‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્‌બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) વિશે શ્રીરામકૃષ્ણ : શશી અને શરદને જોયા છે. તેઓ ઋષિ કૃષ્ણ (ઈશુ ખ્રિસ્ત) ના વૃંદમાં હતા. અપરાવિદ્યામાં ડૂબીને જો પરાવિદ્યાને ભૂલી જાઓ તો તમારું હૃદય ભક્તિ વિહોણું બની જાય.

અહા ! તમને ઘણું કષ્ટ થાય છે. જેમના હાથમાંથી પાણી નીકળતું નથી, લોકો એને કૃપણ કહે છે. પરંતુ મેં જોયું છે કે તમે કંજૂસ નથી, તમે તો ઉદાર દાતા છો.

જુઓ, તમારી સેવાએ મને બાંધી રાખ્યો છે. તમે જો કહેશો કે તો હું ઉપરથી પણ પાછો આવીશ. (શ્રીરામકૃષ્ણ ભક્તિમાલિકા : સ્વામી ગંભીરાનંદ. ચોથી આવૃત્તિ : પૃ. ૩૫૦-૫૨)

એ વખતે શશી મહારાજનું શ્રીઠાકુર પાસે આવવા જવાનું થતું હતું. એ વખતે તેઓ વિદ્યાસાગર કોલેજમાં બી.એ.ના પ્રથમ વર્ષમાં ભણતા હતા. શ્રીઠાકુર અત્યારે એ વાતની ચર્ચા કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને સંબોધીને) : ‘એ જે છોકરો આવે છે, હું જોઉં છું કે એક દિવસ એનું મન રૂપિયા-પૈસામાંથી ઊઠી જશે. પરંતુ કેટલાક લોકોનું મન રૂપિયા-પૈસામાંથી ઊઠવાનું નથી, એ પણ હું જોઉં છું. કેટલાક છોકરાઓ પરણશે પણ નહીં.’ (બંગાળી કથામૃત અખંડ : પૃ. ૭૦૮)

અમારો શશી
– સ્વામી વિવેકાનંદ

શશીની મૌલિકતા ઘણી ઓછી છતાં પણ તે એક ગુડ વર્કમેન – સારા કાર્યકર છે, તેમનામાં ધૈર્ય – (પર્સિવિયરીંગ) પણ છે. આની ઘણી આવશ્યકતા છે. શશી ખૂબ એકઝીકયૂટિવ – કર્તવ્યનિષ્ઠ છે.

શશીમાં મને શ્રદ્ધા છે, એમને ચાહું પણ છું. He is the only faithful and true man there. તે અહીં સૌથી વધારે અને સત્યનિષ્ઠ માનવ છે.

શ્રીઠાકુરના દેહાવસાન પછી વરાહનગર મઠમાં અમે લોકો કેટકેટલાં જપધ્યાન કરતા. ત્રણ વાગ્યે ઊઠી જતા, શૌચાદિ પછી સ્નાન કરીને અમે શ્રીઠાકુરના ઓરડામાં પ્રવેશતા અને જપધ્યાનમાં લીન થઈ જતા. એ વખતે અમારામાં કેટલો તીવ્ર વૈરાગ્ય ! દુનિયા છે કે નહીં એની તો જાણે કંઈ પડી જ ન હતી. શશી ચોવીસે કલાક ઘરની શણગટવહુની જેમ શ્રીઠાકુરની સેવામાં રહેતા. ભિક્ષાટન કરીને શ્રીઠાકુરના ભોગ અને અમારા ભોજનની વ્યવસ્થા કરતા. એવા દિવસો પણ હતા કે અમારાં પ્રભાતના પરોઢથી સૂર્યાસ્ત સમય સાંજના ચાર (વાગ્યા) સુધી જપધ્યાન ચાલતાં જ રહેતાં. શશી ખાવાનું લઈને અમારી સામે ઘણા સમય સુધી બેઠા રહેતા અને અંતે અમને પરાણે ખેંચીને જપધ્યાનમાંથી ઉઠાડતા. અહા, શશીની કેવી અદ્‌ભુત નિષ્ઠા અમે જોઈ છે !

ખર્ચ વધારે થતો હોવાથી અને પૈસાની કમીને કારણે મઠને વેચી નાખવા માટે પણ હું ક્યારેક મારામારી પર આવી જતો. આ વિશે શશીને હું રાજી ન કરી શકતો. શશી અમારા મઠ માટે કેન્દ્રબિંદુ – સેન્ટ્રલ ફિગર એટલું સમજી લેવું. (સ્વામી વિવેકાનંદેર બાની ઓ રચના : ખંડ ૬ પૃ. ૩૫૬, ખંડ ૭ પૃ. ૨૧૭, ખંડ ૯ પૃ. ૧૫૦-૧૫૧)

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.