હોંગકોંગ, જૂન ૧૮૯૩

વહાલા મિત્રો,

સ્વામીજી સિંગાપોરથી હોંગકોંગ આવ્યા. આગળનું વર્ણન એમના જ શબ્દોમાં…

પછી આવ્યું હોંગકોંગ. તમને એમ જ લાગે કે આપણે ચીનમાં આવી પહોંચ્યા છીએ, કેમ કે ચીનાઓ અહીં બહુ મોટી સંખ્યામાં છે. અહીં મજૂરી ને વેપાર બધો તેમના જ હાથમાં દેખાય છે. હોંગકોંગ એ ખરેખરું ચીન છે… હોંગકોંગમાં અમે ત્રણ દિવસ રહ્યા.

સ્ટીમર લાંગરે કે તરત જ કાંઠે લઈ જવા માટે સેંકડો ચીની હોડીઓ તમને ઘેરી વળે છે. બે સુકાનવાળી આ હોડીઓ કંઈક વિચિત્ર પ્રકારની છે. હોડીવાળો પોતાના કુટુંબ સાથે હોડીમાં જ રહે છે. સુકાનનું કાર્ય લગભગ હંમેશાં તેની પત્ની સંભાળતી હોય છે. એક સુકાન એ હાથ વડે ચલાવે છે ને બીજું પગ વડે.

નેવું ટકા સ્ત્રીઓની પીઠ ઉપર તમે બાળક બાંધેલું જોશો. એ નાનકડા બાળકના હાથપગ છૂટા રાખ્યા હોય છે. ક્યારેક જોશથી સુકાન સંભાળતી, તો ક્યારેક ભારે વજનો ખસેડતી કે અદ્‌ભુત ચપળતાથી એક હોડી ઉપરથી બીજી હોડી ઉપર કૂદી જતી તેની માતાના વાંસા ઉપર ખૂબ શાંતિપૂર્વક લટકતા આ નાનકડા ચીનાઈ બાળકનું દૃશ્ય વિચિત્ર છે. વળી આવતીજતી હોડીઓ અને સ્ટીમલોંચોનો ધસારો પણ ખૂબ જ હોય છે. નાનકડા એ બાળક ઉપરના તેના ચોટલી સહિત, નાનકડા માથાના ચૂરેચૂરા થઈ જવાનો ભય હરપળે ઝઝૂમતો હોય છે, પણ એની તેને મુદ્દલ પરવા હોતી નથી. આ ધમાલભરી જિંદગીનું જાણે કે એને કંઈ જ આકર્ષણ છે નહિ; એ તો એની ખૂબ કામે લાગેલી માતાએ વખતોવખત આપેલાં ચોખાનાં ઢોકળાંના ટુકડાની દેહરચનાના જ્ઞાનથી જ તદ્દન સંતુષ્ટ છે. ચીની બાળક ફિલસૂફ હોય છે; અને તમારું હિંદી બાળક તો હજી માંડ માંડ પા પા પગલી ભરતું હોય છે તે ઉંમરે તો એ શાંતિથી કામે જાય છે. જરૂરિયાત અંગેની ફિલસૂફી એણે પૂરેપૂરી જાણી લીધી હોય છે.

ચીન અને હિંદની સંસ્કૃતિ સુગંધી દ્રવ્યો ભરીને સાચવી રાખેલાં મડદાં સમી સ્થિતિમાં રહી જવાનાં અનેક કારણોનું એક છે એમની પારાવાર ગરીબી. સામાન્ય હિંદી કે ચીનવાસી માટે રોજબરોજની આવશ્યકતા જ એટલી બધી ત્રાસજનક હોય છે કે એ વસ્તુ બીજા કશાનો વિચાર જ કરવા દેતી નથી.

હોંગકોંગ ઘણું સુંદર શહેર છે. શહેર ટેકરીઓના ઢોળાવો તેમજ ટોચો ઉપર પણ બાંધેલું છે. ટોચો ઉપર શહેર કરતાં ઠંડી વધુ હોય છે. ટેકરીની ટોચ સુધી લગભગ સીધી ઉપર જતી એક ટ્રામ-વે છે. તે તારનાં દોરડાં તથા વરાળશક્તિથી ખેંચાય છે.

૧૮૮૧માં હોંગકોંગની સૌથી ઊંચી ટેકરી નવિકટોરીયા પીકથ સુધી ટ્રામ-વે લઈ જવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૧૮૮૫માં બાંધકામ શરૂ થયેલું. પીક ટ્રામના બાંધકામને ત્રણ વર્ષ લાગ્યા હતા, ભારે સાધન સામગ્રી અને પાટાઓ કામદારો દ્વારા ઉપર ખેંચીને લાવવામાં આવેલ જેમને કોઈ યાંત્રિક ટેકો ન હતો. એશિયા માટે એ સમયે પીક ટ્રામ વાહન વ્યવહારના નવા સ્વરૂપે ક્રાંતિકારી હતી અને આખરે જ્યારે ટ્રામ-વે સંપૂર્ણ કરવામાં આવ્યો ત્યારે તે ઈજનેરી વિદ્યાનો ચમત્કાર ગણાતો હતો. મે ૧૮૮૮માં તેને સત્તાવાર ખૂલ્લી મૂકવામાં આવી હતી.

-સંપાદક

Total Views: 75
By Published On: June 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram