊર્જાતંત્રમાંથી આ શક્તિ નિષ્પન્ન થઈ શકે છે. આપણે એ શક્તિને માત્ર શુદ્ધ કરીએ છીએ; એટલે એ બુદ્ધિ થાય છે.

માનસિક શક્તિના શુદ્ધિકરણનો ઉલ્લેખ હું વારંવાર કરું છું. માનસિક શક્તિઓના શુદ્ધિકરણ ઉપર જ બધા ઉચ્ચ ચારિત્ર્યનો આધાર રહેલો છે. વણશોધાયેલી માનસિક શક્તિ અણઘડ ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આ વિષય ખૂબ અગત્યનો છે. હવે ભારતમાં આપણી પાસે ખનિજ-રિફાઈનરીઓ છે, તેમાં આપણે અશુદ્ધ તેલ નાખી તેનું શુદ્ધિકરણ કરીએ છીએ અને આપણને સુંદર પેટ્રોલિયમ પેદાશો સાંપડે છે. અશુદ્ધ તેલના શુદ્ધિકરણની જરૂર છે જ. એ જ રીતે આ માનવ તંત્રમાં અનુભવરૂપી સુંદર શુદ્ધિકરણનું સાધન પ્રકૃતિએ આપ્યું છે. અણઘડ અનુભવ લો, એને વિશુદ્ધ કરો અને પછી પ્રેમ, કરુણા, શાંતિ, કાર્યકૌશલ, સમર્પિતતા જેવી, ચારિત્ર્યની સુંદર નીપજો બહાર કાઢો – દરેક યુવકે આ વિશે ચિંતન કરવું જોઈએ અને પ્રવૃત્ત થવું જોઈએ. મારા અનુભવને મારે કેવી રીતે વિશુદ્ધ કરવો? આજે જગતભરમાં શિક્ષણની વિભાવનામાં અને તેના અમલમાં, અનુભવનું આ શુદ્ધિકરણ નહિવત્ છે. આપણા જીવનમાં આઘાતજનક અણઘડતા પ્રવેશી ગઈ છે. માનવસંબંધોમાં અને રાજકારણમાં અણઘડતા ૫્રવર્તે છે; શિક્ષણ છે પણ સંસ્કાર નથી, માનસિક શક્તિ છે પણ એ શુદ્ધિકરણ નથી કરતી; આપણા દેહમનના તંત્રને આપણે સંસ્કારના કામે નથી લગાડયું તેની નિશાની આ અણઘડતા છે. આ બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ આપણને જે બોધ આપે છે તેને લગતા જ આ બધા વિચારો છે. જ્યાં બુદ્ધિ નથી ત્યાં, આપણે જીવનની નીચેરી પાયરીએ જીવીએ અને પ્રવૃત્તિ કરીએ છીએ. પછી આપણે फलहेतवः- ‘પોતાને માટે ફળની ઇચ્છાથી પ્રેરિત’ બની જઈએ છીએ. પછી ‘તમે’ કે ‘અમે’ માટે આપણા ચિંતનમાં સ્થાન નથી. એની તુલનાએ, બુદ્ધિની કક્ષાએથી નિષ્પન્ન થતું સઘળું ચિંતન અને કાર્ય, સ્વના કલ્યાણની સાથે બીજાઓનું કલ્યાણ પણ ચિંતવશે; ‘તમારી શી સેવા કરી શકું ?’ આ ભાવના સદા જોવા મળશે. આ બુદ્ધિયોગ કે યોગબુદ્ધિ કહેવાય છે; ઉચ્ચ ચારિત્ર્યશક્તિનો એ એકમાત્ર સ્રોત છે. આપણામાં રહેલી એ બુદ્ધિ સૌમાં વસતા અંતર્યામી, આત્મા કે બ્રહ્મની નિકટતમ છે. આદિ શંકરાચાર્ય એને नेदिष्ठं ब्रह्म, ‘બ્રહ્મની નિકટતમ’ કહે છે. બુદ્ધિએ જરા પાછળ જોવાની જ જરૂર છે, આત્મા ત્યાં છે, અનંત આત્મા.

આપણે કઠઉપનિષદનું અધ્યયન કરીએ ત્યારે તેમાં રથનું સુંદર કલ્પનાચિત્ર આવે છે. મનુષ્યજીવન સિદ્ધિની યાત્રા છે. યાત્રા બે પ્રકારની છે; બાહ્ય યાત્રા, જેને માટે શરીર રથ છે, ઈન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે અને બુદ્ધિ સારથિ છે. આત્મા રથારૂઢ છે, એ રથનો સ્વામી છે. એ યાત્રાના સંદર્ભમાં જ, આંતરિક યાત્રા છે. એ આંતરિક યાત્રાથી ચારિત્ર્ય નિષ્પન્ન થાય છે, આધ્યાત્મિક અને ચારિત્ર્યની ઉચ્ચ સિદ્ધિઓ નિષ્પન્ન થાય છે. રથનું આ સુંદર કલ્પના ચિત્ર કઠઉપનિષદની ત્રીજી વલ્લીમાં અપાયેલું છે. એ કલ્પનાચિત્રમાં બુદ્ધિ સારથિ છે. રથના ઈન્દ્રિયોરૂપી અશ્વોનું નિયમન એ જ કરે છે. ગતિની બધી શક્તિ અશ્વોમાં છે. અશ્વો પર કોઈનો અંકુશ જરૂરનો છે; લગામ કોઈએ પકડવી પડે છે; એ કોઈ તે બુદ્ધિ છે. મન લગામ છે, એ ચિત્તતંત્ર છે. આમ સમગ્ર યાત્રાની નિયામક અને સંચાલક બુદ્ધિ છે. યાત્રાનો વેગ એ નક્કી કરે છે. એ દૂર સુધી જોઈ શકે છે, ઘોડા નહીં; અંગ્રેજીમાં એને ‘ફોરસાઈટ’ (દૂરદૃષ્ટિ) કહે છે. ઈન્દ્રિય તંત્ર કરતાં ચિત્તતંત્ર થોડે દૂર સુધી જોઈ શકે છે; ઈન્દ્રિયતંત્ર પાસે એનો સદંતર અભાવ છે. પણ બુદ્ધિની વાત કરીએ ત્યારે તેની પાસે ઘણી દૂરદૃષ્ટિ છે. એ શાણપણ કહેવાય છે.

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.