‘જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને જોઈ આવો. (સૌનું હાસ્ય). વળી ક્યારેક જોઉં કે ભક્તોની સાથે નકામા માણસો આવ્યા છે, તેમનામાં બહુ જ સાંસારિક વાસનાઓ હોય, ઈશ્વર સંબંધી વાતો તેમને ગમે નહિ. પેલા ભક્તો જ્યારે મારી સાથે વધુ વખત સુધી ઈશ્વરીય વાતો કરતા હોય ત્યારે એ લોકો વધારે વખત બેસી શકે નહિ, ઊંચાનીચા થવા લાગે, વારેઘડીએ પેલાના કાનમાં ઘુસપુસ કરીને કહે કે ‘હવે ક્યારે ઊઠવું છે ?’ ‘હવે ક્યારે જવું છે ?’ પેલા લોકો કાં તો કહે કે ‘જરા રહોને ભાઈ, થોડીક વાર પછી જઈએ છીએ.’ એટલે આ લોકો નારાજ થઈને કહેશે કે ‘ત્યારે કરો તમે વાતો, અમે જઈને બહાર હોડીમાં બેસીએ છીએ.’ (સૌનું હાસ્ય).
‘સંસારી લોકોને જો કહો કે ‘બધું છોડીને ઈશ્વરનાં ચરણકમળમાં મગ્ન થાઓ, તો એ લોકો કદી સાંભળવાના નહિ. એટલે સંસારી લોકોને આકર્ષવા માટે શ્રીગૌરાંગ અને નિત્યાનંદ એ બે ભાઈઓએ મસલત કરીને એક યુક્તિ કરેલી કે ‘માગુર માછલીનો ઝોલ (રસદાર શાક), જુવાન સ્ત્રીનો કોલ (ખોળો), હરિ બોલ.’ એ બે વસ્તુની લાલચે કેટલાય લોકો ‘હરિ બોલ, હરિ બોલ’ બોલવા આવતા. પણ થોડા સમયમાં જ હરિ-નામરૂપી અમૃતનો જરાક સ્વાદ લાગતાં જ તેઓ સમજી જતા કે માગુર માછલીનો ઝોલ એ બીજું કાંઈ નહિ પણ હરિ-પ્રેમે જે આંસુ ઝરે તે; અને જુવાન સ્ત્રી એટલે આ પૃથ્વી. જુવાન સ્ત્રીનો ખોળો એટલે હરિ-પ્રેમમાં ધૂળમાં આળોટવું તે!’
‘નિતાઈ કોઈ પણ રીતે હરિ-નામ લેવરાવી લેતા. ચૈતન્યદેવે કહેલું કે ઈશ્વરના નામનું બહુ જ માહાત્મ્ય છે. ફળ જલદી ભલે ન મળે, તો પણ ક્યારેક ને ક્યારેક તો મળે જ. જેમ કે કોઈએ જૂના ઘરને ટોડલે બીજ રાખી મૂકેલું હતું. લાંબે સમયે એ ઘર પડી ગયું. એ બીજ માટીમાં પડ્યું અને લાંબે વખતે તેમાંથી ઝાડ ઊગ્યું ને ફળ પણ આવ્યાં.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ : ૧, પૃ. ૧૧૫)
Your Content Goes Here