(ગતાંકથી આગળ…)

મનની શુદ્ધિ-સાધના

ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ આપ્યું. વળી શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ આ રીતે કેટલીયે વ્યાખ્યાઓ આપ્યા પછી ઋષિએ કહ્યું, ‘વત્સ, શ્રદ્ધત્સ્વ-વત્સ, શ્રદ્ધાસંપન્ન બનો.’ કેવળ તર્કવિચાર દ્વારા આ જ્ઞાનને મેળવી ન શકાય. જ્યાં સુધી આપણા જ્ઞાનની સીમા છે, પરિધિ છે, વિચાર ત્યાં સુધી જ પ્રગટ કરે છે, એની બહાર જઈ શકતો નથી. એની સીમા આ અનુભવની પહેલાં સુધી જ છે. જ્યાં વિચાર સમાપ્ત થાય છે ત્યાં વસ્તુનો શુદ્ધ પ્રકાશ થાય છે. એ પહેલાં સુધી તત્ત્વ મનના ઢાંચામાંથી નીકળીને, મનના રંગમાં રંગાઈને આપણી સામે આવે છે. પરંતુ એનું સ્વરૂપે સ્પષ્ટ પ્રકાશિત થતું નથી. મનના આવરણમાંથી પસાર થઈને આવવાના કારણે એનું રૂપ પરિવર્તિત થઈ જાય છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે, ‘મનને શુદ્ધ કરો.’

તો પછી એનો ઉપાય શો છે ? શાસ્ત્રે એક વાર કહ્યું – યન્ મનસા ન મનુતે – ‘મન દ્વારા જ વસ્તુને પ્રાપ્ત કરવી પડે’. વળી પાછું કહ્યું છે, ‘મનસસા એવ ઇદમ્ આપ્તવ્યમ્ – એ બન્ને વિરોધી વાતો છે. ભગવાનનું મન દ્વારા ચિંતન કરે છે કારણ કે ચિંતન કરવા આપણી પાસે મન સિવાય બીજું કોઈ સાધન કે યંત્ર નથી. એટલે જે મનની સહાયતાથી આપણે એમને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તે મન જ્યાં સુધી પૂરી રીતે શુદ્ધ અને સ્વચ્છ ન થઈ જાય ત્્યાં સુધી તે આવરણરૂપ છે, પ્રકાશરૂપ નથી. તે તત્ત્વને તેના અસલ સ્વરૂપમાં વ્યક્ત કરતું નથી. જેમ કાચની અંદર રાખીને કોઈ વસ્તુને જોવાથી તે વસ્તુ કાચના ગુણદોસથી પ્રભાવિત થઈને આપણી સામે પ્રગટ થાય છે. ક્યાંક કાચ એવો છે કે નાની વસ્તુને મોટી અને નાની વસ્તુને મોટી કરીને બતાવે છે, વિકૃત કરીને બતાવે છે, આ બધું કાચને લીધે થાય છે. મન પણ જાણે આવા પ્રકારનો એક કાચ છે. એની ભીતરથી આપણે વસ્તુને જોઈએ છીએ. એટલે મનનો વિકાર જ એ વસ્તુને વિકૃત કરીને આપણી સામે રજૂ કરે છે. એટલે શાસ્ત્ર કહે છે કે મન દ્વારા એનું સ્વરૂપ વ્યક્ત કરી ન શકાય.

વળી તત્ત્વ તરફ આગળ વધવા માટે સહાયરૂપ થાય એવા મન સિવાય આપણી પાસે બીજું છે પણ શું? કંઈ નથી. એટલે શાસ્ત્રો કહે છે, ‘મન દ્વારા જ વસ્તુને પ્રાપ્ત કરવી પડે.’ આ કેવી રીતે સંભવ બને ? શાસ્ત્ર કહે છે, ‘મનને શુદ્ધ, સ્વચ્છ, પવિત્ર કરો’, મનને એવી રીતે ઘસતાં, સાફ કરતાં, શોધન કરતાં કરતાં તે તત્ત્વને વિકૃત નહીં કરી શકે, ક્રમશ : મનની આવી અવસ્થા થઈ જશે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ઉપાસક અને ઉપાસ્યની વચ્ચે વ્યવધાન કેવું છે તે જાણો છો ? જાણે કે એક ઘણા પાતળા કાચનું વ્યવધાન છે, એવું લાગે છે કે હમણાં જ એને સ્પર્શી લઈશ.’

ભાષા ઘણી સુંદર છે પરંતુ એને થોડી ગંભીરતાથી સમજવી પડે. કાચ સાવ સ્વચ્છ છે છતાં પણ તે એક વ્યવધાન છે. એની ભીતરથી આપણે વસ્તુને જોઈએ છીએ, પણ એને પ્રગટ કરી શકતા નથી, સ્પર્શી શકતા નથી. એટલે કે પ્રત્યક્ષરૂપે અનુભૂતિ કરી શકતા નથી. મનરૂપી યંત્રની મદદથી તે કરે છે એટલે યંત્રના દોષથી જ એ વસ્તુ દૂષિત થાય છે.

એટલે આ મનને શુદ્ધ કરીને એવી અવસ્થામાં લાવવું પડે કે જ્યાં મન મન જ ન રહે. મનની ભીતર જ્યારે એ પરમ તત્ત્વ જે પ્રકાશ સ્વરૂપ છે, તે કેવળ તે જ રહી જાય છે. ત્યારે મન અમન થઈ જાય છે. તેઓ સ્વયં પ્રકાશ છે. મન એમને પ્રકાશિત કરી શકતું નથી. કેવળ એને ઢાંકી રાખે છે. મન શુદ્ધ થાય એટલે એ આવરણ ચાલ્યું જાય છે. ત્યારે કેવળ તેઓ જ રહે છે.

એટલે શાસ્ત્રો કહે છે કે મનની સહાયતાથી મનને શુદ્ધ કરીને એમને જાણવા જોઈએ. જ્યાં સુધી યંત્રના રૂપે વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી તેઓ યંત્રની આડમાં રહે છે. મનનું અતિકરણ કરવાનું સામર્થ્ય આપણામાં નથી. પ્રખર બુદ્ધિ, પાંડિત્ય વગેરે બધાં આ જ સીમાની ભીતર છે. મનને શુદ્ધ કરવાનો અર્થ બુદ્ધિની પ્રખરતા નથી, પરંતુ તેની અપવિત્રતાને દૂર કરવી એ છે. શુદ્ધ, પવિત્ર થવાથી તે મન બ્રહ્મરૂપ બની જશે, એ જ બ્રહ્મ જ્ઞાન છે. એટલે મનબુદ્ધિ રૂપી જ્ઞાનના કાંટાને જ્યાં સુધી હટાવી ન દઈએ ત્યાં સુધી વસ્તુનો નિર્ણય થતો નથી, તત્ત્વનો સાક્ષાત્કાર થતો નથી. એનો જ વિચાર કરવો પડે.
(ક્રમશ 🙂

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.